વનવિભાગે બનાવેલ ખાડામાં પડવાથી 15 ભેંસોના મોત થયાનો માલધારીઓનો આક્ષેપ (etv bharat gujarat) કચ્છ:બન્ની વિસ્તારને પશુપાલકોના પ્રદેશ તરીકે ઓળખાય છે. અહી એશિયાના સર્વશ્રેષ્ઠ ઘાસિયા મેદાન આવેલ છે. બન્નીની લાખેણી ભેંસ એક જમાનામાં ખુલ્લા ચરિયાણ પ્રદેશમા ચરતી હતી. પરંતુ છેલ્લા કેટલા વર્ષોથી પ્રોટેક્ટેડ ફોરેસ્ટ હેઠળ વનવિભાગ દ્વારા વિવિધ પ્લોટિંગ કરવામાં આવ્યા છે જેના કારણે આ પ્લોટની ખાઈઓમાં ભેંસો પડી જાય છે અને મૃત્યુ પામે છે. હાલમાં લુણા જૂથ પંચાયતના હાજીપીર વિસ્તારના સીમાડામા બનેલ પ્લોટમાં ચરિયાણની શોધમાં ગયેલ 15 જેટલી ભેંસો ખાઈઓમાં પડીને મરણ પામી હતી ત્યારે માલધારી વળતરની માંગણી કરી રહ્યા છે.
માલધારીઓનો વનવિભાગ પર આક્ષેપ: બન્ની વિસ્તારમાં ભેંસો ખુલ્લી જગ્યામાં ચરતી હતી પરંતુ આઝાદીના 75 વર્ષ પછી બધી જંગલ ખાતાની જમીનો ઉધોગોને આપ્યા પછી છેલ્લા 4-5 વર્ષથી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને બન્ની વિસ્તારની યાદ આવી છે. જેનો કબ્જો લીધેલ નથી પણ સરકાર સાથે મિલી ભગત કરી નોડલ એજન્સી તરીકે વિવિધ પ્રોજેક્ટ હેઠળ બન્નીમાં ઘાસિયા જમીન સુધારણાના નામે બંજર જમીન સુધારણાને બદલે ઘાસિયા જમીનો પર કામ બતાવી ટાર્ગેટ પૂર્ણ કરવામાં આવી રહ્યો છે તેવા આક્ષેપો માલધારીઓ કરી રહ્યા છે.
વનવિભાગે બનાવેલ ખાડામાં પડવાથી 15 ભેંસોના મોત થયાનો માલધારીઓનો આક્ષેપ (etv bharat gujarat) બન્નીના ઘાસિયા વિસ્તારને દબાવવાના હીન પ્રયાસો: સ્થાનિક પશુપાલકો જણાવી રહ્યા છે કે, વનવિભાગના અધિકારીઓ પ્રોજેક્ટને જુદા જુદા નામો આપી કાયદાની કોઈ પણ દરકાર કર્યા વગર જમીનો હડપ કરવા ફોરેસ્ટના અધિકારીઓ કાયદાનું રોફ જમાવીને ગરીબ માલધારીઓ પર જોહુકમી કરીને બન્નીના ઘાસિયા વિસ્તારને દબાવવાના હીન પ્રયાસો કરી રહ્યા છે જેનો માલધારીઓ દ્વારા સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે.
રજૂઆતો છતાં કોઇ સાંભળતું નથી: બન્ની વિસ્તારના ઘાસિયા મેદાનોમાં વનવિભાગ દ્વારા પ્લોટ પાડવામાં આવ્યા છે. જેની ફરતે ખાઈઓ પણ આવેલી છે ત્યારે પ્લોટના તોતિંગ ખાઈઓમા અનેક વખત બન્નીની લાખેણી ભેંસોના મરણ થયા જે અંગે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે છતાં પણ કોઈ અધિકારીઓ ફરિયાદ સાંભળતું નથી.
15 ભેંસોના ખાડામાં પડી જવાથી મોત: હાલમાં ફરી વખત બન્ની વિસ્તારના લુણા જૂથ પંચાયતના હાજીપીર વિસ્તારના સીમાડામાં 2800 હેક્ટરમાં બનેલા પ્લોટમાં ચરિયાણની શોધમાં ગયેલી 15 જેટલી ભેંસો ખાઈઓમાંં પડી જવાથી મૃત્યુ પામી હતી. જેના કારણે માલધારીઓ પર આભ તૂટી પડેલ છે અને અગાઉ પણ પ્લોટોમા આટલી મોટી નુકસાનીનો માલધારી સમાજ ભોગ બની ચૂક્યો છે. છતાય ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હજી પણ નવા પ્લોટો બનાવી રહી છે જે માલધારી સમાજ માટે ચરિયાણ પદ્ધતિ માટે લાલબત્તી સમાન છે તેવું સ્થાનિક માલધારીઓ કહી રહ્યા છે.
