વડોદરા: કોટમ્બી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત - વેસ્ટ ઈન્ડિઝ મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે રમાયેલ બીજી વનડે મેચમાં હરલીન દેઓલની શાનદાર પ્રથમ સદીની મદદથી ભારતે મંગળવારે બીજી મહિલા વનડેમાં વેસ્ટ ઈન્ડિઝને 115 રનથી હરાવીને ત્રણ મેચની શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ભારતે શ્રેણીની પ્રથમ મેચ 211 રને જીતી હતી. પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ અને પાંચ વિકેટે 358 રન બનાવ્યા બાદ ભારતે 46.2 ઓવરમાં વેસ્ટ ઈન્ડિઝને 243 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું.
ભારતે 2-0 સાથે સિરીઝ પોતાને નામ કરી:
બીજી વનડેમાં ભારતે પોતાના સર્વોચ્ચ સ્કોર સાથે બરાબરી કરી લીધી. આ પહેલા ટીમે 2017માં આયર્લેન્ડ સામે બે વિકેટે 358 રન બનાવ્યા હતા. આ ઉપરાંત વેસ્ટ ઈન્ડિઝ સામે કોઈપણ ટીમનો આ સર્વોચ્ચ સ્કોર પણ છે. આ વર્ષમાં વનડેમાં ભારતનો આ સર્વોચ્ચ સ્કોર છે.
ભારતીય ટીમના બોલરોનું શ્રેષ્ઠ પ્રદર્શન:
ભારત તરફથી યુવા સ્પિનર પ્રિયા મિશ્રાએ 49 રનમાં ત્રણ જ્યારે દીપ્તિ શર્મા, તિતાસ સાધુ અને પ્રતિકા રાવલે બે-બે વિકેટ લીધી હતી. રેણુકા સિંહ ઠાકુરને એક વિકેટ મળી હતી. વેસ્ટ ઈન્ડિઝ તરફથી કેપ્ટન હેલી મેથ્યુઝે 106 રન બનાવ્યા પરંતુ તેને શમન કેમ્પબેલ (38) સિવાય બીજા છેડેથી કોઈ સપોર્ટ મળ્યો ન હતો. 109 બોલની ઇનિંગમાં 13 ચોગ્ગા મારવા ઉપરાંત તેણે કેમ્પબેલ સાથે પાંચમી વિકેટ માટે 102 બોલમાં 112 રનની ભાગીદારી નોંધાવી હતી.