અમદાવાદ: અમદાવાદની વી.એસ હોસ્પિટલનું આજે વર્ષ 2025-26નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. અગાઉ વી.એસ હોસ્પિટલનું 244.90 કરોડનું બજેટ મૂકાયું હતું. તેમાં 12 કરોડ 79 લાખના સુધારા કરીને 257.59 કરોડનું વી.એસ બોર્ડનું બજેટ આજે મંજૂર કરવામાં આવ્યું છે. જેમાં હોસ્પિટલ માટે નવા આધુનિક સાધનો વસાવવા માટે ફાળવણી કરવામાં આવી છે.
દર્દીઓ માટે ખરીદાશે આધુનિક મશીનો
આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, અગાઉ વી.એસ હોસ્પિટલનું 244.90 કરોડનું બજેટ મૂકાયું હતું. તેમાં 12 કરોડ 79 લાખના સુધારા કરીને 257.59 કરોડનું વી.એસ બોર્ડનું બજેટ આજે મંજૂર કરવામાં આવ્યું છે. વી.એસમાં નવા આધુનિક સાધનો વસાવવા 2 કરોડ 14 લાખની ફાળવણી કરાઈ છે. ઉપરાંત વી.એસમાં નવું સીટી સ્કેન વસાવવા 5 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નવું સોનોગ્રાફી મશીન માટે 25 લાખની ફાળવણી, નવા ઈકો મશીન માટે 50 લાખની ફાળવણી, ટ્રોમા સેન્ટરના કલરકામ માટે 50 લાખની તથા નર્સિંગના વિદ્યાર્થીઓ માટે બસની જરૂરિયાત માટે 150 લાખની ફાળવણી સાથે બજેટ રજૂ કરાયું છે.
વી.એસમાં રોજ 18થી 20 ઓપરેશન થાય છે
વી.એસ.હોસ્પિટલ અને શેઠ ચિનાઇ પ્રસુતિ ગૃહ ખાતે પ્રતિ દિન આશરે 800 થી 1000 દર્દીઓને જુદા જુદા પ્રકારની ઓ.પી.ડી. સારવાર આપવામાં આવી રહી છે. તેમજ પ્રતિ દિન અંદાજીત 18 થી 20 સર્જીકલ, ગાયનેક, ઓર્થોપેડીક, ઇ.એન.ટી. વગેરેના ઓપરેશન થાય છે. તેમજ હોસ્પિટલ ખાતે ડીપ્લોમેટ નેશનલ બોર્ડ (ડી.એન.બી.) નો તબીબી પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં રાઉન્ડ ધ કલોક તબીબી સેવાઓ, રેસીડેન્ટ ડોકટર દ્વારા ઉપલબ્ધ રહે અને ગરીબ તથા મધ્યમવર્ગના દર્દીઓને અવિરત તબીબી સેવાઓ મળી શકે તે હેતુથી હયાત ઓ.પી.ડી. ઉપરાંત સુપર સ્પેશીયાલીટી ઓ.પી.ડી. ઉપલબ્ધ કરાવાઈ છે. તબીબી સારવાર મેળવવાના હેતુથી દર્દીઓની સંખ્યામાં થયેલા વધારાને જોતા સારવાર અર્થે આવતા આવનાર દર્દીઓને સચોટ નિદાન અને અદ્યતન સારવાર પુરી પાડવાના હેતુથી અંદાજપત્રમાં નવા આધુનિક તબીબી સાધનો વસાવવા વધુ રૂ.214 લાખની ફાળવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.