અમદાવાદ: અમદાવાદ 26 ફેબ્રુઆરી 2025ના રોજ એક ભવ્ય નગરયાત્રાનું આયોજન કરવા માટે તૈયાર છે, શહેરના નગર દેવી ભદ્રકાળી માતા શિવરાત્રીએ શહેરની નગરચર્યાએ નીકળવાના છે. અમદાવાદ શહેરના 614 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત નગરદેવીની રથયાત્રા યોજાવા જઈ રહી છે. આ કાર્યક્રમમાં અમદાવાદના ઐતિહાસિક સ્થળોએ ભવ્ય શોભાયાત્રામાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડે તેવી અપેક્ષા છે.
અમદાવાદના સ્થાપના દિવસને અનુલક્ષીને ધર્મરક્ષા ફાઉન્ડેશન અને મેવિન્સ મારકોમે આ ભવ્ય નગર યાત્રાના આયોજનમાં મહત્વનો ભાગ ભજવ્યો છે. આ કાર્યક્રમ શહેરના મૂળને સન્માન આપવા તેમજ તેના સ્થાયી સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાની ઉજવણી કરે છે. 26 ફેબ્રુઆરી અમદાવાદ માટે વિશેષ મહત્વ ધરાવે છે, જે તેની વૃદ્ધિ, સમૃદ્ધિ અને ઊંડી રીતે સ્થાપિત પરંપરાઓનું પ્રતીક છે.
નગરદેવીની નગરયાત્રાને લઈને અનેરો ઉત્સાહ
આ અંગે શ્રી રામબલી પ્રાગ તિવારી ટ્રસ્ટ અને ભદ્રકાલી મંદિરના ટ્રસ્ટી શશિકાંત તિવારીએ જણાવ્યું હતું કે, અમદાવાદના સૌથી પવિત્ર સ્થળોમાંનું એક ભદ્રકાળી મંદિર શહેરીજનો માટે ભક્તિનું કેન્દ્ર બિંદુ છે. દેવી ભદ્રકાળી, જેને વ્યાપકપણે 'નગર દેવી' અથવા શહેરના રક્ષક દેવી તરીકે પૂજનીય માનવામાં આવે છે, તે શહેરને રક્ષણ, સમૃદ્ધિ અને સુખાકારીના આશીર્વાદ આપે છે તેવું માનવામાં આવે છે. તેમની ચરણ પાદુકાને એક ભવ્ય શોભાયાત્રામાં સુંદર રીતે શણગારેલા રથ પર લઈ જવામાં આવશે, જેમાં હજારો ભક્તો દ્વારા પ્રાર્થના અને સ્ત્રોતોનો જાપ કરવામાં આવશે.
નગરદેવીની નગરયાત્રા કયા-કયા વિસ્તારોમાંથી નીકળશે?
ભદ્રકાળી મંદિરથી સવારે 8:00 વાગ્યે શરૂ થનારી આ ભવ્ય યાત્રા ત્રણ દરવાજા, માણેક નાથ મંદિર, એએમસી ઓફિસ, જગન્નાથ મંદિર, મહાલક્ષ્મી મંદિર, ગણેશ મંદિર, લાલ દરવાજા, વીજળી ઘર અને બહુચરાજી મંદિર સહિતના શહેરના અગ્રણી સ્થળોમાંથી પસાર થશે અને ત્યારબાદ બપોરે 12:30 વાગ્યાની આસપાસ ભદ્રકાળી મંદિર ખાતે સમાપન થશે. આરતી અને પ્રાર્થના જેવી ધાર્મિક વિધિઓ માર્ગ પરના મુખ્ય સ્થળોએ થશે. છેલ્લે માતાજીનો ભંડારો થશે, જેમાં બધા ભક્તો માટે સમૂહ ભોજન હશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના યાત્રાના રથ અને પ્રસ્થાન કરાવશે. ભદ્રકાળી માતાની નગર યાત્રાના ધાર્મિક સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.