નવી દિલ્હીઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. આ શ્રેણીની પ્રથમ મેચમાં ભારતીય સ્ટાર બેટ્સમેનો કંઈ ખાસ કરી શક્યા ન હતા. આ સાથે ભારતીય યુવા બેટ્સમેન શુભમન ગિલના નામે એક અનિચ્છનીય રેકોર્ડ જોડાઈ ગયો છે. એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાયેલી ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગ્સમાં આઠ બોલમાં શૂન્ય રને આઉટ થયા બાદ ગિલે ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીના અનિચ્છનીય રેકોર્ડની બરાબરી કરી હતી.
આ વર્ષે હોમ ગ્રાઉન્ડ પર ગિલનો આ ત્રીજો શૂન્ય હતો અને આ સાથે તે કોહલીની યાદીમાં સામેલ થઈ ગયો હતો. ગિલ એક કેલેન્ડર વર્ષમાં 3 કે તેથી વધુ શૂન્ય પર આઉટ થનાર છઠ્ઠો ભારતીય બેટ્સમેન બન્યો. અગાઉ મોહિન્દર અમરનાથ 1983માં 5 ડક સાથે ટોચ પર હતા, ત્યારબાદ મન્સૂર અલી ખાન પટૌડી (1969), દિલીપ વેંગસરકર (1979), વિનોદ કાંબલી (1994) અને કોહલી (2021) હતા.
આ વર્ષની શરૂઆતમાં ઈંગ્લેન્ડ સામેની મેચ-વિનિંગ ઇનિંગ્સ બાદ ભારતીય ટીમમાં પોતાનું સ્થાન જાળવી રાખનાર ગિલ વિપક્ષી ટીમને પરેશાન કરી શક્યો ન હતો. અને લેગ સાઇડમાં વિકેટકીપર લિટન દાસના હાથે કેચ આઉટ થતાં પેવેલિયન પરત ફર્યો હતો. જમણા હાથના ઝડપી બોલર હસન મહમૂદ પ્રથમ સત્રમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને ગિલ જેવી ત્રણ મોટી વિકેટ લઈને ટીમના હીરો તરીકે ઉભરી આવ્યા હતા.