અમદાવાદમાં વાજતે-ગાજતે નીકળી ભગવાન જગન્નાથજીની 147મી જળયાત્રા (Etv Bharat Gujarat) અમદાવાદ: ભારતમાં ભગવાન જગન્નાથની રથયાત્રા દર વર્ષે આમ તો અનેક રાજ્યોમાં નીકળે છે. પરંતુ બે સ્થાનની રથયાત્રા ખૂબ જ જાણીતી છે અને એ છે એક ઓરિસ્સામાં આવેલા જગન્નાથપુરીની રથયાત્રા અને ગુજરાતના અમદાવાદમાં નીકળતી રથયાત્રા. રથયાત્રા દર વર્ષે અષાઢ સુદ બીજના દિવસે પરંપરાગત રીતે નીકળે છે. હિન્દુ ધર્મનું પ્રતીક ગણાતી આ રથયાત્રામાં ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રા રથમાં નગરયાત્રા કરવા નીકળે છે.
જય જગન્નાથ (Etv Bharat Gujarat) વાજતે-ગાજતે જળયાત્રા: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આજે સવારે ભગવાન જગન્નાથજીની જળયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યાં હતાં. 108 કળશના જળથી પ્રભુનો જળાભિષેક કરાશે.
ભગવાન જગન્નાથજીની 147મી જળયાત્રા (Etv Bharat Gujarat) 108 કળશમાં સાબરમતિનું જળ: જળયાત્રા સાબરમતી નદીના તટે સોમનાથ ભૂદરના આરે પહોંચે છે અને ગંગાપૂજન પછી 108 કળશમાં જળ ભરીને લાવવામાં આવે છે. પરંપરાગત 108 કળશમાં લવાયેલા જળ દ્વારા ભગવાન જગન્નાથજીનો જળાભિષેક કરાશે.
વાજતે-ગાજતે જગન્નાથીજીની જળયાત્રા નીકળી (Etv Bharat Gujarat) 108 કળશમાં લવાયેલા જળથી ભગવાન જગન્નાથજીનો શાસ્ત્રોક્ત વિધિ સાથે જળાભિષેક કરવામાં આવે છે, ભગવાનના જળાભિષેક બાદ નાથ ગજવેશમાં ભક્તોને દર્શન આપે છે. જળયાત્રામાં સુશોભિત કરાયેલા ગજરાજો, બળદ ગાડા અને મોટી સંખ્યામાં લોકો અને ભજન મંડળીઓ પણ જળયાત્રામાં જોડાઈ છે. બપોર પછી મોસાળવાસીઓ ભગવાનને સરસપુર લઈ જાય છે. રથયાત્રાને લઈને મોસાળવાસીઓ પણ હવે ભાવવિભોર બનીને ભગવાનના મોસાળ પધારવાની રાહ જોઈ રહ્યા છે.