301 વર્ષ અગાઉ અખાત્રીજે થઈ હતી ભવ્ય સ્થાપના (Etv Bharat Gujarat) ભાવનગરઃ વૈશાખ સુદ ત્રીજ એટલે અક્ષય તૃતીયા જેને અખાત્રીજ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભાવનગર શહેરની સ્થાપના ઈ.સ. 1723માં મહારાજા સર ભાવસિંહજી પહેલા દ્વારા વડવા ગામે પાયો નાખીને કરવામાં આવી હતી. અક્ષય તૃતીયાના દિવસે જ ભાવનગર શહેરનો પાયો નાખવામાં આવ્યો હતો. આજે ગોહિલવાડ તરીકે ઓળખાતા ભાવનગરે 301 વર્ષ પૂર્ણ કરીને 302મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. ભાવનગરના જન્મદિવસે મહારાજાઓની પ્રજા વત્સલ દીર્ઘદ્રષ્ટિની ભેટ આજે પણ તેમની યાદ અપાવે છે.
ઈ.સ. 1723માં સ્થાપનાઃ ભાવનગરની સ્થાપના ગોહિલવાડના મહારાજા સર ભાવસિંહજી પહેલાએ ઈ.સ. 1723માં કરી હતી. દરિયાકાંઠે આવેલા વડવા ગામના પાદરમાં મહારાજા સર ભાવસિંહજી પહેલાએ અખાત્રીજના દિવસે ભાવનગર શહેરનો પાયો નાખ્યો હતો. ગોહિલવાડના રાજા મહારાજાની રાજધાની સિહોરમાં હતી પરંતુ દરિયાકાંઠે રાજધાની લાવીને ભાવનગર શહેરનો પાયો નાખવામાં આવ્યો હતો. જળ માર્ગે વિકાસ અને પ્રજા કલ્યાણના કાર્ય થાય હેતુસર રાજધાનીને ફેરવવામાં આવી હોવાનો ઈતિહાસમાં ઉલ્લેખ છે. ભાવનગર આજે 301 વર્ષ પૂર્ણ કરીને 302મા વર્ષમાં પ્રવેશી રહ્યું છે.
પ્રજા માટે વિકાસકાર્યોઃ ભાવનગરની સ્થાપના બાદ સર ભાવસિંહજી પહેલા પછીના મહારાજા તખ્તસિંહજીના રાજ્યમાં પ્રજા માટે અનેક વિકાસકાર્યો થયા હતા. જો કે વડવા ગામે ભાવનગરનો પાયો નંખાયા બાદ ઘોઘા, સરતાનપર, મહુવા જેવા બંદરોનો વિકાસ થયો. જળમાર્ગે મરી મસાલાનો વેપાર પણ વિકસ્યો હતો. પ્રજાવત્સલ રાજવી હોવાના કારણે રેલવે લાઈન નાખવામાં આવી, સર ટી હોસ્પિટલ જેવું આરોગ્યનું મંદિર ઊભું કરવામાં આવ્યું, તખ્તેશ્વર મહાદેવ અને જશોનાથ મહાદેવની સ્થાપના થઈ, શહેરની વચ્ચે ગંગાજળિયા તળાવ અને બોરતળાવનો પણ વિકાસ કરવામાં આવ્યો. આ સાથે વિક્ટોરિયા પાર્ક જેવા અનેક સ્થળો આજે પણ રાજાઓની યાદ અપાવે છે.
ધાર્મિક અને પ્રવાસન સ્થળોઃ ભાવનગર જિલ્લામાં આજે પણ ઘોઘા, તળાજા, ગોપનાથ, મહુવા, બુટ ભવાની મંદિર જેવા દરિયાકાંઠાના વિસ્તારો છે. જે ફરવા લાયક સ્થળો છે. જેમાં કુડા અને કોળીયાક પાંડવો વખતના ધાર્મિક સ્થળો છે. આ સાથે જિલ્લાનું સુપ્રસિદ્ધ ખોડીયાર મંદિર પણ છે. જ્યારે ભાવનગરમાં ફરવા લાયક સ્થળોમાં પાલીતાણા જૈન તીર્થ શેત્રુંજય પર્વત, વિક્ટોરિયા પાર્ક, કાળિયાર અભ્યારણ, કદંબગીરી કમળાઈ માતાજી મંદિર, બગદાણા બજરંગદાસ બાપા યાત્રાધામ, મોગલ ધામ, ઊંચા કોટડા ચામુંડામાનું મંદિર જેવા ધાર્મિક સ્થળોએ આજે પણ લાખોની સંખ્યામાં ભકતો ઉમટી પડે છે.
શું કહે છે ઈતિહાસના જાણકાર?: ભાવનગરના તબીબ અને ઈતિહાસના જાણકાર ડો. તેજસ દોશીએ જણાવ્યું હતું કે, આજે ભાવનગરનો 302મો જન્મ દિવસ છે એટલે કે 301 વર્ષ પૂર્ણ કરી અને 302મા પ્રવેશ કરી રહ્યું છે. ઈ.સ. 1723માં ભાવસિંહજી પહેલાની રાજધાની સિહોર હતી. ત્યારથી ખંભાતના અખાતની નજીક આવેલું ભાવનગરનું વડવા ગામ છે ત્યાં આગળ દરિયો કહેવાતો કે જ્યાં ઘોઘા દરવાજો આપણો કહેવાય છે. ત્યાં સુધી પાણી આવતું હતું એવું કહેવાય છે એટલે ખંભાતની નજીક વડવાની પસંદગી કરવામાં આવી. ભાવનગર શહેરના છેલ્લે આપણા રાજવી શ્રી કૃષ્ણકુમારસિંહજી થયા. આ રાજવી પરિવારે ભાવનગરને ઘણી બધી વસ્તુઓ આપી છે. નીલમબાગ પેલેસ, રજવાડાની સમાધિ, દરબારી કોઠાર, દરબારી ગઢ વગેરે ઉપરાંત સૌથી પહેલી સૌરાષ્ટ્રને જો કોઈએ રેલવે લાઈન આપી હોય તો એ આપણા રાજવી પરિવારે આપી છે. જૂનું ભાવનગર તમે જૂવો કેટલી સરસ વ્યવસ્થાઓ છે. કયારેય પણ વરસાદ આવે તો નવા ભાવનગરમાં કેટલું બધું પાણી ભરાઈ જાય છે અને તમે પીરછલ્લા જૂઓ, ઘોઘા દરવાજો મેં આજ સુધીમાં ક્યારેય પાણી ભરાતું નથી જોયું.
- કોન્ટ્રાક્ટ બેઝ્ડ એમ્પલોઈની દીકરી તનિષ્કાએ ધો.12 સામાન્ય પ્રવાહમાં મેળવ્યા 99.99 પર્સનટાઈલ - A1 Grade Tanishka Desai
- ભાવનગર લોકસભા બેઠક વિસ્તારમાં કોલેજીયન યુવા મતદારો સાથે ETV BHARATની ખાસ વાતચીત, શું છે યુવાનોની અપેક્ષા અને અભિપ્રાય ??? - Loksabha Election 2024