વડોદરા: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન માટે જોરશોરથી કામ ચાલી રહ્યું છે. આ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને મોટી અપડેટ સામે આવી છે. વડોદરામાં નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા આ પ્રોજેક્ટ માટે વડોદરામાં 60 મીટરના સ્ટીલ બ્રિજને સફળતા પૂર્વક લોન્ચ કરવામાં આવ્યો હતો.
શું છે આ બ્રિજની ખાસિયત?
આ ખાસ સ્ટીલના બ્રિજને ભચાઉની વર્કશોપમાં બનાવવામાં આવ્યો છે. 60 મીટરનો આ બ્રિજ 645 મેટ્રિક ટન વજન ધરાવે છે, 12.5 મીટર ઊંચો અને 14.7 મીટર પહોળો છે. તેને ભચાઉમાં બનાવીને વડોદરામાં સાઈટ પર ટ્રાન્સપોર્ટેશનથી લાવવામાં આવ્યો હતો. અને બાદમાં પિલ્લર પર ઈન્સ્ટોલ કરવામાં આવ્યો હતો.
બ્રિજમાં 25 હજારથી વધુ બોલ્ટનો ઉપયોગ
બ્રિજમાં 25,000થી વધુ બોલ્ટનો ઉપયોગ (NATIONAL HIGH SPEED RAIL CORPORATION LIMITED) આ બ્રિજમાં C5 સિસ્ટમ પેઈન્ટિંગ સાથે 25659 બોલ્ટ અને ઈલાસ્ટોમેટ્રિક બિયરિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તે 100 વર્ષનું આયુષ્ય ધરાવતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ બ્રિજને 2 સેમી-ઓટોમેટિક જેક્સનો ઉપયોગ કરીને 23.5 મીટરની ઊંચાઈ પરના કામચલાઉ સ્ટ્રક્ચર પર એસેમ્બલ કરવામાં આવ્યો હતો. જ્યાં આ બ્રિજ મૂકવામાં આવ્યો છે તે પિલ્લરની ઊંચાઈ પણ 21 મીટર છે.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટેના 28માંથી આ પાંચમો બ્રિજ
સુરક્ષા અને ઇજનેરી શ્રેષ્ઠતાના સર્વોત્તમ ધોરણોને જાળવી રાખીને, આ પ્રોજેક્ટને સાવચેતીપૂર્વક અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. જાપાની ટેકનિકનો ઉપયોગ કરીને, ભારત "મેક ઇન ઇન્ડિયા" પહેલ હેઠળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે તેના પોતાના તકનીકી અને ભૌતિક સંસાધનોનો વધુને વધુ ઉપયોગ કરી રહ્યું છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટેનો સ્ટીલ બ્રિજ આ પ્રયાસનું મુખ્ય ઉદાહરણ છે. MAHSR કોરિડોર માટે આયોજિત 28 સ્ટીલ બ્રિજમાંથી આ પાંચમો સ્ટીલ બ્રિજ છે.
આ પણ વાંચો:
- વિશ્વ સમક્ષ આવશે "મુતવા" સમુદાયનો અતુલ્ય "વારસો", કચ્છમાં ખુલ્લું મુકાયુ ખાસ પ્રદર્શન
- વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી: આજે કોંગ્રેસ અને ભાજપ ઉમેદવારના નામ જાહેર કરી શકે છે, કાલે નોમિનેશનની છેલ્લી તારીખ