અમદાવાદ: પોલીસ ભરતી મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણીમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય અનુસાર પોલીસ વિભાગમાં ખાલી પડેલી 2000 પ્રમોશનલ જગ્યા પર એક મહિનામાં જ ભરતી કરવામાં આવશે. પોલીસની ટ્રેનિંગ લઈ રહેલા ઉમેદવારો માટે આ રાહતના સમાચાર છે કારણ કે ઘણા સમયથી ઉમેદવારો ભરતીની રાહ જોઈ રહ્યા છે.
આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન રાજય સરકાર વતી સરકારી વકીલે હાઇકોર્ટમાં માહિતી આપી હતી અને પોલીસ ભરતી અંગે છેલ્લા બે મહિના દરમિયાન સરકાર દ્વારા કઈ કામગીરી કરવામાં આવશે તેની માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત કોટેશન પણ રજૂ કરવામાં આવ્યું હતું. આમ, પોલીસ વિભાગમાં ખાલી પડેલી જગ્યા માટેની જાહેરાત અંગે પણ થોડા જ દિવસોમાં નિર્ણય લેવામાં આવશે.
સુનાવણી દરમિયાન સરકારી વકીલે વધુમાં જણાવ્યું હતું કે, 'ફિઝિકલ પરીક્ષા માટે જરૂરી ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે જે ઝડપથી જાહેરાત કરવામાં આવશે. પોલીસ ભરતી અંગેની વધુ સુનાવણી જાન્યુઆરી મહિનાના બીજા સપ્તાહમાં હાથ ધરવામાં આવશે.'
ઉલ્લેખનીય છે કે, દેશના ઘણા રાજ્યોમાં તોફાનો થતા જાનમાલને નુકસાન થતું હોય છે એ સમયેમાં પોલીસની ભૂમિકા અહમ હોય છે. ત્યારે પોલીસની ભૂમિકા અને સંખ્યાને લઈ ગુજરાત હાઈકોર્ટમાં અગાઉ સુઓમોટો પીટીશન દાખલ થઈ હતી. જે સપ્ટેમ્બર 2019 ના નિર્દેશો પ્રમાણે કરવામાં આવી હતી. પોલીસ ભરતી માટે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. અને આજે સુનાવણી દરમિયાન જણાવવામાં આવ્યું કે, પોલીસ વિભાગમા ખાલી પડેલી 2000 પ્રમોશનલ જગ્યા પર એક મહિનામાં જ ભરતી કરવામાં આવશે.