બુલાવાયો: ODI સિરીઝ હાર્યા બાદ ઝિમ્બાબ્વે ક્રિકેટ ટીમ પાકિસ્તાન સામેની T20 સિરીઝમાં સારું પ્રદર્શન કરવા ઇચ્છશે. બંને ટીમો વચ્ચે પ્રથમ T20 મેચ 1 ડિસેમ્બરે ભારતીય સમય અનુસાર સાંજે 4.30 કલાકે રમાશે. પાકિસ્તાનના નિયમિત સુકાની મોહમ્મદ રિઝવાન અને સિનિયર બેટ્સમેન બાબર આઝમને ટી20 શ્રેણી માટે આરામ આપવામાં આવ્યો છે અને તેના સ્થાને સલમાન અલી આગાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. હવે પાકિસ્તાને મેચના લગભગ 23 કલાક પહેલા પ્રથમ T20 માટે પ્લેઇંગ 11ની જાહેરાત કરી છે.
સલમાન અલી આગા સાથે સેમ અયુબ મેદાનમાં ઉતરશે:
સલમાન અલી આગા અને સેમ અયુબ પાકિસ્તાનની ટીમની સલામી લેતા જોવા મળશે. ઉસ્માન ખાનને વિકેટકીપિંગની જવાબદારી મળી શકે છે. અયુબે ઝિમ્બાબ્વે સામેની વનડે શ્રેણીમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું. બીજી વનડે મેચમાં તેણે એકલા હાથે સદી ફટકારીને ટીમને જીત તરફ દોરી હતી. તેમના સિવાય તમામની નજર તૈયબ તાહિર, ઈરફાન ખાન અને ઓમર બિન યુસુફની બેટિંગ પર રહેશે.
પ્લેઈંગ ઈલેવનમાં બે સ્પિનરો માટે તકઃ
હારીસ રઉફ અને મોહમ્મદ અબ્બાસ આફ્રિદી ઝડપી બોલિંગની જવાબદારી સંભાળશે. જહાંદાદ ખાનને પણ ટીમમાં તેને સપોર્ટ કરવાની તક મળી છે. સ્પિનર્સ તરીકે અબરાર અહેમદ અને સુફીયાન મુકીમને પ્લેઈંગ ઈલેવનમાં તક મળી છે. અબરાર છેલ્લા કેટલાક સમયથી સારૂ પ્રદર્શન કરી રહ્યો છે અને તે પોતાની રમતથી છાપ છોડવામાં સફળ રહ્યો છે.