ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત શહેરને ગંદુ કરનારા દંડાશે, AI દ્વારા જ્યાં ત્યાં કચરો ફેંકનાર પર 24 કલાક નજર - SURAT CITY

સુરત શહેરમાં હવે જ્યાં ત્યાં કચરો ફેંકવો લોકોને ભારે પડશે, કારણ કે મહાનગર પાલિકાએ શહેરની સ્વચ્છતા જાળવવા માટે અત્યાધુનિક AI ટેક્નોલોજી અપનાવી છે.

સુરત શહેરને ગંદુ કરનારા દંડાશે
સુરત શહેરને ગંદુ કરનારા દંડાશે (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Feb 23, 2025, 3:34 PM IST

સુરત:સુરત મહાનગરપાલિકાએ શહેરની સ્વચ્છતા જાળવવા માટે અત્યાધુનિક AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) ટેક્નોલોજી અપનાવી છે. આ સાથે સુરત દેશનું પ્રથમ શહેર બન્યું છે, જે AI દ્વારા સ્વચ્છતા નિયંત્રણ કરશે.

સુરત ઈન્ટેલિજન્ટ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (ICCC) સાથે જોડાયેલી આ સિસ્ટમમાં 3000થી વધુ CCTV કેમેરા 24 કલાક શહેરની દેખરેખ રાખે છે. AI ટેક્નોલોજી CCTV કેમેરાથી લાઈવ ફીડ મેળવે છે. જાહેર સ્થળે કચરો કે ગંદકી જોવા મળે તો AI તરત જ ICCCને જાણ કરે છે.

સુરતમાં AI દ્વારા જ્યાં ત્યાં કચરો ફેંકનાર પર 24 કલાક નજર (Etv Bharat Gujarat)

આ સિસ્ટમ સંપૂર્ણપણે ઓટોમેટિક છે. કચરો ઓળખાતાં જ 5-10 મિનિટમાં સફાઈ કર્મચારીઓને ત્યાં મોકલવામાં આવે છે. કચરો ફેંકનાર વ્યક્તિની ઓળખ થતાં તેની વિગતો SMCના આરોગ્ય વિભાગને મોકલવામાં આવે છે અને દંડ ફટકારવામાં આવે છે.

અત્યાર સુધીમાં AI દ્વારા 2100થી વધુ સ્થળોએ કચરાના ઢગલા શોધી કાઢવામાં આવ્યા છે. 700 લોકોને ઓળખી કાઢીને તેમને કુલ 51,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યાં વારંવાર કચરો જોવા મળે છે તેવા સ્થળોએ વધુ કેમેરા લગાવવામાં આવશે.

આ નવીન વ્યવસ્થા થકી કોઈપણ વિસ્તારમાં કચરો કે ગંદકી નજરમાંથી બચી શકશે નહીં. કચરો ફેંકનાર કોઈપણ વ્યક્તિ કે દુકાનદારને સીધો દંડ ફટકારવામાં આવશે. માનવ હસ્તક્ષેપ વિના કાર્ય કરતી આ સિસ્ટમ શહેરની સ્વચ્છતા જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

આ મિશન વિશે SMCના સેન્ટ્રલ ઝોનના નાયબ આરોગ્ય અધિકારી ડૉ. કેતન ગરાસિયા એ જણાવ્યું હતું કે, ''સ્વચ્છતામાં સુરત ભારતમાં નંબર 1 છે. અમે હવે એક સ્તર ઉપર જઈને AI આધારિત ઓટોમેટિક મોનિટરિંગ અમલમાં મૂકી રહ્યા છીએ. આ ટેક્નોલોજી કચરો જોતા જ રિપોર્ટ કરે છે અને તરત સફાઈ ટીમને મોકલી દે છે. આ રીતે કોઈપણ વિસ્તાર ગંદો રહેશે નહીં. સુરત દેશનું પહેલું શહેર બની ગયું છે, જ્યાં આટલા મોટા સ્તરે AI દ્વારા સ્વચ્છતા મોનિટરિંગ થઈ રહ્યું છે. આ મોડેલ ભારતનાં અન્ય શહેરો માટે પણ પ્રેરણાદાયક બની શકે છે. સફાઈ હવે માત્ર કર્મચારીઓ કે નાગરિકોની જવાબદારી નહીં, પણ ટેક્નોલોજી પણ તેમાં સહભાગી બનશે. હવે સુરતમાં કચરો ફેંકતા પહેલાં બે વખત વિચારજો, કેમ કે AI તમને પકડી જ લેવાની''.

  1. સુરત સમુદ્ર હોડી સ્પર્ધા: હજીરા પોર્ટથી મગદલ્લા 21 કિમીની રેસ, વિજેતાઓને ઈનામ એનાયત
  2. મહેનત રંગ લાવી… 38મી નેશનલ ગેમ્સમાં સુરતની બે દીકરીઓએ ગોલ્ડ જીતી ગુજરાતને ગૌરવ અપાવ્યું

ABOUT THE AUTHOR

...view details