યોગ્ય વળતર આપવા માંગ: આ મરણ પામેલ પશુઓનું તાત્કાલિક જિલ્લા પંચાયત પશુપાલન ખાતા દ્વારા પીએમ રિપોર્ટ થાય અને પોલીસ FIR દાખલ કરીને આની સામે જવાબદાર લોકો સામે પગલાં લે અને માલધારીઓને થયેલા નુકશાનનું યોગ્ય વળતર આપવામાં આવે. તેમજ હાલમાં ઉભી કરવામાં આવેલ ખાઈઓ બંધ કરાય એવી માલધારી સમાજની માંગણી છે.
જંગલ ખાતા પાસે માંગ: લુણા ગામની 41 ભેંસો ચરિયાણ માટે 5મી મેના રોજ નીકળી હતી, પરંતુ ત્યાર બાદ 25 જેટલી ભેંસો જ પરત આવી ગઇ હતી. જ્યારે 16 જેટલી ભેંસો ગુમ થઈ હતી. જે પૈકી હાલમાં બન્ની વિસ્તારમાં પ્લોટની ખાઇઓમાં 15 જેટલી ભેંસના મૃતદેહ મળી આવ્યા હતા અને હજુ પણ એક ભેંસ લાપતા છે.આ અગાઉ પણ હજારો પશુ મૃત્યુ પામ્યા હતા. ત્યારે માલધારીઓની એક જ માંગણી છે કે, જંગલ ખાતા દ્વારા આ ખાઇઓને પૂરી દેવામાં આવે. જેથી પશુઓના જીવ બચી શકે.
મૃતદેહોનું પીએમ થઇ શકે તેમ નથી: પશુપાલન વિભાગના અધિકારી ડો.હરેશ ઠકકરે માહિતી આપતા જણાવ્યું હતું કે, લખપત તાલુકાના નરા ગામના માલધારીઓની 15 જેટલી ભેંસો 6 તારીખે ગુમ થઈ હતી અને ગઈ કાલે માલધારીઓને એ ભેંસો બન્ની વિસ્તારમાં જંગલ ખાતાએ બનાવેલી ખાઇઓમાં મૃત હાલતમાં મળી આવી હતી. જેમાં માલધારીઓ દ્વારા ફોરેસ્ટ વિભાગની મદદથી પશુપાલન વિભાગને જાણ કરી હતી અને પશુ ચિકિત્સા અધિકારીએ મુલાકાત લઈને તપાસ કરી હતી. જે દરમિયાન મૃતદેહ 15 દિવસથી વધારે જૂના જણાઈ આવ્યા હતા, જેથી કરીને તે કોહવાઈ ગયેલા અને સડી ગયેલા હતા. જેમાં ફકત ચામડી અને હાડકા જોવા મળતા હતા જેના પરથી પોસ્ટ મોર્ટમ કરીને તેના મરણનું કારણ જાણી શકાય તેમ ન હતું.
વનવિભાગ દ્વારા શું વ્યવસ્થા કરવામાં આવી છે?:આ સમગ્ર મામલે ETV BHARAT દ્વારા બન્ની ગ્રાસલેન્ડ વિભાગના નાયબ વન સંરક્ષક બી.એમ.પટેલનો સંપર્ક સાધવામાં આવ્યો હતો જેમાં તેઓએ જણાવ્યું હતું કે, હાલમાં તેઓ આ મામલે ફિલ્ડ વિઝિટમાં ગયા છે અને ભેંસોના મૃત્યુ પાછળનું ચોક્કસ કારણ જાણીને વધુ માહિતી આપવામાં આવશે. તેમજ માલધારીઓ જે આક્ષેપો કરી રહ્યા છે કે, વનવિભાગ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેનાથી માલધારીઓના પશુઓ ખાડામાં પડીને મૃત્યુ પામે છે તેવું કંઈ છે નહીં. વનવિભાગ દ્વારા ખાડા એ રીતે કરવામાં આવ્યા છે કે જેથી કરીને કોઈ પશુઓ ખાડાની અંદર ફસાય નહીં અને જો પશુઓ અંદર પડી જાય તો વનવિભાગ દ્વારા બનાવવામાં આવેલ ઢાળ પરથી પશુઓ આરામથી બહાર નીકળી શકે છે.
- રાજકોટ અગ્નિકાંડમાં બીજા દિવસે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓના SITએ લીધા નિવેદન - rajkot fire incident
- રાજકોટ અગ્નિકાંડમાં કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ અધિકારી સહિત 4ની અટકાયત - Rajkot Game Zone Fire Accident