અમદાવાદઃ નવા વર્ષ 2025ની ઠેરઠેર વેલ્કમ પાર્ટીઝ થઈ રહી છે. અમદાવાદમાં પણ વિવિધ વિસ્તારોમાં આ પાર્ટીઝ થતી હોય છે. જોકે 31 ડિસેમ્બરે જુના વર્ષને અલવિદા અને નવા વર્ષના વેલ્કમ માટે સીજી રોડ વર્ષોથી લોકોમાં કેન્દ્ર સ્થાને રહ્યો છે, હવે જોકે સિંધુભવન રોડ પર પણ વિવિધ દિવસોએ ઉજવણીઓ થવા લાગે છે. અમદાવાદ પોલીસ દ્વારા 31મી ડિસેમ્બરની રાતથી 1 જાન્યુઆરીની રાત સુધી આ બંને રોડને વાહનો માટે બંધ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
સી જી રોડ પર અમલવારી કેવી રીતે થશે?
પોલીસ કમિશનર જી એસ મલિક દ્વારા જાહેર કરવામાં આવેલા જાહેરનામા પ્રમાણે સીજી રોડના સ્ટેડીયમ સર્કલથી પંચવટી સુધી 31 ડિસેમ્બર 2024ના સાંજના 6 વાગ્યાથી 1 જાન્યુઆરી 2025 ના રાત્રીના 3 વાગ્યા સુધી આ રોડ પર તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધી જાહેર કરવામાં આવી છે.
વૈકલ્પિક વ્યવસ્થા
- આ સમય દરમિયાન પોલીસે અન્ય વૈકલ્પિક વ્યવસ્થાઓ ઊભી કરી છે જેમાં વાહનો સમથેશ્વર મહાદેવ બોડીલાઈન ચાર રસ્તા, ગુલબાઈ ટેકરાથી બોડીલાઈન ચાર રસ્તા થઈ સમથેશ્વર મહાદેવ તરફ આમને સામને બંને બાજુ રોડ ચાલુ રાખી સીજી રોડને ક્રોસ કરી શકાશે. જોકે સીજી રોડ પર વાહન હંકારી શકાશે નહીં અને 8 વાગ્યાથી તમામ વાહન વ્યવહાર બંધ કરવામાં આવશે.
- મીઠાખડી સર્કલથી ગીરીશ કોલ્ડ્રીંક્સ ચાર રસ્તા થઈ સેન્ડ ઝેવિયર્સ રોડ તથા નવરંગપુરા બસ સ્ટેન્ડથી સ્વસ્તીક ચાર રસ્તા થઈ કોમર્સ છ રસ્તા આમને સામને બંને તરફ રોડ ચાલુ રાખીને સીજી રોડ ક્રોસ કરવાનો રહેશે. જોકે સીજી રોડ પર વાહન હંકારી શકાશે નહીં અને 8 વાગ્યાથી તમામ વાહન વ્યવહાર બંધ કરવામાં આવશે.
- ઉપરાંત સીજી રોડ પર આવેલા કાયદેસરની બંને બાજુમાં જે પાર્કિંગ વ્યવસ્થા રાખવામાં આવી છે ત્યાં પણ પાર્કિંગ વ્યવસ્થા સાંજે 8 વાગ્યા પછી બંધ રહેશે.