વડોદરા: જિલ્લાને સંસ્કારી નગરી તરીકે ઓળખવામાં આવે છે. પણ આ સંંસ્કારનગરીને માનવસર્જિત પૂરની પરિસ્થિતિમાં કાયમ સામનો કરવો પડે છે. તાજેતરમાં વડોદરા પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો. શિતલ મિસ્ત્રી દ્વારા લોકોને દોરડા, તરાપા અને ટ્યુબ વસાવી લેવાની ડહાપણભરી સલાહ આપવામાં આવી હતી. તેને ગંભીરતાપૂર્વક લઈને વડોદરાના પૂરપીડિત એક વ્યક્તિએ પોતાની પત્નીનું મંગલસુત્ર તથા વીંટી ગીરવે મુકીને બોટના પૈસા એકત્ર કરવાનો પ્રયાસ કર્યો છે. આ ઉપરાંત ડો. શિતલ મિસ્ત્રીની વાત લોકોએ ગંભીરતાપૂર્વક લેવી જોઇએ તેવું જણાવ્યું છે. પૂરપીડિતે કાયેક બોટની નોંધણી કરાવી દીધી છે. જેની ડિલીવરી 15 દિવસ બાદ મળશે તેમ પૂરપીડિતે જણાવ્યું છે.
પૂર પીડિતે સોનું ગિરવે મૂકીને ખરીદી બોટ (Etv Bharat gujarat) બોટ ખરીદવા પત્નીના દાગીના ગીરવે મૂક્યા: વડોદરાના પૂર પીડિત ચિરાગ બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, આ મારા પત્નીનું મંગળસુત્ર છે અને મારી વીંટી છે. 1 મહિનાથી કોઇ પગાર થયો નથી. હાલમાં કોઇ આવકનું સાધન નથી. સ્ટેન્ડિંગ ચેરમેન ડો. શિતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, તમારે તરાપા અને હોડી બધુ રાખવું પડશે. આપણે ત્યાં ગમે ત્યારે વરસાદ પડે છે. ત્યારે હું મારી પત્નીનું સોનું ગિરવે મુકવા આવ્યો છું. મારૂ ઘર વિશ્વામિત્રી નદીના કિનારે આવેલું છે. તે વિસ્તારમાં પાણી પહેલું આવી જાય છે.
પૂરપીડિતે પરિવારની સલામતી માટે કાયેક બોટ ખરીદી: પૂરપીડિતે બોટની ખરીદી કર્યા પછી જણાવ્યુું કે, અત્યારે રૂ. 40 હજારનું કાયેક ખરીદ્યું છે. મોટી બોટ માટેનો ઓર્ડર આપ્યો છે. તે આવશે એટલે તેને ખરીદીશું. પરિવારની સલામતી માટે કાયેક બોટ ખરીદી લીધી છે. વિશ્વામિત્રી નદીનું પાણી 25 ફૂટ થાય એટલે અમારી સામ્રાજ્ય સોસાયટીમાં પાણી આવી જાય છે. જેમ જેમ નદીનું સ્તર વધે તેમ તેમ અમારે ત્યાં પાણીનું સ્તર વધતું જાય છે. આ કાયેક બોટની ડિલીવરી 15 દિવસમાં મળી જશે.
સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેને સલાહ આપી:સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેને જણાવ્યું કે, વહીવટી તંત્ર દ્વારા કોઇ જાણ કર્યા વગર અડધી રાત્રે પાણી છોડે છે. તંત્ર દ્વારા અમને કહેવામાં આવ્યું કે તમે જ લોકોને બધુ લાવી આપો. ચેરમેન કોઇ વિસ્તારના ચેરમેન છે તેથી મને લોકોની ચિંતા રહેલી છે. તેથી હું લોકોને જણાવું છું કે કોઇ એ ખોટું નહી લગાવવાનું. લોકોના પૈસા ટેક્સમાં જાય છે એટલે તમારે જ પોતાની સલામતી રાખવી પડશે. જેથી આ નુકસાનીમાંથી બચી શકાય.
આ પણ વાંચો:
- સુરતના સૈયદપુરામાં હિંસા બાદ પોલીસ એલર્ટ મોડમાં, ગણેશ વિસર્જન પર ધાબાઓ ઉપરથી રાખશે ધ્યાન - STONE PELTING IN SURAT
- ધારાસભ્ય રીવાબાએ ઉજવ્યો ગણપતિ ઉત્સવ, મહિલાઓ સાથે બનાવ્યા મોદક - ganesh mahotsav 2024