હૈદરાબાદ :આજે બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે IPL 2024 ની 30મી મેચ રમાવાની છે. આ સિઝનમાં RCB નું અત્યાર સુધીનું પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું છે. જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદનું પ્રદર્શન મિશ્ર રહ્યું છે. છેલ્લી 4 મેચોમાં હારનો સામનો કર્યા બાદ આજે RCB પોતાના હોમ ગ્રાઉન્ડ પર જીતના ટ્રેક પર પાછા ફરવા માંગશે. આ રોમાંચક મુકાબલા પહેલા જુઓ બંને ટીમના હેડ ટુ હેડ આંકડા, સંભવિત પ્લેઈંગ-11 અને પીચ રિપોર્ટ...
IPL 17 માં બંને ટીમનું પ્રદર્શન :IPL ની 17 સિઝનમાં અત્યાર સુધી બંને ટીમના પ્રદર્શનની વાત કરીએ તો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમે અત્યાર સુધીમાં 6 મેચ રમી અને માત્ર 1 મેચમાં જ જીત મેળવી છે. આ નિરાશાજનક પ્રદર્શનને કારણે તે પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે 10 મા સ્થાને છે. બીજી તરફ સનરાઇઝર્સ હૈદરાબાદે કુલ 5 મેચ રમી છે, જેમાં 3 જીતી છે અને 2 હારી છે. હાલ પોઈન્ટ ટેબલમાં હૈદરાબાદની ટીમ ચોથા સ્થાને યથાવત છે.
RCB vs SRH હેડ ટુ હેડ :રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમોએ IPL માં અત્યાર સુધી 23 વાર સામસામે મેચ રમી છે. આ 23 મેચોમાંથી RCB એ 10 મેચ જીતી, જ્યારે હૈદરાબાદની ટીમે 12 મેચ જીતી છે. બંને ટીમો વચ્ચે 1 મેચ ડ્રો રહી હતી. જોકે, RCB છેલ્લી 5 મેચમાં વર્ચસ્વ ધરાવે છે અને તેણે 3 વખત હૈદરાબાદને હરાવ્યું છે. આ સાથે જ હૈદરાબાદ બે વખત જીત્યું છે.
પિચ રિપોર્ટ :બેંગ્લોરમાં સ્થિત ચિન્નાસ્વામી સ્ટેડિયમ બેટ્સમેન માટે અનુકૂળ માનવામાં આવે છે. પ્રથમ બેટિંગ કરીને અહીં સરેરાશ 200 રનનો સ્કોર બને છે. આ મેદાન નાનું છે, જેના કારણે અહીં બેટ્સમેન સરળતાથી સિક્સર અને ફોર ફટકારે છે. આ પીચ પર બોલરોને કોઈ મદદ મળતી નથી અને સામાન્ય રીતે અહીંયા રમાતી મેચ હાઈસ્કોરિંગ બને છે.