મુંબઈ હોર્ડિંગ દુર્ઘટના બાદ સુરત મનપા જાગ્યું : 68 હોર્ડિંગ ઉતરાવ્યા (ETV Bharat Desk) સુરત :અચાનક જ હવામાનમાં આવેલા પરિવર્તન અને ભારે પવનના કારણે મહારાષ્ટ્રના ઘાટકોપર વિસ્તારમાં હોર્ડિંગ તૂટી પડવાની ઘટના બાદ સુરત મનપાનું તંત્ર દોડતું થઈ ગયું હતું. શહેરભરમાં જોખમી જણાઈ આવતા 68 જેટલા હોર્ડિંગ સલામતીના ભાગરૂપે સુરત મનપા દ્વારા ઉતારી લેવામાં આવ્યા છે. આ સાથે સંબંધિત સંસ્થાને નોટિસ આપી સ્ટ્રકચર સ્ટેબિલીટી રિપોર્ટ રજૂ કરવા આદેશ કરવામાં આવ્યો હતો.
ચક્રવાતી પવનથી સર્જાયું નુકસાન : મુંબઈમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા ઘાટકોપર વિસ્તારમાં લોખંડનું એક વિશાળ હોર્ડિંગ તૂટી પડ્યું હતું, આ દુર્ઘટનામાં 14 જેટલા લોકોનું મોત થયું હતું. સુરત શહેરમાં પણ ધૂળની ડમરી સાથે ભારે પવન ફૂંકાયો હતો. જેને પગલે શહેરમાં 18 જેટલા હોર્ડિંગ તૂટી પડવાના બનાવ નોંધાયા હતા. હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
68 હોર્ડિંગ્સ દૂર કરાયા :સુરત શહેરમાં મુંબઈ જેવી ઘટના બને નહીં તે માટે સુરત મહાનગરપાલિકા એલર્ટ થઈ ગયું છે. શહેરમાં જોખમી જણાઈ આવતા હોર્ડિંગ ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન ઉધના B ઝોનમાંથી 12, વરાછા ઝોનમાંથી 17 અને લિંબાયત ઝોનમાંથી 11 હોર્ડિંગ ઉતારી લેવામાં આવ્યા છે. જ્યારે ઉધના A ઝોનમાંથી 6, કતારગામ ઝોનમાં 5, અઠવા ઝોનમાંથી 4, સેન્ટ્રલ ઝોનમાંથી 3 અને રાંદેર ઝોનમાંથી 3 હોર્ડિંગ્સ દૂર કરવામાં આવ્યા છે.
સુરત મનપાનો આદેશ :સુરત મહાનગરપાલિકાના અધિકારી કમલેશ નાયકે જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોન વિસ્તારોમાંથી જોખમી જણાઈ આવતા 68 જેટલા હોર્ડિંગ સલામતીના ભાગરૂપે ઉતારી લેવામાં આવ્યા હતા. આ સાથે સંસ્થાનોને નોટિસ ફટકારી સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ રજૂ કરવાની સૂચના પણ આપવામાં આવી હતી. કુલ 160 નોટિસ ફટકારવામાં આવી છે.
- ઘાટકોપરમાં તોફાને પાડયા હોર્ડિંગ્સ, મૃત્યુઆંક વધીને 14 થયો, 88 લોકો ઘાયલ
- તાપીના ગોલણ ગામે ટાંકીનો સ્લેબ ધરાશાઈ થતાં એક શ્રમિકનું મોત, 2 ઘાયલ