ખેડામાં આગામી તહેવારોને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત (ETV Bharat Gujarat) ખેડા: ખેડા જીલ્લામાં આગામી તહેવારોને અનુલક્ષીને જીલ્લા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે. ગણેશ વિસર્જન અને ઈદે મિલાદના તહેવાર શાંતિપુર્ણ માહોલમાં યોજાય તે માટે જીલ્લા પોલીસ દ્વારા સુચારૂ આયોજન કરાયું છે. તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ખડેપગે રહી ચાંપતો બંદોબસ્ત ગોઠવાશે. જીલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયા દ્વારા નાગરિકોને સલામતી માટે તંત્ર દ્વારા નિયત કરાયેલ વિસર્જન સ્થળે જ મૂર્તિ વિસર્જન કરી કાયદો વ્યવસ્થા જાળવવા સહકાર આપવા અપીલ કરાઈ છે.
160 જેટલી શાંતિ સમિતી તથા મહોલ્લા મિટીંગો યોજાઈ: આગામી તહેવારોને ધ્યાને લઇ ખેડા જીલ્લા પોલીસ દ્વારા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે, ગણેશ વિસર્જન તેમજ ઇદે મિલાદ તહેવારને ધ્યાને રાખી બન્ને કોમના લોકો શાંતીથી તહેવાર મનાવી શકે, શાંતિપુર્ણ માહોલમાં તહેવારોની ઉજવણી થાય અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ખેડા જીલ્લાના તમામ પોલીસ સ્ટેશન દ્વારા 160 જેટલી શાંતિ સમિતી તથા મહોલ્લા મિટીંગો યોજવામા આવી હતી. જે બેઠકમાં હિંદુ તથા મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. ખેડા જીલ્લા પોલીસ દ્વારા સંપૂર્ણ આયોજન બધ્ધ તૈયારીઓ કરી એકશન પ્લાન બનાવી જીલ્લામાં નવીન અને અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામા આવ્યો છે.
જીલ્લામાં ચુસ્ત પોલિસ બંદોબસ્ત: આગામી 16મી તારીખે ઇદે મિલાદ જુલુસ તથા 17મી તારીખે ગણપતિ વિસર્જન અનુસંધાને જીલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જીલ્લામાં 45 પોલીસ અધિકારીઓ તથા 950 થી વધુ પોલીસકર્મી તથા 1200 જેટલા હોમગાર્ડ - જી.આર.ડી સભ્યો બંદોબસ્તમાં રહેશે. જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની 3 ટીમો અને જીલ્લા એસ.ઓ.જીની 3 ટીમ બંદોબસ્તમાં તૈનાત રહેશે. સાથે જ પેરોલ ફલોની 1 ટીમ અને 1 ક્વીક રીસ્પોન્સ ટીમ તૈનાત રહેશે. 160 બોડીવોર્ન કેમેરા,ડ્રોન કેમેરા તેમજ 314 સીસીટીવી કેમેરા દ્વારા સતત મોનિટરિંગ કરાશે. જીલ્લામાં અત્યાર સુધીમા સુલેહભંગ કરે તેવા 96 લોકોના અટકાયતી પગલા લેવામા આવેલ છે.
નિયમ ભંગ થશે તો કાર્યવાહી કરાશે: આ બાબતે જીલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયાએ જણાવ્યું હતું કે 16 તારીખે ઈદે મિલાદનો તહેવાર છે. સૌ મુસ્લિમ ભાઈઓ શાંતિપુર્વક અને આનંદથી પોતાનો તહેવાર ઉજવી શકે તે માટે યોગ્ય બંદોબસ્ત રાખવામાં આવેલ છે. 17 તારીખે જે ગણેશ વિસર્જનનો તહેવાર છે એમાં આપણે જોઈએ છે કે અમુક જગ્યાએ દુર્ઘટનાઓ બનેલી છે. ઉંડા પાણીમાં વિસર્જન કરવા જતા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. પરિવારો બરબાદ થયા છે. તો આ બાબતે ખેડા જીલ્લાના નાગરિકોને મારી નમ્ર અપીલ છે કે જે જે જળાશયોની અંદર ગણેશ વિસર્જન થાય છે ત્યાં તમામ જગ્યાએ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા યોગ્ય સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. પોલીસનો યોગ્ય બંદોબસ્ત છે. સતત ત્યાં પોલીસ દ્વારા એનાઉન્સમેન્ટ પણ ચાલુ રહે છે. તમામને એ વીનંતિ છે કે પોતે જાતે જ નદીની અંદર વિસર્જન કરવા જાય એવી અપેક્ષા રાખે. ત્યાં તરવૈયાની ટીમ છે ફાયરબ્રિગેડની ટીમ છે સ્વયંસેવકો છે. એમને પોતાના ગણપતિની મૂર્તિ આપી એ લોકો વિસર્જન કરે એ મુજબની કાર્યવાહીમાં પોલીસને સપોર્ટ કરે કે જેથી કરીને કોઈપણ પ્રકારનો અનિચ્છનિય બનાવ ન બને. ડી.જે. સીસ્ટમના માલિકોને ડી.જે.નો અવાજ નક્કી કરેલ ડેસીબલ મુજબ રાખવા સુચના આપવામાં આવી છે. કોઇ પણ જાતનો વિવાદ ઉભો થાય તેવા ગીતો ન વગાડવા સુચના આપવામા આવેલ છે. જો નિયમોનો ભંગ કરશે તો કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો
- પોરબંદરમાં સી આર પાટીલના હસ્તે અટલભવનનું કરાયું ઉદઘાટન - CR Patil in Porbandar
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બર્થડે પર થનારું સરકારી કર્મચારીઓનું પેનડાઉન આંદોલન મોકૂફ, જાણો - Strike of government employees