કચ્છ:જિલ્લામાંથી માદક પદાર્થનો જથ્થો મળી આવવાનો સિલસિલો યથાવત છે. પૂર્વ કચ્છના ગાંધીધામ ખાતેથી પૂર્વ કચ્છ પોલીસે 17.75 લાખનું કોકેઇન ડ્રગ્સ ઝડપી પાડ્યું છે અને ડ્રગ્સ સાથે 2 આરોપીઓની પણ ધરપકડ કરી છે, જ્યારે હજુ એક આરોપી પકડવાનો બાકી છે. ત્યારે ડ્રગ્સ નાબૂદી અભિયાનમાં ગુજરાત પોલીસને વધુ એક સફળતા મળી છે.
IG ચિરાગ કોરડીયાએ જરૂરી સૂચનો કર્યા:કચ્છ બોર્ડર રેન્જ IG ચિરાગ કોરડીયા દ્વારા પૂર્વ-કચ્છ ગાંધીધામમાં ઇન્સ્પેક્શન અનુસંધાને એક લોકસંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને લોકસંવાદમાં જાગૃક નાગરીકો તરફથી જીલ્લામાં નશાકારક નાર્કોટીક્સ પદાર્થની બદીને ડામવા અંગે રજૂઆતો કરવામાં આવી હતી. જે અંતર્ગત પૂર્વ કચ્છ પોલીસ અધીક્ષક સાગર બાગમાર દ્વારા સ્કુલ અને કોલેજના યુવાનો નશાકારક પ્રવૃતિઓ ન કરે અને ડ્રગ્સના નશાથી દૂર રહે તે માટે જિલ્લામાં અને ગાંધીધામ શહેરમાં નશીલા પદાર્થોના સેવન પર પ્રતિબંધ લગાવવા અંગે જરૂરી સૂચનો કર્યા હતા.
ડ્રગ્સના કેસ શોધી કાઢવા માટે આદેશ: અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી દ્વારા ડ્રગ્સના કેસ શોધી કાઢવા માટે જરૂરી સુચના મળી હતી. જે અંતર્ગત ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓને પોલીસ સ્ટેશન વિસ્તારમાં NDPS અંતર્ગત જરૂરી પેટ્રોલિંગ કરવા અંગે જણાવવામાં આવ્યું હતું.
17.75 ગ્રામ કોકેઇનનો જથ્થો જપ્ત: પોલીસ ટીમ પેટ્રોલિંગ પર હતી ત્યારે તેમને બાતમી મળી હતી કે, હોટલ એરલાઇન્સ ગાંધીધામ નગર પાલિકા પાસે 2 લોકો પાસે કોકેઇનનો જથ્થો છે. ત્યારે પોલીસ ટીમે 2 આરોપીઓની ધરપકડ કરીને 17.75 લાખની કિંમતનો કોકેઇનનો જથ્થો જપ્ત કરી લીધો હતો.