વડોદરા: વુમન્સ પ્રીમિયર લીગ (WPL) ની ત્રીજી સિઝન માટે બે શહેરોની પસંદગી કરવામાં આવી છે. જેમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ બરોડા અને લખનૌને સંભવિત સ્થળો તરીકે પસંદ કર્યા છે. WPl ની આ સિઝન 6 અથવા 7 ફેબ્રુઆરીએ શરૂ થવાની ધારણા છે, જેની ફાઇનલ મેચ સહિત બીજા તબક્કાની તમામ મેચો વડોદરામાં થઈ શકે છે.
ક્રિકબઝના રિપોર્ટ અનુસાર, બીસીસીઆઈએ હજુ સુધી પાંચ ફ્રેન્ચાઈઝીને તારીખો અને સ્થળની સત્તાવાર પુષ્ટિ કરી નથી. જો કે, એવું માનવામાં આવે છે કે, બોર્ડે ઉત્તર પ્રદેશ ક્રિકેટ એસોસિએશન (UPCA) અને બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA) સાથે અનૌપચારિક ચર્ચા કરી છે. આગામી દિવસોમાં ઓફિશિયલ જાહેરાત થવાની અપેક્ષા છે.
ભારત માટે વડોદરાનું સ્ટેડિયમ લકી રહ્યું:
બરોડાએ તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ ફેસિલિટી સાથે કોટામ્બી સ્ટેડિયમનું નિર્માણ કર્યું છે. અને BCCI આ સ્થળ પર WPL યોજવા માંગે છે. ગયા મહિને ઉદ્ઘાટન કરાયેલા આ સ્ટેડિયમમાં તાજેતરમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રણ મહિલા ODI મેચનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્ટેડિયમમાં ઘણી T20 ટૂર્નામેન્ટ મેચો અને કેટલીક રણજી ટ્રોફી રમતો રમાઈ છે. BCA (બરોડા ક્રિકેટ એસોશીએશન) જેને 9 જાન્યુઆરીથી શરૂ થનારી વિજય હજારે ટ્રોફીના નોકઆઉટ રાઉન્ડની યજમાની સોંપવામાં આવી છે. આ સ્ટેડિયમની નવી સુવિધાની સંપૂર્ણ તૈયારીને ચકાસવા માટે ત્યાં સેમી-ફાઇનલ અને ફાઇનલ મેચો ફ્લડલાઇટ હેઠળ યોજવાનું પણ આયોજન કરી રહી છે.