ગાંધીનગરઃમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 16 મા ફાયનાન્સ કમિશન સાથેની બેઠકમાં સ્પષ્ટ મત વ્યક્ત કર્યો હતો કે, ગુજરાત જેવાં જે રાજ્યો ફિસ્ક્લ પ્રુડન્ટ ડિસિપ્લિન્ડ રીતે જાળવે છે તેમને આ માટે કમિશન દ્વારા રીવોર્ડઝ મળવા જોઈએ. આના પરિણામે આવા રાજ્યોના જવાબદાર નાણાં વ્યવસ્થાપન અને શિસ્તબદ્ધ ખર્ચને ઓળખ મળશે એટલું જ નહીં, અન્ય રાજ્યો પણ આ માટે પ્રેરિત થશે. તેવી આશા પણ તેમણે વ્યક્ત કરી છે.
16 મુ ફાયનાન્સ કમિશન તારીખ 1 એપ્રિલ 2026થી શરૂ થતા પાંચ વર્ષના સમયગાળાને આવરી લેતો અહેવાલ તારીખ 31 ઓક્ટોબર 2025 એ ઉપલબ્ધ કરાવવાનું છે. આ સંદર્ભમાં અહેવાલ આખરી કરતાં પહેલાં રાજ્યોની મુલાકાત લઈને સંબંધિત રાજ્યો સાથે વિસ્તૃત ચર્ચાઓ હાથ ધરવા 16 મુ ફાયનાન્સ કમિશન ગુજરાતની મુલાકાતે આવેલું છે.
આયોગના અધ્યક્ષ ડો. અરવિંદ પનગઢિયા તથા સભ્યોએ ગુજરાત મુલાકાત દરમિયાન ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા નાણાં મંત્રી કનુ દેસાઈ, મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના અગ્ર મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા અને રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો સાથે બેઠક યોજી હતી. મુખ્યમંત્રીએ વિકસિત ભારત @ 2047ના વિઝનને સાકાર કરવામાં ગુજરાતની સજ્જતાની પ્રભાવક ભૂમિકા આ બેઠકમાં રજૂ કરી હતી. મુખ્યમંત્રીએ આ માટેના મહત્વાકાંક્ષી લક્ષ્યોને સિદ્ધ કરવા કેન્દ્ર સરકારના ઉચિત સંસાધન અને સહયોગની અપેક્ષા વ્યક્ત કરી હતી.
ગુજરાત સરકારના માહિતી વિભાગ દ્વારા જણાવાયેલી વિગતો પ્રમાણે, ફાયનાન્સ કમિશને આ હેતુસર એફિશિયન્સી અને આઉટકમ્સ દર્શાવતા પર્ફોર્મન્સ ઇન્ડિકેટર પર વધુ ધ્યાન આપવું જોઈએ એવો સુઝાવ તેમણે કમિશન સમક્ષ રજૂ કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અન્ય એક મહત્વપૂર્ણ બાબતો પ્રત્યે ફાયનાન્સ કમિશનનું ધ્યાન દોરતા કહ્યું કે, ગુજરાતમાં જે વિશિષ્ટ પરિસ્થિતિ છે તેને પણ આયોગે ફંડિંગ ફાળવણીમાં ધ્યાને લેવી જરૂરી છે.
આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે ગુજરાતમાં એક તરફ શહેરીકરણ તેજીપૂર્વક વધી રહ્યું છે તો બીજી તરફ ગ્રામીણ વિસ્તારોમાં વસતા આદિજાતિ સમુદાયોની પણ પોતાની અલગ અલગ જરૂરિયાતો અને આવશ્યકતાઓ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સુધારાની સલાહો
- ફિસ્કલ પ્રુડન્ટ ડિસિપ્લિન જાળવતા રાજ્યોને કમિશન દ્વારા રિવોડર્ઝ મળવો જોઈએ.
- તેજીથી વધતા શહેરીકરણ સાથે ગ્રામીણ વિસ્તારોના આદિજાતિ સમુદાયોની અલગ જરૂરિયાતો અને વાસ્તવિકતાઓ ધરાવતા ગુજરાતને મળનારા ફંડિંગમાં આ વાસ્તવિકતાઓ કેન્દ્રમાં રાખવી જરૂરી છે
- વિકસિત ભારત@2047 માટે વિકસિત ગુજરાતના મહત્વાકાંક્ષી લક્ષ્યો સિદ્ધ કરવા ઉચિત સંસાધન અને સહયોગની અપેક્ષા
- ગુજરાત સહિત સારી પ્રગતિ કરી રહેલા રાજ્યોને નાણાંકીય રીતે મજબૂત બનાવવા ફાયનાન્સ કમિશન સહયોગ યોગદાન આપે
- રાજ્યના એફિશિયન્સી અને આઉટકમ્સ દર્શાવતા પર્ફોર્મન્સ ઇન્ડિકેટર પર વધુ ધ્યાન અપાય
ફાયનાન્સ કમિશનના યોગ્ય સહયોગ અને સમર્થનથી જ આવી આવશ્યકતાઓ પર ધ્યાન આપીને દેશના વિકાસમાં ગુજરાત પ્રભાવી યોગદાન આપી શકશે એમ તેમણે સ્પષ્ટ પણે જણાવ્યું હતું. ફાયનાન્સ કમિશન દ્વારા ગુજરાતને મળનારા લાભ આ વાસ્તવિકતાઓ કેન્દ્રમાં રાખીને મળે તેમ જ રાજ્યની મહત્વાકાંક્ષા અને આવશ્યકતાસાથે તાલમેલ સાધી તેને પૂરાં કરી શકે તેવા હોય એવી ભારપૂર્વક રજૂઆત મુખ્યમંત્રીએ કરી હતી.