અમદાવાદ:સામાન્ય નાગરિકોને દિલ્હી પોલીસ, CBI જેવી બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓના નામે વાતચીત કરી તેઓના નામના આધારકાર્ડનો ઉપયોગ કરીને એક પાર્સલ મોકલવામાં આવતું, તેમાંથી બેંક ATM, પાસપોર્ટ, MD ડ્રગ મળ્યું છે તેમ જણાવી જે-તે વ્યક્તિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ છે તેમ જણાવવામાં આવ્યું, જે બાદ ભોગ બનનાર સિનિયર સિટીઝન નાગરિકને ડરાવી ધમકાવીને તેમના વિરુદ્ધ કોર્ટમાંથી એરેસ્ટ વોરંટ નીકળેલું છે તેવું જણાવી તેમને વીડિયો કોલ કરી ડિજિટલ એરેસ્ટ કરી લેવાની ધમકીઓ આપવામાં આવી અને ભોગ બનનાર પાસેથી નાણાં પડાવી લેવામાં આવ્યા. આ સંપૂર્ણ ઘટના એક ફિલ્મની સ્ક્રિપ્ટ નથી પરંતુ વાસ્તવિક ક્રાઇમની ઘટના છે. અમદાવાદમાં ડિજિટલ એરેસ્ટ ક્રાઇમને અંજામ આપતા ગેંગના વ્યક્તિઓ, બેન્ક ખાતા ધારક તેમજ બેંક ખાતા ખોલવામાં મદદ કરનાર યસ બેન્કના કર્મચારીઓ આ તમામને સાયબર ક્રાઇમ અમદાવાદ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે.
શું છે સંપૂર્ણ ઘટના ચાલો જાણીએ: ગત 16 નવેમ્બર 2024 ના રોજ અમદાવાદ શહેર વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝન ફરિયાદીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે તેમને એક અજાણ્યા વ્યક્તિઓએ વોટ્સએપ ઉપર કોલ કરી પોતે દિલ્હી પોલીસમાંથી બોલતા હોવાની ઓળખ આપી ફરિયાદીને તેમના આધારકાર્ડનો ઉપયોગ કરી એક પાર્સલ મોકલવામાં આવ્યું હતું.
જેમાં 16 પાસપોર્ટ 58 ATM કાર્ડ, 140 ગ્રામ MDMA ડ્રગ મળી આવ્યું છે અને તેમાં તેમની વિરુદ્ધ પોલીસ ફરિયાદ થયેલી છે ઉપરાંત કોર્ટે તેમના વિરુદ્ધ એરેસ્ટ વોરંટ જાહેર કરેલું છે. જેથી જો ફરિયાદીને તેમની તપાસમાં સાથ સહકાર ન આપે અને તેમના કહ્યા મુજબ નહીં કરે તો તેઓને આ કેસમાં ફસાવી દેવાની અને એરેસ્ટ કરી લેશે તેવા પ્રકારની ધમકી આપવામાં આવતી હતી.
સંપૂર્ણ કૌભાંડમાં ગેંગે 1.15 કરોડ પડાવ્યાઃ ત્યારબાદ વોટ્સએપ કોલ ઉપરથી દિલ્હી પોલીસના ઉચ્ચ અધિકારીઓના નામે વાતચીત કરી તેમને ડિજિટલ અરેસ્ટ કરી તેમનું નિવેદન મેળવવાના નામે ફરિયાદી પાસેથી તેમના બેંક બેલેન્સની માહિતી મેળવવામાં આવી હતી. ઉપરાંત તેમના પૈસા વેરિફિકેશન માટે મોકલવાના છે કહી બળજબરી પૂર્વક લઈ વેરીફાઈ કરી તરત મળી જશે તેમ જણાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત ફરિયાદીનો વિશ્વાસ કેળવવા CBIના લોગોવાળા તેમજ દિલ્હી કોર્ટના નામના RBI ના સહીવાળા બનાવટી પત્રોના ફોટા પણ ફરિયાદીને મોકલવામાં આવ્યા હતા. અને આમ સંપૂર્ણ કૌભાંડ ગોઠવી આ ગેંગે કુલ રૂપિયા 1 કરોડ 15 લાખ પડાવી લીધા હતા. આ સંપૂર્ણ છેતરપિંડીની માહિતી આપી ફરિયાદી દ્વારા ગુનો નોંધવામાં આવ્યો હતો.
