સૂરત: પાલ હજીરા રોડ ખાતે આવેલા અટલ આશ્રમ દ્વારા હનુમાન જયંતિના ઉપલક્ષ્યમાં અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સાથે હનુમાન દાદાને ભોગ ધરાવવા માટે હાલ 5100 કિલોનો એક વિશાળ લાડુનો ભોગ ચડાવવામાં આવ્યો છે.
હનુમાન જયંતિની અનોખી રીતે ઉજવણી: સુરતના અડાજણ પાલ ખાતે આવેલા અટલ આશ્રમમાં દર વર્ષે હનુમાન જયંતિની અનોખી રીતે ઉજવણી કરાય છે. આ આશ્રમ ખાતે દર વર્ષે હનુમાન ભક્તો માટે મહાપ્રસાદીનું આયોજન કરાય છે અને હનુમાનજી માટે દર વર્ષે વિશાળ લાડુનો ભોગ ધરાવવામાં આવે છે. આશ્રમમાં લાડુ બનાવવાની શરૂઆત વર્ષ 2004થી થઇ હતી. ત્યારે પ્રથમ વર્ષે 451 કિલોનો લાડુ બનાવામાં આવ્યો હતો, ત્યાર બાદ દર હનુમાન જયંતિએ આ લાડુના વજનમાં વધારો કરવામાં આવે છે અને 2017માં 3600 કિલોનો વિશાળ લાડુ બનાવામાં આવ્યો હતો. આ વર્ષે 1500 કિલો વધીને 5100 કિલોના વિશાળકાય લાડુની પ્રસાદી અર્પણ કરવામાં આવી છે. આ મહાકાય લાડુનો પ્રસાદ આશ્રમમાં હનુમાન જયંતીના ઉપલક્ષ્યમાં આવનાર 50 હજારથી વધુ ભક્તોને આપવામાં આવશે. આ લાડુ બનાવવા માટે 2000કિલો ખાંડ, 2200કિલો ચણાનો લોટ, 800 કિલો શુદ્ધ ઘી અને 350 કિલો સુકો મેવો વાપરાયો છે. આ લાડુ બનાવવા માટે ત્રણ દિવસનો સમય લાગ્યો છે.