અમદાવાદઃ બેંગકોકથી મોરબી ફ્લાઈટમાં આવતો એક શખ્સ બે ઈન્ટરનેશનલ એરપોર્ટ પાર કરીને 3.5 કરોડના ગાંજા સાથે ગુજરાત આવી ગયો. જોકે અમદાવાદ પોલીસની કાર્યવાહીને પગલે તે છટકી શક્યો નહીં અને આખરે આ શખ્સ હાઈબ્રીડ ગાંજા સાથે પકડાઈ ગયો છે, પણ આ શખ્સ એવી કેવી રીતે આ પ્રકારની લાલચમાં આવી ગયો તે અંગે જાણવા પોલીસે પુછપરછ કરી અને તેમાં ચોંકાવનારી વિગતો મળી હતી.
સમગ્ર બાબત કેવી રીતે સામે આવી?
અમદાવાદ શહેર જે ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્થાનિક વટવા પોલીસ સ્ટેશનના પીઆઈ પી.બી.ઝાલા, ડી સ્ટાફના પીએસઆઇ એ .બી. ગંધા તથા સ્ટાફના હે.કો. યુવરાજસિંહ, પો.કો. ગૌરાંગભાઈ, જયરાજભાઈ, રાજદીપસિંહ, રવિભાઈ, એઝાઝ ખાન, આશિષભાઈ, હરિશ્ચંદ્રસિંહ, અશ્વિનભાઇ, સહિતની પોલીસ ટીમ દ્વારા અમદાવાદ શહેરમાં વાહન ચેકીંગ દરમિયાન સરદાર પટેલ રિંગ રોડ પાસેથી, રોપડા ચેક પોષ્ટ ખાતેથી શંકાસ્પદ ઈસમ નીકળતા, શંકાસ્પદ જણાતા, વટવા પોલીસ દ્વારા તેને રોકી, તપાસ કરતા, આ ઇસમનું નામ યોગેશભાઈ રતિલાલ દસાડિયા પટેલ ઉવ. 30 (રહે. નિત્યાનંદ પાર્ક, પંચાસર રોડ, મોરબી જી. મોરબી મૂળ રહે. જૂના સાદુળકા તા.જી. મોરબી) હોવાનું સામે આવ્યું હતું. તપાસ દરમિયાન તેની પાસેથી બે થેલામાં છુપાવેલો આશરે 12 કિલો ગ્રામ હાઈબ્રીડ ગાંજો મળી આવ્યો હતો. જેની કિંમત રૂ. 3,59,91,000/- (આશરે સાડા ત્રણ કરોડ) જેવી થાય છે.
પકડાયેલા શખ્સ સાથે જોડાયેલી બે યુવતીઓ કોણ?
વટવા પોલીસ દ્વારા મળેલી હકીકત આધારે આરોપી યોગેશભાઈ રતિલાલ દસાડિયા પટેલની ધપરકડ કરવામમાં આવી હતી. સાથે જ હાઇબ્રિડ ગાંજો, આધાર કાર્ડ, થાઈ એરલાઇન્સ ફ્લાઇટ બેંગકોકથી મુંબઈની ટિકિટ, ભારતીય પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, વિવો કંપનીનો મોબાઇલ ફોન, બે ટ્રાવેલિંગ બેગ, સહિત કુલ કિંમત રૂ. 3,60,12,900/- નો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે. પકડાયેલો આરોપી યોગેશ દસાડિયા, નિધિ અને સાયલી નામની મહિલાઓ મળી કુલ ત્રણ આરોપીઓ વિરુદ્ધ વટવા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એ.બી.ગંધા દ્વારા સરકાર તરફે ફરિયાદી થઈ NDPS એક્ટ મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો છે.
પૂછપરછમાં સામે આવી ચોંકાવનારી વાત, 1 ટ્રીપના મળતા હતા 70 હજાર
પકડાયેલા આરોપી યોગેશ રતિલાલ દસાડિયાની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવતા, તેણે કહ્યું કે, સિરામિકમાં કામ કરતો હોય, તેની સાથે પુના મહારાષ્ટ્રની નિધિ નામની મહિલા કામ કરતી હતી, જેથી તેની સાથે સંપર્કમાં હતો. આ નિધિ દ્વારા તેને જણાવવામાં આવ્યું કે, રૂપિયાની જરૂર હોય તો, વિદેશમાંથી પાર્સલ લાવી આપશો તો, રૂ 70,000/- એક ટ્રિપના મળશે. જેથી, નિધિના કહેવાથી સાયલી નામની મહિલાનો સંપર્ક કરી, નાસિકના પ્રિતમ નામના વ્યક્તિ સાથે તે બેંગકોક ગયો હતો અને ત્યાંથી સાયલી નામની મહિલા દ્વારા હોટલના કાઉન્ટર ઉપરથી પાર્સલ આપવામાં આવ્યું અને મુંબઈ ઉતરી, નિધિનો સંપર્ક કરતા, અત્યારે પાર્સલ ગુજરાત લઈ જવા જણાવ્યું હતું. જેથી મુંબઈથી ટ્રાવેલ્સની બસમાં અમદાવાદ આવી, રોપડા ચેક પોષ્ટ નજીક ઉતર્યા અને અન્ય વાહનમાં મોરબી જવાનું હતું, ત્યારે પકડાઈ ગયા હોવાની કબૂલાત કરવામાં આવી છે. ચોંકાવનારું છે કે ગાંજાના આટલા જંગી જથ્થા સાથે તેઓ બેંગકોક અને મુંબઈના ઈન્ટરનેશનલ ફ્લાઈટની સિક્યુરિટી ચેકમાંથી પણ પાર થઈ ગયા હતા.
