અમદાવાદ: જિલ્લા પોલીસ કમિશનર દ્વારા હુકમ કરવામાં આવ્યો છે કે, 1 જાન્યુઆરી, 2025થી ઓટો રીક્ષામાં ફલેગ મીટર ફરજિયાતપણે લગાવવાનું છે. જે મામલે અમદાવાદ અને વડોદરા શહેરના ઓટો રીક્ષા યુનિયન દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં એક રિટ પિટિશન દાખલ કરવામાં આવી હતી. આ અરજીમાં રાજ્યમાં ઓટો રિક્ષામાં લગાવવામાં આવતા ફ્લેગ મીટરને ન લગાવતા કરવામાં આવતા દંડને રદ કરવાની માંગ કરવામાં આવી છે. આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થઈ હતી. જેમાં રજૂઆત કરવામાં આવી કે, પોલીસનો આ નિર્ણય ભેદભાવ પૂર્ણ છે.
ઓટો રીક્ષા યુનિયન દ્વારા પિટિશન દાખલ: આ અરજીમાં કહેવામાં આવ્યું કે, પોલીસ દ્વારા કરવામાં આવેલો આ નિર્ણય ભારતીય બંધારણની કલમ 14 નું ઉલ્લંઘન કરે છે. ફક્ત રીક્ષા ચાલકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. બીજા કોમર્શિયલ પેસેન્જર વાહનોને શા માટે જાહેરનામાથી બાકાત રાખવામાં આવ્યા છે. પૈસા પડાવવા માટે રિક્ષાચાલકોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. કેબ ટેક્સી માટે આવી કોઈ જોગવાઈ કરવામાં આવતી નથી.
રીક્ષા ડ્રાઈવર એસોસિએશન દ્વારા મીટર અંગે લેવામાં આવેલ નિર્ણયને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. આ પિટિશનમાં જણાવવામાં આવ્યું કે, કિલોમીટરનું અંતર માપવા માટે માત્ર રિક્ષામાં જ અલગ મીટર કેમ લગાવવું જોઈએ? ટુ વ્હીલર, થ્રી વ્હીલર, ટેક્સી, મેક્સી કે બસ અને ભારે વાહનો સહિત તમામ પરમીટ ધરાવતા વાહનો અને લક્ઝરી વાહનો માટે પણ કિલોમીટરનું અંતર માપવા માટે અલગ મીટર હોવું જોઈએ.
ઓટો રીક્ષામાં મીટર લગાવવું ફરજિયાત: ઉલ્લેખનીય છે કે, ઓટો રીક્ષામાં મીટર લગાવવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર સુધીની હતી અને 1 જાન્યુઆરીથી મીટર લગાવવું ફરજિયાત થઈ ગયું છે. ત્યારે જાગૃત ઓટોરિક્ષા ડ્રાઇવર્સ એસોસિએશન, નવયુગ ઓટો ડ્રાઈવર્સ વેલફેર એસોસિએશન અમદાવાદ અને વડોદરા શહેર અને જિલ્લા રીક્ષા ડ્રાઈવર એસોસિએશન નામના 3 ઓટો રીક્ષા ડ્રાઈવર એસોસિએશને ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખટખટાવ્યા છે.
કેબ સર્વિસમાં મીટરનો ઉપયોગ નથી થતો: આ અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, ઓલા, ઉબેર, રેપીડો અને અન્ય આ જ પ્રકારની સેવા આપતી કંપનીઓ દ્વારા પણ મીટરનો ઉપયોગ કરવામાં આવતો નથી. તેમની વિરુદ્ધ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. પરંતુ ફક્ત રીક્ષા ચાલકો પર આ કાયદાની અમલવારી અને દંડ ભરવાનો રહેશે. જે રાજ્ય સરકારની ભેદભાવભરી નીતિ દર્શાવે છે.
તોલમાપ વિભાગ દ્વારા ફ્લેગ મીટરની ચકાસણી: આ મામલે અરજદારે જણાવ્યું કે, તોલમાપ વિભાગની માહિતી મુજબ તોલમાપ વિભાગ દ્વારા ફક્ત ઓટોરિક્ષાના જ ફ્લેગ મીટરની ચકાસણી કરવામાં આવતી હોય છે. આ પ્રકારના નિયમો ફક્ત ઓટોરિક્ષા ચાલક પર જ લાગુ કરવામાં આવે છે. ખાનગી કંપનીઓ દ્વારા પણ મીટરનો ઉપયોગ કરવામાં આવતો નથી, જે કાયદાનું ઉલ્લંઘન છે. તો તેઓ સામે ફરિયાદ કરતા પણ કોઈ પ્રકારની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવતી નથી.
આ પણ વાંચો:
- જાતે ટ્રેન ટિકિટ કાઢી શકશોઃ અમદાવાદ ડિવિઝનના આ 5 રેલવે સ્ટેશન્સ પર છે ATVM ફેસિલિટી
- નશાખોરોની માહિતી પહોંચી જશે પોલીસ સુધીઃ અમદાવાદમાં 250થી વધુ મેડિકલ ફિલ્ડના લોકોને સૂચનાઓ