પેરિસ (ફ્રાન્સ): પેરિસ ઓલિમ્પિક 2024માં ગુરુવારે પુરુષોની ભાલા ફેંક ઈવેન્ટની ફાઈનલ રમાઈ હતી. ભારતને અપેક્ષા હતી કે તેનો ગોલ્ડન બોય નીરજ ચોપરા સતત બીજી વખત ગોલ્ડ મેડલ જીતશે. પરંતુ, ગઈકાલે નીરજનો દિવસ ન હતો, અને તેના હાથમાંથી સોનું સરકી ગયું હતું. પાકિસ્તાનના અરશદ નદીમે ઓલિમ્પિક રેકોર્ડ તોડ્યો અને 92.97 મીટર ભાલો ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો. સિલ્વર મેડલથી સંતુષ્ટ હોવા છતાં, 26 વર્ષીય ભારતીય એથ્લેટ નીરજ ચોપરાએ એક એવી સિદ્ધિ મેળવી છે, જે આજ સુધી કોઈ ભારતીય એથ્લેટે મેળવી નથી.
ટ્રેક એન્ડ ફિલ્ડમાં 2 મેડલ જીતનાર પ્રથમ ભારતીય
ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ ગોલ્ડ મેડલ ગુ,આવ્યો છતાં, એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. નીરજે તેના 89.45 મીટરના સિઝન થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો અને સતત બીજી ઓલિમ્પિકમાં ટ્રેક એન્ડ ફિલ્ડમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બની ગયો છે. નીરજે ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો, હવે તેણે પેરિસમાં સિલ્વર મેડલ જીત્યો છે.
વ્યક્તિગત મેડલ જીતનાર ત્રીજો ભારતીય
પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતવા સાથે, નીરજ ચોપરા સતત 2 ઓલિમ્પિક્સ (2021, 2024)માં વ્યક્તિગત રમતમાં મેડલ જીતનાર ત્રીજો ભારતીય બની ગયો છે. નીરજ પહેલા સ્ટાર રેસલર સુશીલ કુમાર (2008 અને 2012) અને સ્ટાર બેડમિન્ટન પ્લેયર પીવી સિંધુ (2016 અને 2021) આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.