નવી દિલ્હી: મોહમ્મદ શમી અને સાનિયા મિર્ઝા વચ્ચેના સંબંધની અફવાઓ તાજેતરમાં વ્યાપકપણે ફેલાઈ હતી, પરંતુ તાજેતરમાં એક પોડકાસ્ટ પરની વાતચીતમાં શમીએ આ બધી અફવાઓને રદીયો આપ્યો છે. ઘણા સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર એવી અટકળો ચાલી રહી હતી કે બંને લગ્ન કરવા જઈ રહ્યા છે. જો કે, જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે શમીએ આવા જુઠ્ઠાણા ફેલાવનારા તમામ યૂઝર્સને ચેતવણી આપી છે. તેમણે એમ પણ કહ્યું કે, સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી વખતે દરેક વ્યક્તિએ જવાબદારીપૂર્વક વર્તવું જોઈએ.
યુટ્યુબ ચેનલ પરના પોડકાસ્ટમાં તેમણે કહ્યું કે, હું દરેકને સોશિયલ મીડિયા પર જવાબદારીપૂર્વક કામ કરવા અને આવા પાયાવિહોણા સમાચાર ફેલાવવાનું ટાળવા વિનંતી કરું છું. શમીએ આગળ કહ્યું, આ વિચિત્ર છે અને જાણી જોઈને કોઈ નકામી મજા માટે કરવામાં આવે છે. પણ શું કરી શકાય? જો હું મારો ફોન ખોલું તો હું તે મીમ્સ જોઈ શકું છું પરંતુ હું એટલું જ કહેવા માંગુ છું કે મને લાગે છે કે મીમ્સ મનોરંજન માટે બનાવવામાં આવે છે, પરંતુ જો તે કોઈના જીવન સાથે સંબંધિત હોય, તો તમારે તેના વિશે વિચારવું જોઈએ અને પછી આવી વસ્તુઓ શેર કરવી જોઈએ.