આરોપીઓનું બેન્કમાં એડ્રેસ પ્રુફ વગર ખુલ્યું ખાતુંઃ આ સંપૂર્ણ ઘટના અંગે ફરિયાદ દાખલ થતાં પોલીસે આરોપી વિરુદ્ધ ટેકનિકલ માહિતીના આધારે તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ માફતરે તપાસ કરી હતી. જે અંતર્ગત માહિતી મળી હતી કે, આ ગુનામાં આરોપીઓએ ફરિયાદીના પૈસા જે બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા તે ખાતું ખોલવા માટે કોઈ પણ પ્રકારનું એડ્રેસ પ્રૂફ આપવામાં આવ્યું ન હતું, અને ગુનાહિત રીતે ખાતું ખોલી આપવામાં આવ્યું હતું. તેમજ ગુનાહિત પ્રવૃત્તિના નાણા બેંકમાંથી વીડ્રો કરવામાં અને ફ્રોડ એમાઉન્ટ સેવિંગ ખાતામાં મેળવી કેશ વીડ્રો કરવામાં બેન્કના કર્મચારીઓ દ્વારા મદદ કરવામાં આવી હતી. જે માટે ક્રાઇમ બ્રાન્ચે યસ બેન્કના ડીસા બ્રાન્ચ અને રાજસ્થાનના મેરખા બ્રાન્ચના કર્મચારી તથા આ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલ વેલ ઓર્ગેનાઈઝ ગેંગના સભ્યોની ધરપકડ કરી છે. જેમાં જીગર જોશી, જતીન ચોખાવાલા, દીપક સોની, માવજી પટેલ અને અનિલ ભુટાનો સમાવેશ થાય છે.
ડિજિટલ ક્રાઇમના ભણેલા ગણેલા આરોપી:આરોપીઓની વાત કરવામાં આવે તો જીગર જોશી, જતીન ચોખાવાલા, દિપક સોની આ ત્રણે આરોપીઓએ બીકોમ સુધીનો અભ્યાસ કર્યો છે. જ્યારે આરોપી માવજી પટેલે બી.એ., એલએલબીનો અભ્યાસ કર્યો છે તથા અન્ય આરોપી અનિલ ભુટાએ ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ કર્યો છે.
આ ગુનામાં ફરિયાદી સાથે કુલ 1 કરોડ 15 લાખની છેતરપિંડી થઈ હતી. જેમાંથી 63 લાખ 60 હજાર 642 રૂપિયા તપાસ દરમિયાન જુદા જુદા બેંક ખાતામાં ફ્રિઝ કરવામાં આવ્યા છે અને રૂપિયા 11 લાખ રોકડા અગાઉ પકડાયેલા આરોપીની ધરપકડ દરમિયાન તેમની પાસેથી રિકવર કરવામાં આવેલ છે તેમજ આ સિવાય હાલ પકડાયેલા આરોપી જીગર પાસેથી બીજા રૂપિયા 9 લાખ રોકડા કબજે કરવામાં આવ્યા છે જે ફરિયાદીને પરત આપવા નામદાર કોર્ટ મારફતે કાર્યવાહી કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે, આ આરોપીઓના નામદાર કોર્ટ પાસેથી રિમાન્ડની માંગણી કરતા આરોપીઓના નામદાર કોર્ટ તરફથી 29 નવેમ્બર સુધી પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.