ગુજરાત

gujarat

ETV Bharat / state

ખ્યાતિ હોસ્પિટલમાં બે મોત બાદ અન્ય દર્દીઓની તબિયત લથડી, તપાસ માટે UN મહેતા હોસ્પિટલ લઈ જવાયા

કેટલાક દર્દીઓ દ્વારા ચક્કર આવવા, શરીરમાં દુખાવો થવો, હાથમાં લગાવેલી સોયની જગ્યા પર સોજો આવી જવો સહિતની ફરિયાદ કરવામાં આવી રહી છે.

ખ્યાતિ હોસ્પિટલની તસવીર
ખ્યાતિ હોસ્પિટલની તસવીર (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Nov 13, 2024, 6:21 PM IST

અમદાવાદ:અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ હજુ ચર્ચામાં જ છે. આજે બુધવારે દર્દીઓ સહિતના પરિવારજનો વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. કેટલાક દર્દીઓ પાસેથી ચક્કર આવવા તથા શરીરમાં દુખાવો થવા સહિતની ફરિયાદો જોવા મળી રહી છે.

ગતરોજથી જ અમદાવાદ શહેરના એસજી હાઇવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલ ચર્ચામાં આવી છે. કડી તાલુકાના બોરીસણા ગામના લોકોની પરવાનગી વગર જ એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરી હોવાનું સામે આવ્યું હતું. જેમાંથી બે વ્યક્તિના મૃત્યુ થયા હતા ત્યારે આજરોજ અન્ય વ્યક્તિઓની પણ તબિયત લથડતા તેમને યુએન મહેતા હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા છે.

દર્દીઓની ચકકર આવવા, શરીરમાં દુખાવા સહિતની ફરિયાદ
કેટલાક દર્દીઓ દ્વારા ચક્કર આવવા, શરીરમાં દુખાવો થવો, હાથમાં લગાવેલી સોયની જગ્યા પર સોજો આવી જવો સહિતની ફરિયાદ કરવામાં આવી રહી છે. એક દર્દીને વધુ ગભરામણ થતા અને ચક્કર આવતા 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

દર્દીઓને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા
આ ઘટના બન્યા બાદ અન્ય દર્દીઓને પણ ચક્કર આવવા તથા શરીરમાં દુખાવા સહિતની સમસ્યા હોવાની ફરિયાદ મળી રહી હતી. આ બાબતને ધ્યાનમાં રાખીને તેમના બોડી ચેકઅપ કરવા માટે વસ્ત્રાપુર પોલીસ દ્વારા અમદાવાદ શહેરની યુએન મહેતા હોસ્પિટલ ખાતે તેમને મોકલવામાં આવ્યા છે.

યુએન મહેતા હોસ્પિટલમાં દર્દીઓની તપાસ કરાશે
મળતી માહિતી પ્રમાણે યુએન મહેતા હોસ્પિટલમાં તેમના તમામ પ્રકારના રિપોર્ટ કરવામાં આવશે. ખ્યાતિ હોસ્પિટલ દ્વારા તેમની કઈ કઈ પ્રકારની ટ્રીટમેન્ટ કરવામાં આવી છે ? સહિતની માહિતી મેળવીને રિપોર્ટ તૈયાર કરવામાં આવશે તે અનુસંધાને આગામી તપાસ કરવામાં આવશે.

દર્દીઓના મોત થતા ડોક્ટર વિરુદ્ધ હજુ ફરિયાદ નથી નોંધાઈ
અગત્યની વાત એ છે કે અત્યાર સુધી ખ્યાતિ હોસ્પિટલ કે પછી કોઈ અન્ય ડોક્ટર વિરુદ્ધ કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી નથી. માત્ર પોલીસ સ્ટેશન દ્વારા અકસ્માતે મોત સંદર્ભે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરાઈ છે.

આ પણ વાંચો:

  1. ખ્યાતિ હોસ્પિટલની વધુ એક બેદરકારી? રાજકોટના દર્દીનું પણ એન્જિયોગ્રાફીના બીજા દિવસે મોત થયાનો આરોપ
  2. બિનજરૂરી ઓપરેશન કરી નાખ્યા! અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીના મોત મુદ્દે નીતિન પટેલનું મોટું નિવેદન

ABOUT THE AUTHOR

...view details