અમદાવાદ:આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાથી ધારાસભ્ય ચૈતર વસાવા 48 દિવસ બાદ જેલમાંથી બહાર આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ પ્રસંગે મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકરો સાથે તેમના સમર્થકો હાજર રહ્યા હતા. જેલમાંથી બહાર આવતા ચૈતર વસવાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ચૈતર વસાવાને શરતી જામીન પર મુક્તિ મળી છે. જેમાં તેમને નર્મદા અને ભરૂચ જિલ્લામાં પ્રવેશબંધી ફરમાવાઈ છે. હાલ તેઓ ગાંધીનગરમાં રહી શકે છે.
આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ પ્રસંગે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, 'ચૈતર ભાઈ, તમારું અને ભાભીજીનું સ્વાગત છે... જનતા તમારી રાહ જોઈ રહી છે... શરૂઆત કરો... હવે આપણે તેમને ચૂંટણીમાં હરાવવાના છે...'
ચૈતર વસાવાએ જેલની બહાર આવીને મીડિયા સાથે વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે, 'જ્યારે જ્યારે ભાજપ સરકારે યુવાનો, ખેડૂતો અને ગરીબ જનતા સાથે અન્યાય કર્યો છે ત્યારે હું તેના વિરુદ્ધ લડ્યો છું અને એટલે જ બદલાની કાર્યવાહી અને રાજકીય ષડયંત્રના ભાગરૂપે મને અને મારા પરિવારને પરેશાન કરવામાં આવ્યો.'
શું હતો મામલો:ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે તેમની પત્ની અને ખેડૂતો સહિત 10 જેટલા લોકો વિરુદ્ધ વનકર્મી પર હુમલાને લઈને પોલીસ કેસ નોંધાયો હતો. પોલીસે ચૈતર વસાવા સિવાય તમામની ધરપકડ કરી હતી. ધારાસભ્ય ચૈતર વસાવા ભૂગર્ભમાં જતા રહ્યા હતા. બાદમાં આગોતરા જામીન ન મળતા ચૈતર વસાવાએ 40 દિવસ બાદ શક્તિ પ્રદર્શન સાથે પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું.
- MLA Chaitar Vasava Bail : ધારાસભ્ય ચૈતર વસાવાના શરતી જામીન મંજૂર, પરંતુ હજુ જેલમાંથી બહાર નહીં આવે
- AAP MLA ચૈતર વસાવાને 40 દિવસ બાદ મળ્યા જામીન, ભરૂચ જિલ્લામાં પ્રવેશબંધી