અમદાવાદ:હજુ દિવાળીનો તહેવાર પૂર્ણ થયો છે ત્યાં છઠ્ઠ મહાપર્વની ઉજવણીની તૈયારીઓ પૂરજોશમાં શરૂ થયેલી જોવા મળી રહી છે. અમદાવાદના ઇન્દિરા બ્રિજ પાસે આવેલા છઠ્ઠ પૂજાઘાટ ખાતે છઠ્ઠ પૂજા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. અહીં છઠ્ઠ પૂજાની ઉજવણીમાં રાજ્યના મુખ્યમંત્રી સહિતના લોકો હાજરી આપશે તેવી માહિતી પણ મળી રહી છે.
અમદાવાદના 50,000 જેટલાં ઉત્તર ભારતીયો છઠ્ઠ પુજા કરશે: અમદાવાદ શહેરમાં અંદાજે 50,000 જેટલા ઉત્તરભારતીઓ છઠ્ઠ પૂજન કરશે. જે અંતર્ગત ઇન્દિરા બ્રિજ પાસે સાબરમતી રિવરફ્રન્ટ પર આ પૂજા માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ આયોજનના પગલે છઠ્ઠ પૂજા ઘાટ પર 15 થી 20 હજાર લોકો પુજા કરી શકે તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, આ આયોજન માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્રારા સાબરમતી નદીમાંથી કચરો દુર કરવામાં આવ્યો છે સાથે નદી પાસે આવેલાં મેદાનની સાફ-સફાઈ કરવામાં આવી છે.
મુખ્યમંત્રી સહિત IAS, IPS અધિકારીઓ હાજરી આપશે:મળતી માહિતી પ્રમાણે જાણવા મળે છે કે, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે IAS, IPS અધિકારીઓ સાબરમતી નદી કિનારે આવેલા છઠ્ઠ પુજા ઘાટ પર આવી આ મહાપુજામાં જોડાશે.
છઠ્ઠ મહાપર્વ સમન્વય ટ્રસ્ટના ટ્રસ્ટી સોના સિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, "છઠ્ઠ પુજા મહાપર્વના અનેરા મહત્વને ધ્યાનમાં રાખતાં આ વર્ષે છઠ્ઠ પુજા ઘાટ પર પ્રાથમિક સુવિધાથી લઈને જમવા સુધીની તૈયારીઓ કરવામાં આવી છે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે બનાવેલાં છઠ્ઠ પુજા ઘાટ પર શહેરનાં વિવિધ વિસ્તારમાં રહેતાં લોકો પુજા કરવા માટે આવે છે. આ વર્ષે અમે રાજ્યનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે શહેર પ્રમુખ, ધારાસભ્યો, મેયર સહિત અમદાવાદ મહાનગર પાલિકાના પદાધિકારીઓ IAS અને IPS અધિકારીઓ પણ આ પુજામાં હાજર રહેવા માટે આમંત્રણ આપ્યું છે."
વધુમાં સોના સિંહ રાજપુતો જણાવ્યું હતું કે, "જો શક્ય થશે તો રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને અમે છઠ્ઠ પૂજા ઘાટ ઉપર લઈ જઈને મહિલાઓ દ્વારા કેવી રીતે પૂજા કરવામાં આવે છે તેમજ આ દિવસનું શું ધાર્મિક મહત્વ છે આ સહિતની બાબતોથી અવગત કરાવવાનો પ્રયાસ કરીશું."