ગુજરાત

gujarat

ETV Bharat / sports

પાકિસ્તાને કેનેડાને 7 વિકેટે હરાવીને સુપર-8ની આશા જીવંત રાખી - T20 World Cup 2024

T20 વર્લ્ડ કપ 2024માં પાકિસ્તાને મંગળવારે કેનેડાને 7 વિકેટે હરાવ્યું હતું. ફાસ્ટ બોલર મોહમ્મદ આમિરને આ મેચમાં તેના શાનદાર પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો.

Etv BharatT20 World Cup 2024
Etv BharatT20 World Cup 2024 (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Jun 12, 2024, 9:10 AM IST

નવી દિલ્હી:T20 વર્લ્ડ કપ 2024ની 22મી મેચ પાકિસ્તાન અને કેનેડા વચ્ચે રમાઈ હતી. આ મેચ જીતીને પાકિસ્તાને સુપર-8માં પહોંચવાની આશા જીવંત રાખી છે. ટોસ હાર્યા બાદ કેનેડા પ્રથમ બેટિંગ કરવા આવી હતી અને 20 ઓવરમાં 106 રન બનાવ્યા હતા જે પાકિસ્તાને 17.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધા હતા.

પ્રથમ બેટિંગ કરવા આવેલા કેનેડા તરફથી એરોન જોન્સને અડધી સદી ફટકારી હતી. તેણે 44 બોલમાં 4 સિક્સ અને 4 ફોરની મદદથી 52 રન બનાવ્યા હતા. જોન્સને આ ઈનિંગને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાની સર્વશ્રેષ્ઠ ઈનિંગ્સ ગણાવી હતી. તેના સિવાય અન્ય કોઈ ખેલાડી 10થી વધુ રન બનાવી શક્યો નહોતો. નવનીત ધાલીવાલ 4, પ્રગટ સિંહ 2, કેપ્ટન સાદ બિન ઝફર 10, કલીમ સના 13 રન બનાવીને આઉટ થયા હતા. જ્યારે ડિલન હેલિગરે 14 બોલમાં 13 રન બનાવ્યા હતા.

પાકિસ્તાનની બોલિંગની વાત કરીએ તો મોહમ્મદ આમિર અને હરિસ રઉફે 2-2 વિકેટ ઝડપી હતી. જ્યારે શાહીન શાહ આફ્રિદી અને નસીમ શાહને એક-એક વિકેટ મળી હતી. ઓલરાઉન્ડર ઈમાદ વસીમને એક પણ વિકેટ મળી ન હતી.

કેનેડાના 107 રનના ટાર્ગેટનો પીછો કરતા પાકિસ્તાનને પહેલો ફટકો 20 રનના સ્કોર પર લાગ્યો હતો. તેમનો ઓપનિંગ બેટ્સમેન સેમ અયુબ 12 બોલમાં 6 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. જે બાદ મોહમ્મદ રિઝવાને ઇનિંગની કમાન સંભાળી હતી અને 100ના સ્ટ્રાઇક રેટથી 53 બોલમાં 53 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય કેપ્ટન બાબર આઝમે પણ 33 બોલમાં 33 રન બનાવ્યા હતા. ફખર જમાને 4 રન અને ઉસ્માન ખાને 2 રન બનાવ્યા હતા.

હાલમાં સુપર-8માં પહોંચવાની પાકિસ્તાનની આશા અકબંધ છે, પરંતુ તેના માટે પાકિસ્તાને તેની આગામી મેચ જીતવી પડશે અને યુએસએને તેની બંને મેચ મોટા અંતરથી હારવી પડશે.

  1. દક્ષિણ આફ્રિકાએ રોમાંચક મેચમાં બાંગ્લાદેશને 4 રને હરાવ્યું, ક્લાસેન બન્યો મેચનો હિરો - T20 World Cup 2024

ABOUT THE AUTHOR

...view details