રાજકોટ : ધોરાજી સેસન્સ કોર્ટે દુષ્કર્મ અને પોક્સોના ગુનામાં એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. દુષ્કર્મ અને પોક્સો કેસમાં સામેલ બે આરોપીને શંકાનો લાભ આપી છોડી મૂકવાનો હુકમ કર્યો છે. આ કેસમાં દુષ્કર્મ બાદ એક બાળકનો જન્મ થયો, જેમાં જન્મેલા બાળકનો DNA દુષ્કર્મના આરોપી સાથે મેચ થતો હતો. આ બનાવમાં ધોરાજીની સેશન્સ કોર્ટે આરોપી વિજય ઉર્ફે નન્નો ચંદુભાઈ કોતરડવાડીયા અને તેના સાગરીત મનીષ ઉર્ફે દિલીપ ઉર્ફે બાવલી ભરતભાઈ દેત્રોજાને શંકાનો લાભ આપીને છોડી મૂકવાનો હુકમ કર્યો છે.
શું હતો મામલો ?ધોરાજી પોલીસ સ્ટેશનમાં ઓગસ્ટ, 2020 માં દુષ્કર્મ અને પોક્સો બાબતની એક પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ બનાવની વિગત એવી હતી કે, ભોગ બનનારની ઉંમર 15 વર્ષ હતી ત્યારે આરોપી વિજય ઉર્ફે નન્નો ચંદુભાઈ કોતરવાડીયાએ તેની સાથે વારંવાર શરીર સંબંધ બાંધી સગીરાને ગર્ભવતી બનાવી હતી. જેને લઈને બાળકનો જન્મ થયેલો હતો. આ બાબતે તપાસ કરનાર અધિકારીએ ચાર્જશીટ કરી અને આ ટ્રાયલ ચાલી હતી.
બાળકનો DNA આરોપી સાથે મેચ થયો, છતાં આરોપી નિર્દોષ છૂટ્યો (ETV Bharat Gujarat) બાળક સાથે આરોપીનો DNA મેચ :આ કેસમાં ડોક્ટર પાર્થ મેઘનાથી દ્વારા લેવાયેલ નમૂનાઓમાં ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ગાંધીનગરમાં અભિપ્રાય આવ્યો હતો કે, જન્મ થનાર બાળકના કુદરતી માતા ભોગ બનનાર છે અને કુદરતી પિતા વિજય ઉર્ફે નન્નો ચંદુભાઈ કોતરવાડીયા છે. ત્યારબાદ આરોપી પક્ષે વિદ્વાન ધારાશાસ્ત્રી એ. એ. સાગઠીયાએ દલીલો કરી હતી કે, પોલીસ દ્વારા સંપૂર્ણ અને ન્યાયિક તપાસ કરવી જોઈએ.
આરોપી તરફે દલીલ :આરોપી પક્ષના વકીલે દલીલ કરી કે, બનાવ બાદ બાળકના જન્મનું પ્રમાણપત્ર રજૂ થયું નથી, ભોગ બનનાર બાળકના DNA ટેસ્ટ માટે નમૂના લેનાર ડોક્ટરના પ્રમાણપત્ર રજૂ થયા નથી. ડોક્ટર તરફથી માત્ર આઉટવર્ડ રજીસ્ટરનો ઉતારો અને તેમણે લખેલ પત્ર રજૂ થયેલો છે. આ પ્રક્રિયા ન્યાયિક નથી. ભોગ બનનાર અને આરોપીએ લગ્ન કરી લીધા છે અને સાથે રહે છે. હાલ આ ત્રણ વર્ષનું બાળક પણ સાથે રહે છે. તેથી આ દુષ્કર્મ ગણી શકાય નહીં.
આરોપી નિર્દોષ હોવાનો ચુકાદો : આ કેસમાં ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલીહુસૈન મોહીબુલ્લાહ શેખે આરોપી તરફની દલીલને ગ્રાહ્ય રાખી અને આરોપી વિજય ઉર્ફે નન્નો ચંદુભાઈ કોતરવાડિયાને શંકાનો લાભ આપી છોડી મુક્યો છે. સાથે તેના સાગરીત મનીષ ઉર્ફે દિલીપ ઉર્ફે બાવલી ભરતભાઈ દેત્રોજાને પણ છોડી મૂકવાનો હુકમ ફરમાવેલ છે.
- ધોરાજીમાં ફોરેસ્ટ વિભાગે વૃક્ષ છેદન કરતા 2 આરોપીને ઝડપ્યા, મુદ્દામાલ કબ્જે
- હત્યાના કેસમાં ધોરાજી સેશન્સ કોર્ટે આરોપીને ફટકારી આજીવન કેદની સજા