આણંદ: વલસાડ જિલ્લાના નાના પોડરા પોલીસ મથકમાં અનાર્મ લોકરક્ષક તરીકે ફરજ બજાવતા એક પોલીસકર્મીની ધરપકડ કરવામાં આવી છે. ઘટનાની વિસ્તારથી વાત કરીએ તો વાસદ પોલીસ હાઇવે જ્યારે પેટ્રોલિંગમાં હતી, ત્યારે વાસદ ટોલ પ્લાઝા પાસે એક સફેદ રંગની સ્વિફ્ટ કાર પર શંકા જતા ગાડીને સાઈડમાં ઊભી રખાવીને તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન ગાડીમાં સવાર બે વ્યક્તિમાંથી એક વ્યકિતએ પોતાની ઓળખ વલસાડ પોલીસમાં પોલીસકર્મી હોવાની ઓળખ આપી હતી. પરંતું વાસદ પોલીસે ગાડીની તપાસ કરતા અંદરથી દારૂની વાસ આવતી હતી, જેના પગલે બારીકાઈથી તપાસ કરતા ગાડીમાંથી મોટી માત્રા માં વિદેશી દારૂની 228 બોટલ મળી આવી હતી. જે જોઈને તાપસમાં રહેલી પોલીસ પણ ચોંકી ઊઠી હતી, વાસદ પોલીસે ઘટનાની ગંભીરતા સમજીને બંને વ્યક્તિઓને ઝડપી પાડીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
વલસાડથી જુનાગઢ દારૂની ખેપ: પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વલસાડ પોલીસ સ્ટાફમાં ફરજ બજાવતા સંજય ચાવડા અને તેના ભાઈ સુધીર ચાવડા બંને મારુતિ સ્વિફ્ટ કાર લઈને વલસાડથી જૂનાગઢ જઈ રહ્યા હતા, ત્યારે વાસદ ટોલ પ્લાઝા પાસે વાસદ પોલીસે ચેકીગ દરમિયાન આ કારને અટકાવી હતી અને તપાસમાં કરતા કારમાંથી કોઈપણ જાતની પરમીટ વગરની વિદેશી દારૂની 228 બોટલ મળી આવી હતી. આ મામલે વાસદ પોલીસે પોલીસકર્મી સંજય ધીરજલાલ ચાવડા અને તેના ભાઈ સુધીર ધીરજલાલ ચાવડા સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને કુલ 4.42 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી હતી.