હૈદરાબાદ: ભારતીય મહિલા ટીમ પુરુષોની જેમ જ દરેક ફોર્મેટમાં ખૂબ જ સારું પ્રદર્શન કરી રહી છે. જુલાઇમાં રમાયેલ મહિલા એશિયા કપની સેમી ફાઇનલમાં ભારતીય મહિલા ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેમાં 10 વિકેટથી ભારતે જીત મેળવી હતી. અત્યાર સુધી તમે મિથાલી રાજ, હરમનપ્રીત કૌર, ઝૂલન ગોસ્વામી, સ્મૃતિ મંધાના જેવી સ્ટાર મહિલા ક્રિકેટર વિષે સાંભળ્યું હશે. પણ શું તમને ખબર છે ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં આપણી ગુજરાતની ખેલાડીઓ પણ ધમાકેદાર પ્રદર્શન કરી રહી છે. અને ઓક્ટોમ્બરમાં યોજાનાર મહિલા T20 વર્લ્ડ કપમાં આ બંને ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. તો ચાલો જાણીએ આ ખેલાડીઓ વિશે.
ગુજરાતી મહિલા ક્રિકેટર જેઓ નેશનલ ટીમમાં સ્થાન મળ્યું છે.
1. રાધા યાદવ :
ડાબા હાથની સ્પિનર અને ઉત્તમ ફિલ્ડર રાધા યાદવે 18 વર્ષની ઉંમરે ભારત માટે ડેબ્યૂ કર્યું હતું, જ્યારે તેણીએ દક્ષિણ આફ્રિકા સામે ટી20 મેચ રમી હતી. ભારતીય ટીમમાં પસંદગી પામનાર રાધા ગુજરાતની પ્રથમ મહિલા ક્રિકેટર છે. રાધા યાદવ 17 વર્ષની ઉંમરે 2018 માં દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે પસંદ કરવામાં આવી ત્યારે ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી પામેલ ગુજરાતની સ્થાનિક ટીમમાંથી પ્રથમ ખેલાડી બની હતી. 2024 ના t20 મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં રાધા યાદવની મુખ્ય સીન બોલર તરીકે પસંદગી કરવામાં આવી છે, જેથી સમગ્ર ગુજરાતમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.
તેણે 13 ફેબ્રુઆરી 2018 ના રોજ દક્ષિણ આફ્રિકાની સામે ભારત તરફથી T20 આંતરરાષ્ટ્રીય (WT20I) ડેબ્યૂ કર્યું. તે ખૂબ જ હોંશિયાર ડાબા હાથની સ્પિનર છે, જે ટૂંકા ફોર્મેટ માટે વધુ અનુકૂળ છે અને તે મેદાન પર સફળ ખેલાડી પણ છે. સ્થાનિક સ્પર્ધાઓમાં પ્રભાવશાળી પ્રદર્શનને કારણે પસંદગીકારો માટે રાધાના ઉદયને અવગણવું અશક્ય બન્યું અને તેણીએ રમતના સૌથી ટૂંકા ફોર્મેટમાં પદાર્પણ કર્યું. તે જ વર્ષે તે વર્લ્ડકપ ટી20માં પણ રમી અને શાનદાર પ્રદર્શન કર્યું હતું.
મૂળ મહારાષ્ટ્રની રાધા 2014-15ની સિઝનમાં બરોડા ગઈ અને અંડર-19 વેસ્ટ ઝોન ટુર્નામેન્ટ, બંને ફોર્મેટમાં વરિષ્ઠ મહિલા ટૂર્નામેન્ટ (વ્હાઇટ-બોલ ક્રિકેટ) અને અંડર-23 વેસ્ટ ઝોન વન ડે સહિત અનેક સ્પર્ધાઓમાં રમી. હાલમાં ટીમ ઈન્ડિયાની વાત કરવામાં આવે તો તેને T20 ફોર્મેટની માહિર ખેલાડી માનવામાં આવે છે. 1988માં, વડોદરાની બે મહિલા ખેલાડીઓ, મંગળા બાબર અને રાજકુવરદેવી ગાયકવાડ, ભારતીય વન-ડે ઈન્ટરનેશનલ ટીમ માટે પસંદ કરવામાં આવી હતી, પરંતુ તેઓ પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવી શક્યા ન હતા.
WPL કારકિર્દી :રાધા યાદવને WPL ઓક્શનમાં દિલ્હી કેપિટલ્સે 40 લાખ રૂપિયાની બેઝ પ્રાઈસમાં સૌથી પહેલા ખરીદી હતી. આ 23 વર્ષીય ખેલાડી દિલ્હીની સ્પિન ટીમનો મહત્વનો ભાગ છે. તે બે T20 વર્લ્ડ કપ (2018 અને 2020)નો ભાગ રહી ચુકી છે અને તેની પાસે ઘણો અનુભવ છે. રાધા એક ઉત્તમ સ્પિનર છે, જેની પાસે ઉડાન અને ખતરનાક આર્મ બોલ છે. તે નીચલા ક્રમમાં બેટથી અજાયબીઓ કરી શકે છે અને તે એક ઉત્તમ ફિલ્ડર પણ છે.
2. યાસ્ટિકા ભાટિયા:
યસ્તિકા ભાટિયા મૂળ ગુજરાતના વડોદરાની છે . તેનું ભારતીય ટીમમાં વિકેટકીપર- ડાબોડી બેટ્સમેન છે અને તે તેની નક્કર ટેકનિક અને ઇનિંગ્સની રચના કરવાની ક્ષમતા માટે જાણીતી છે. ભાટિયાના સ્થાનિક સ્તરે બેટ સાથે સતત સારા પ્રદર્શનને કારણે તેને 2021માં ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન મળ્યું. ભાટિયાએ સપ્ટેમ્બરમાં કેરારા ઓવલ (Carrara Oval) ખાતે આયોજિત એકમાત્ર ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. તેને મહિલા ODI ક્રિકેટ વર્લ્ડ કપ 2022 અને બર્મિંગહામમાં કોમનવેલ્થ ગેમ્સ માટે ભારતની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો, જ્યાં તેણે દેશને સિલ્વર મેડલ જીતવામાં મદદ કરી હતી.