અમરેલી: અમરેલી જિલ્લો મુખ્યત્વે કૃષિ આધારિત જિલ્લો હોવાથી લોકોનો આજીવિકાનો આધાર પણ ખેતી જ છે. એમાં પણ જિલ્લામાં ઘણા બધા એવા ખેડૂતો પણ છે કે, જેઓ પ્રગતિશીલ ખેડૂતોની છાપ ધરાવે છે. અમરેલી પંથકના ખેડૂતો ઓર્ગેનિક અને પ્રાકૃતિક ખેતીની સાથે બાગાયતી ખેતીમાં પણ સારી એવી આર્થીક પ્રગતિ કરી રહ્યા છે. હાલમાં જામફળની ખેતીમાં ઓછા ખર્ચમાં કેટલાંક ખેડૂતો લાખોની આવક પણ મેળવી રહ્યાં છે, તેમાંથી જ એક છે જેરામભાઈ ડોબરીયા.
જામફળની ખેતી ફળી:અમરેલી જિલ્લાના ધારી ગીરના નાના સમઢિયાળા ગામે વાડી ધરાવતા જેરામભાઈ ડોબરિયાએ પ્રાકૃતિક અને બાગાયતી ખેતીમાં કાઠું કાઢ્યું છે. છેલ્લા 28 વર્ષથી તેઓ પોતાની વાડીમાં જામફળનો પાક લઈ રહ્યાં છે, હાલમાં તેમણે પોતાની વાડીમાં સાડા ચાર વિઘામાં જામફળની ખેતી કરી છે, અને આશરે 300 જેટલાં જામફળના વૃક્ષો વાવ્યા છે. જેરામભાઈએ સારી જાતના જામફળના રોપાનું વાવેતર કરીને ઘર બેઠા વાર્ષિક 4 થી 5 લાખ રૂપિયાની કમાણી કરી છે. 1 કિલોના 50 રૂપિયા લેખે અત્યાર સુધીમાં તેમણે જામફળમાંથી 2 લાખ રૂપિયાની કમાણી કરી છે.
અમરેલી જિલ્લાના નાના સમઢિયાળા ગામના ખેડૂતને ફળી જામફલની ખેતી (Etv Bharat Gujarat) 28 વર્ષથી બાગાયતી પાકોની ખેતી: છેલ્લા 28 વર્ષથી બાગાયતી પાકોમાં જામફળની ખેતી કરતા જેરામભાઈ ડોબરીયાએ 4 વર્ષ અગાઉ કરેલા જામફળના વૃક્ષોની જગ્યાએ નવા જામફળના વૃક્ષોનું વાવેતર કર્યું છે, તેમનું કહેવું છે કે, જામફળના વૃક્ષનું આયુષ્ય 24 વર્ષ હોય છે, જ્યારે નવા વૃક્ષોમાં જામફળનો મબલક પાક આવે છે. પોતાની વાડી બહાર જ જામફળનું વેચાણ કરતા જેરામભાઈ પાસેથી લોકો હોંશે હોંશે જામફળ ખરીદવા આવે છે.
અન્ય ખેડૂતોને પ્રાકૃતિક અને ઓર્ગેનિક ખેતી તરફ વાળવાનો પ્રયાસ
જેરામભાઈને પ્રાકૃતિક અને ઓર્ગેનિક ખેતી ખુબ ફળી છે, એમાં પણ વર્ષોથી જામફળની ખેતીએ તેમની આર્થીક સ્થિતિ અનેક ગણી સુધારી છે અને આજે તેમની ગણતરી અમરેલી પંથકના પ્રગતીશીલ ખેડૂતોમાં થાય છે, તેમનો ઉદે્શ્ય છે કે, તેમની જેમ રાજ્યના અન્ય ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ વળે અને ઓછા ખર્ચે વધુ નફો આપતા બાગાયતી પાકોની ખેતી કરે તો તેમનું આર્થીક જીવનધોરણ પણ બદલાઈ શકે છે.
- કસ્તુરીમાં બમ્પર કમાણી, અમરેલી પંથકના ખેડૂતે 1 વિઘામાં મેળવ્યું 10 ટન ડુંગળીનું ઉત્પાદન
- સફેદ મૂસળીની સફળ ખેતી, એક કિલોનો ભાવ 2000 રૂપિયા મળતા ખેડૂતો રાજીના રેડ