અમદાવાદઃઅમદાવાદમાં વર્ષો પહેલા એક વ્યક્તિને કિડનેપ કરીને તેને જ્યાં રાખ્યો હતો ત્યાં તેને માર મારવામાં આવ્યો અને આ ગુનામાં જ્યાં પોલીસે પકડેલા શખ્સો પૈકીનો એક શખ્સ વર્ષો પહેલા જામીન મેળવી પરત આવ્યો જ નહીં. વર્ષો સુધી ન પકડાયો અને હવે પોલીસે આટલા વર્ષો પછી તેને પકડ્યો ત્યારે તેને બે માર પડ્યા છે એક કૂદરતનો અને એક કાયદાનો, તે કેવી રીતે આવો જાણીએ સમગ્ર વિગતો.
શું હતી ઘટના?
ઘટના વર્ષ 2010ની છે, તે વખતે જુન મહિનામાં અમદાવાદ શહેરના રામોલ વિસ્તારમાં આવેલી જામફળ વાડીમાં રહેતા કૃણાલ ઉર્ફે લાલો ગીરિશભાઈ બ્રહ્મભટ્ટનું ઘોડાસર વિસ્તારમાંથી અપહરણ થયું હતું. અપહરણકારો તેમને ક્વોલિશ કારમાં અપહરણ કરી વડોદરા બાજુના એક ફાર્મ હાઉસમાં લઈ ગયા હતા. અહીં કૃણાલને લાકડી, પટ્ટાથી ગંભીર રીતે માર મારવામાં આવ્યો હતો. આ શખ્સોએ તેના પિતા પાસેથી તે સમયે 50 હજાર રૂપિયા પણ ખંડણી પેટે માગ્યા હતા. પિતા જેતે સમયે પુત્રની સલામતી ઈચ્છતા હતા. તેમણે આ રૂપિયા આપી દીધા. આરોપીઓએ પણ રૂપિયા મળ્યા પછી જ તેને છોડ્યો હતો. આ તરફ કૃણાલને ગંભીર ઈજાઓ થઈ હતી. પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી. પોલીસે આ ઘટનામાં પંચમહાલના કાટુંગામે રહેતા 50 વર્ષના નટુ કનુ બારીયા તથા અમદાવાદના ઘોડાસર ખાતે રહેતા દીપકસિંગ ભગવાનસિંગ પવારને જે તે સમયે પકડી પાડ્યા હતા. આ ઘટના પછી નટુ બારીયાએ જામીન માગતા તેને જામીન મળ્યા હતા અને જામીન પર છૂટ્યા પછી છેલ્લા પંદર વર્ષથી તે કોર્ટની મુદ્દતે હાજર થતો ન્હોતો અને કોર્ટમાંથી વોરંટ નીકળ્યા છતા તે મળી આવતો ન્હોતો. તે સતત પોતાની ધરપકડ ટાળવા માટે નાસભાગ કરતો રહ્યો.