અમદાવાદ:સોમવારે આશ્ચર્યજનક રીતે ચાલતી નકલી કોર્ટનો કિસ્સો સામે આવ્યો હતો તે બાબતે અમદાવાદ શહેર ઝોન - 2 DCP શ્રીપાલ શેષમા દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી અને સમગ્ર ઘટના અને આરોપીના ગુનાહિત ઇતિહાસ વિષે માહિતી આપવામાં આવી હતી.
આર્બિટ્રેશનનું કામ કરતો હતો મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન: આ સમગ્ર ઘટના અંગે ખુલાસો કરતાં અમદાવાદ શહેર ઝોન - 2 DCP શ્રીપાલ શેષમાએ જણાવ્યું હતું કે, આરોપીનું નામ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન છે, તેણે ઈજનેરિંગ, LLB અને લોમાં પીએચડી સુધીનો અભ્યાસ કરેલો છે. આરોપી ઓરિજનલી સાબરમતીનો રહેવાસી છે. તેની માતા ગોવાના અને પિતા રાજસ્થાનના છે અને તે પાછલા ઘણા સમયથી આર્બિટ્રેશનનું કામ કરતો હતો.
વધુમાં DCP શ્રીપાલ શેષમાએ કહ્યું હતું કે, આ જે સમગ્ર ઘટના છે તેમાં અમદાવાદ સિટીસિવિલ કોર્ટના રજીસ્ટ્રાર દ્વારા FIR લખાવવામાં આવી છે. ઠાકોર બાબુજી ચનાજીની મેટર અંગે આ FIR નોંધાવવામાં આવી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આમાં એવું છે કે કલેક્ટર અને સામેના પક્ષ વચે જમીનને લઈને વિવાદ ચાલતો હતો. જેમાં સામે પક્ષ તરફથી મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન આર્બિટ્રેટર નિમણૂક થઈ અને મોરિસે કલેકટરની સામે નોટિસ મોકલી અને જ્યારે નોટિસ એકસેપ્ટ થઈ ગઈ ત્યારે તેને પોતાની તરફથી જ બધુ કરીને ફાઇનલ ઓર્ડર આપી દીધો જેમાં 2 હજાર સ્ક્વેર ફૂટ જેટલી જમીન સામે પક્ષને દીધી અને 10 હજાર સ્ક્વેર ફૂટ જેટલી જમીન કલેક્ટરને દીધી હતી.