ગુજરાત

gujarat

By ETV Bharat Gujarati Team

Published : Jun 25, 2024, 7:35 PM IST

ETV Bharat / state

21મો શાળા પ્રવેશોત્સવ કન્યા-કેળવણી મહોત્સવઃ અંદાજે 32.33 લાખ બાળકો શાળા નામાંકન કરશે - Shala Praveshotsav 2024

ગુજરાત રાજ્યમાં 21મો શાળા પ્રવેશોત્સવ કન્યા-કેળવણી મહોત્સવ યોજાશે. જેમાં રાજ્યભરમાં 26 જૂનથી 28 જૂન દરમિયાન ત્રિદિવસીય પ્રવેશોત્સવમાં અંદાજે 32.33 લાખ બાળકોનો શાળા પ્રવેશોત્સવ થશે.

21મો શાળા પ્રવેશોત્સવ કન્યા-કેળવણી મહોત્સવ
21મો શાળા પ્રવેશોત્સવ કન્યા-કેળવણી મહોત્સવ (ETV Bharat)

ગાંધીનગર : ગુજરાતમાં કન્યા કેળવણી દ્વારા દીકરીઓના અભ્યાસને પ્રોત્સાહન આપવા અને પ્રાથમિક શિક્ષણને વેગવંતુ કરવા કેન્દ્ર સરકાર દ્વારા પાછલા બે દાયકાથી શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં આજથી 21 મા શાળા પ્રવેશોત્સવ કન્યા-કેળવણી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

શાળા પ્રવેશોત્સવ 2024ઃગુજરાત દ્વારા 26 જૂન, બુધવારથી 28 જૂન, શુક્રવાર દરમિયાન રાજ્યભરમાં 21 મા શાળા પ્રવેશોત્સવ કન્યા-કેળવણી મહોત્સવ યોજાશે. ‘ઉજવણી ઉલ્લાસમય શિક્ષણ’ના વિષય સાથે યોજાનારા આ શાળા પ્રવેશોત્સવ અંતર્ગત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ 26 જૂન, બુધવારના રોજ વનવાસી ડાંગ જિલ્લાના સરહદી ગામ બીલીઆંબાની શાળામાં બાળકોનું શાળા નામાંકન કરાવશે.

CM પટેલ કરાવશે નામાંકન :સીએમ ભૂપેન્દ્ર પટેલ પ્રથમ દિવસે બિલિઆંબા પ્રાથમિક શાળામાં 24 બાળકોને ધોરણ 1 માં, 21 બાળકોને બાલવાટિકામાં અને 7 ભૂલકાંઓને આંગણવાડીમાં પ્રવેશ અપાવશે. ત્યારબાદ મુખ્યપ્રધાન પટેલ 27 જૂન, ગુરુવારના રોજ છોટાઉદેપુર તાલુકામાં અને અંતિમ દિવસ 28 જૂન, શુક્રવારના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકામાં શાળા પ્રવેશોત્સવમાં સહભાગી થશે.

32.33 લાખ બાળકોનું શાળા નામાંકન :સમગ્ર રાજ્યમાં આ ત્રિદિવસીય પ્રવેશોત્સવ દરમિયાન કુલ 32.33 લાખ બાળકોનું શાળા નામાંકન કરવામાં આવશે. તેમાં બાલવાટિકામાં પ્રવેશપાત્ર 11.73 લાખ, ધોરણ 1માં પ્રવેશપાત્ર 3.62 લાખ, ધોરણ 8 થી 9માં પ્રવેશપાત્ર 10.35 લાખ અને ધોરણ 10 થી 11 માં પ્રવેશપાત્ર 6.61 લાખ વિદ્યાર્થીઓને શાળા પ્રવેશોત્સવમાં પ્રવેશ અપાશે.

વિધાનસભા અધ્યક્ષ પણ જોડાશે :રાજ્યમાં દૂરદરાજના અંતરિયાળ ગામો સુધી શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરવાના આ શિક્ષણ સેવાયજ્ઞમાં વિધાનસભા અધ્યક્ષ સહિત રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ તેમજ IAS, IPS, IFS સહિત વર્ગ 1 ના કુલ મળીને 367 ઉચ્ચ અધિકારીઓ વિવિધ સ્થળોએ ઉપસ્થિત રહેશે અને બાળકોનો શાળા પ્રવેશ કરાવશે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, વલસાડ જિલ્લામાં નાણાંપ્રધાન કનુભાઈ દેસાઈ, મહેસાણા જિલ્લામાં આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણપ્રધાન ઋષિકેશ પટેલ પ્રવેશોત્સવમાં સહભાગી થશે.

રાજ્યભરમાં પ્રવેશોત્સવ :આ ઉપરાંત પાટણ જિલ્લાના સિદ્ધપુર અને સરસ્વતી તથા બનાસકાંઠાના પાલનપુર ખાતે ઉદ્યોગ તથા શ્રમ અને રોજગાર પ્રધાન બલવંતસિંહ રાજપૂત, રાજકોટ જિલ્લામાં કૃષિ અને ગ્રામ વિકાસપ્રધાન રાઘવજી પટેલ, ભાવનગર જિલ્લામાં કુંવરજી બાવળિયા, જામનગર જિલ્લામાં પ્રવાસન પ્રધાન મુળુભાઈ બેરા, મહીસાગર જિલ્લામાં આદિજાતિ પ્રધાન કુબેર ડીંડોર અને બાળ કલ્યાણ પ્રધાન ભાનુબેન બાબરીયા નર્મદા જિલ્લા ખાતે પ્રવેશોત્સવમાં સહભાગી થશે.

વિવિધ મંત્રીઓ પ્રવેશ કરાવશે : રાજ્યકક્ષાના મંત્રીઓમાં ગૃહ અને રમતગમત પ્રધાન હર્ષ સંઘવી સુરતમાં, જગદીશ વિશ્વકર્મા ખેડા જિલ્લામાં, પરષોત્તમ સોલંકી ભાવનગર જિલ્લામાં, બચુભાઈ ખાબડ દાહોદ જિલ્લામાં, સુરત અને નવસારીમાં મુકેશ પટેલ, જૂનાગઢમાં પ્રફુલભાઈ પાનસેરિયા તથા કુંવરજી હળપતિ તાપી જિલ્લા ખાતે શાળા પ્રવેશોત્સવમાં જોડાશે. આ ઉપરાંત બાળકૃષ્ણ ખંડેરાવ શુક્લ વડોદરામાં, જગદીશ મકવાણા સુરેન્દ્રનગરમાં, કૌશિક વેકરિયા અમરેલીમાં, રમણ સોલંકી આણંદ ખાતે અને વિજય પટેલ ડાંગમાં બાળકોને શાળા પ્રવેશ કરાવશે.

  1. અમદાવાદમાં શા માટે વિદ્યાર્થીઓએ ધોરણ 8 પછી અભ્યાસ છોડવા માટે બન્યા મજબુર
  2. શાળા પ્રવેશોત્સવ દરમિયાન વિદ્યાર્થીઓને 30 ઉપયોગી સામગ્રી યુક્ત શૈક્ષણિક કિટ અપાશે

ABOUT THE AUTHOR

...view details