અમદાવાદ શહેર વટવા પોલીસની ટીમ દ્વારા પકડાયેલી આરોપી યોગેશ રતિલાલ દસાડિયાની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવતા, આ ગુન્હામાં પકડાયેલ આરોપી વિદેશથી નશાકારક પદાર્થ વિમાન માર્ગે લાવવાની મોડસ ઓપરેન્ડી ધરાવતો હોવાનું જણાઈ આવેલ છે. પોતાને કોઈ કામધંધો ના હોય, જીવન નિર્વાહ ચલાવવા માટે નશાકારક પદાર્થોની હેરાફેરી કરવાના રવાડે ચડી ગયો હોવાની કબૂલાત પ્રાથમિક પૂછપરછમાં કરવામાં આવી છે.
આમ, વટવા પોલીસ દ્વારા વાહન ચેકીંગ દરમિયાન આરોપી યોગેશ દસાડિયાને પકડી પાડી, હાઇબ્રીડ ગાંજા સહિતના કુલ આશરે સાડા ત્રણ કરોડ જેટલી માતબર રકમના નશાકારક પદાર્થ હાઇબ્રિડ ગાંજો સાથે પકડી પાડી, NDPS એક્ટ હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે. વટવા પોલીસ સ્ટેશનના પીઆઇ પી.બી.ઝાલા, પીએસઆઈ એ.બી. ગંધા તથા સ્ટાફ દ્વારા આરોપીની ધરપકડ કરી, સઘન પૂછપરછ હાથ ધરી, આ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી ભૂતકાળમાં વિદેશમાં જઈને ગાંજો લાવ્યો છે કે કેમ...? બીજા કોઈ ગુના આચરેલા છે કે કોઈ ગુનામાં પકડાયેલો કે વોન્ટેડ છે કે કેમ..? પકડાયેલો માતબર રકમનો હાઈબ્રિડ ગાંજો ક્યાંથી લાવેલા અને કોને ડિલિવરી કરવાની હતી? ભૂતકાળમાં આરોપીઓ કેટલી વાર કેટલો જથ્થો લાવ્યો છે? વગેરે મુદાઓસર પોલીસ રિમાન્ડ લેવા વધુ તપાસ તજવીજ હાથ ધરવામાં આવી છે. તપાસ કાગડાપીઠ પોલીસ મથકના પીઆઈ શક્તિસિંહ ગોહિલને સોંપવામાં આવી છે. તેઓએ આરોપીના પોલીસ રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી હતી અને પોલીસે કોર્ટ પાસેથી આરોપીના છ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
આપને જણાવી દઈએ કે, અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર સિંઘ મલિક, જેસીપી સેક્ટર 02 જયપાલસિંહ રાઠોડ તથા નાયબ પોલીસ કમિશનર, ઝોન 06 રવિ મોહન સૈની દ્વારા યુવાધન નશાના કારોબારના કારણે બરબાદ થતું હોય, શહેરમાં પ્રવેશતા નશાકારક પદાર્થો શોધી, નાર્કોટિક્સના કેસો શોધી કાઢવા અને તાજેતરમાં 31 મી ડિસેમ્બરનો તહેવાર આવતો હોઈ, નશાકારક પદાર્થો શહેરમાં આવતા અટકાવવા અમદાવાદ શહેરના તમામ પોલીસ અમલદારોને સૂચનાઓ કરવામાં આવી છે.
- રાજકોટ પોલીસ એક્શન મોડમાં, અશાંતધારા ભંગ કરતા ત્રણ વિરૂદ્ધ ગુનો દાખલ
- ભરૂચ દુષ્કર્મ કેસના દેશભરમાં પડઘા પડ્યા, ઝારખંડના મંત્રીની બાળકીનાં પરિવારજનો સાથે મુલાકાત