અમદાવાદ:ગુજરાતમાં છેલ્લા ઘણા મહિનાઓથી પોલીસ દ્વારા આરોપીઓના સરઘસ કાઢવાના કિસ્સાઓ વધ્યા છે. આ વચ્ચે અમદાવાદ શહેરમાં જુગારના આરોપી સામે કેમ ન કરવા અને સરઘસ ન કાઢવા માટે પોલીસ કોન્સ્ટેબલ દ્વારા લાંચ માગવાનો કિસ્સો સામે આવ્યો છે. જોકે આરોપીએ આ અંગે એન્ટી કરપ્શન બ્યૂરોને ફરિયાદ કરતા ટ્રેપ ગોઠવીને કોન્સ્ટેબલને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. ગુજરાતમાં આ સંભવત પહેલી ઘટના છે, જેમાં આરોપીનો વરઘોડો ન કાઢવાનું કહીને લાંચ માગવામાં આવી હોય.
જુગારના આરોપી પાસે 4 લાખની માંગ
વિગતો મુજબ, ફરિયાદી તથા તેના મિત્રો વિરુદ્ધ જુગારનો કેસ નહીં કરવા, સરઘસ નહીં કાઢવા, માર નહીં મારવા માટે ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા અમન ચૌહાણ નામના પોલીસ કોન્સ્ટેબલ દ્વારા રૂપિયા 4 લાખની માંગણી કરવામાં આવી હતી. જોકે વાતચીત બાદ રૂપિયા 1 લાખ આપવાનું નક્કી થયું. ત્યારે ફરિયાદી પાસેથી જે તે સમયે કોન્સ્ટેબલે 35 હજાર રૂપિયા લઈ લીધા હતા અને બાકીના 65 હજારની માંગણી ચાલું હતીં. જોકે લાંચના પૈસા ન આપવા હોવાથી ફરિયાદીએ આ અંગે ACBનો સંપર્ક કર્યો હતો.