Etv Bharat Gujarat (Etv Bharat Gujarat) અમદાવાદ: ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન (ઇડીઆઇઆઇ) અમદાવાદ દ્વારા પોતાના કેમ્પસમાં ૨૫ જુલાઈ 2024ના રોજ ‘100 આંત્રપ્રિન્યોરશિપ અવેરનેસ પ્રોગ્રામ્સ (ઇએપી)'ના મેગા સમાપન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાગ લેનાર સંભવિત મહિલા સાહસિકો 35 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આયોજિત ‘’100 આંત્રપ્રિન્યોરશિપ અવેરનેસ પ્રોગ્રામ્સના સમાપન સમારોહનું પ્રતિક છે. આ પ્રોજેક્ટ રાષ્ટ્રીય મહિલા આયોગ (એનસીડબલ્યૂ) ના સમર્થન અને સહયોગથી શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટને 2 જૂન, 2023ના રોજ ઉજ્જૈનમાં લોન્ચ કરવામાં આવ્યો હતો.
આ મેગા કાર્યક્રમના સમાપન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી તેમજ અતિથિ વિશેષ તરીકે રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ સુશ્રી રેખા શર્મા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ઇડીઆઇઆઇના ડાયરેક્ટર જનરલ ડૉ. સુનિલ શુક્લા પર હાજર રહ્યા હતા.
આંત્રપ્રિન્યોરશિપ અવેરનેસ પ્રોગ્રામમાં ભાગ લેનારી મહિલાઓને કારકિર્દીના રૂપમાં આંત્રપ્રિન્યોશિપ અપનાવવાના ફાયદાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનો પ્રાથમિક ઉદ્દેશ મહિલાઓમાં ઉદ્યોગસાહસિક કૌશલ્યો વિકસાવવાનો હતો, જેનાથી તેમને પોતાના વ્યવસાય માટે જ્ઞાન, કૌશલ્ય અને પ્રેરણા મળી રહે. સંભવિત મહિલા ઉદ્યોગસાહસિકોને સ્થાપિત ઉદ્યોગસાહસિકો, સરકારી અધિકારીઓ, બેંકર્સ, માર્ગદર્શકો અને સંશોધકોની સાથે વાતચીત કરીને નેટવર્કીંગની તકો પણ પ્રદાન કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં 35 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં 100 આંત્રપ્રિન્યોરશિપ અવેરનેસ પ્રોગ્રામ્સ દ્વારા 5796 સંભવિત મહિલા ઉદ્યોગસાહસિકોને સંવેદનશીલ બનાવવામાં આવી છે. આ કાર્યક્રમ મહિલાઓને આર્થિક સશક્તિકરણની તરફ પ્રેરિત કરવામાં લાભકારી રહ્યો છે જેથી નવીનતા અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન મળે.
આ અવસરે ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ પોતાના સંબોધનમાં સમાજમાં મહિલા સાહસિકોના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, "મહિલા ઉદ્યોગ સાહસિકો માટે અનુકૂળ વાતાવરણ આપણા દેશના વિકાસ માટે નિર્ણાયક છે. મહિલાઓનું સશક્તિકરણ માત્ર આપણા સમાજની કરોડરજ્જુને મજબૂત બનાવે છે એટલું જ નહીં પરંતુ સંતુલિત વિકાસની પણ ખાતરી આપે છે. ભારતની મહિલાઓના નેતૃત્વને મજબૂત કરવાના પ્રયાસમાં સરકાર મહિલા નેતૃત્વ અને સશક્તિકરણને પ્રોત્સાહન આપી રહી છે. એનસીડબ્લૂ અને ઇડીઆઇઆઇ વચ્ચેનો આ સહયોગ મહિલા સાહસિકોની ક્ષમતાનું નિર્માણ અને તેમની સફળતા માટે સહાયક ઇકોસિસ્ટમ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયું છે."
મહિલાને સશક્ત બનાવવાની દિશામાં લેવાયેલા પ્રયાસોને બિરદાવતા રાષ્ટ્રીય મહિલા આયોગના ચેરપર્સન શ્રીમતી રેખા શર્મા એ કહ્યું કે, "અમે સફળતાપૂર્વક 100 આંત્રપ્રિન્યોરશિપ અવેરનેસ પ્રોગ્રામ્સ પૂર્ણ કર્યા છે, જેમાં દેશના વિભિન્ન ક્ષેત્રોની ૫૭૯૬ મહિલાઓને પોતાની અણુપયોગી ક્ષમતાનો અહેસાસ કરવામાં મદદ મળી છે. પ્રતિસાદ પ્રોત્સાહક રહ્યો છે, જેમાં મહિલાઓ પોતાની ક્ષમતાઓને સ્વીકારે છે. એટલું જ નહીં, તેમના સાહસો શરૂ કરવાની તેમની યોજનાઓ સાથે આગળ વધવાનો આત્મવિશ્વાસ પણ દેખાડ્યો છે. મને વિશ્વાસ છે કે, સફળ ઉદ્યોગસાહસિક તરીકે મહિલાઓ મોટી સંખ્યામાં ઉભરી આવશે અને તેને અનુસરવા માટે ઇડીઆઇઆઇનો સહયોગ મહત્વપૂર્ણ રહ્યો છે."
ઇડીઆઇઆઇના ડાયરેક્ટર જનરલ ડૉ. સુનિલ શુક્લા એ પોતાના સંબોધનમાં કહ્યું કે, “ઇડીઆઇઆઇ મહિલા સાહસિકતા જાગૃતિ અને વિકાસ કાર્યક્રમો દ્વારા મહિલાઓને સશક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. સંભવિત મહિલા સાહસિકોને પ્રોત્સાહન આપવા માટે એનસીડબલ્યૂ સાથે સહયોગ કરવા બદલ અમને ખુશી છે. આ કાર્યક્રમોથી મહિલાઓમાં કૌશલ્ય, યોગ્યતા અને સકારાત્મક માનસિકતાનો વિકાસ સુનિશ્ચિત થયો છે અને મહિલાઓમાં નાણાકીય સ્વતંત્રતા વધશે. એનસીડબલ્યૂના નિર્ણાયક સમર્થન સાથે અમે જે પ્રગતિ કરી છે તેના પર મને ગર્વ છે અને મહિલાઓની આગેવાની હેઠળની ઉદ્યોગસાહસિકતામાં વધુ પ્રગતિની આશા રાખું છું."
- મોક લોકસભા: કેન્દ્રીય બજેટનું વિશ્લેષણ કરી એમબીએના વિદ્યાર્થીઓએ યોજ્યું બજેટ સેશન, જાણો - Mock Lok Sabha held in college
- સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટરમાં સમીક્ષા બેઠક, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વરસાદની સ્થિતિનો તાગ મેળવ્યો - Chief Minister Bhupendra Patel