નવી દિલ્હી: હરારેમાં રમાયેલી ત્રીજી T20 મેચમાં ભારતીય ક્રિકેટ ટીમે શુભમન ગિલની કેપ્ટન્સીમાં શાનદાર પ્રદર્શન કરી ઝિમ્બાબ્વેને 23 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ 5 મેચની T20 સિરીઝમાં 2-1ની લીડ મેળવી લીધી છે. મેચમાં ભારતીય કેપ્ટન શુંભન ગિલે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ભારતીય બેટ્સમેનોએ આ નિર્ણયને સાચો સાબિત કર્યો છે. તેમણે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 182 રન બનાવ્યા અને પછી બોલરોએ ઝિમ્બાબ્વેની ટીમને 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 159 રન પર રોકી અને ટીમને 23 રનથી જીત અપાવી હતી.
ભારતીય બેટ્સમેનોનું શાનદાર પ્રદર્શન:આ મેચમાં ભારત તરફથી કેપ્ટન શુભમન ગિલે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેમણે શાનદાર અડધી સદીની ઇનિંગ્સ રમી હતી. આ મેચમાં ગિલે 49 બોલમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગા લગાવી 66 રન બનાવ્યા હતા. જ્યારે ઈનિંગની શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવનાર યશસ્વી જયસ્વાલે 27 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગા લગાવી 36 રનની ઈનિંગ રમી હતી. રૂતુરાજ ગાયકવાડે પણ 28 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગા લગાવી 49 રનનું બનાવ્યા જ્યારે અભિષેક શર્માએ 10 રન, સંજુ સેમસને 12 રન અને રિંકુ સિંહે 1 રન બનાવ્યો હતો. અને સાથે ઝિમ્બાબ્વેના સિકંદર રઝા અને બ્લેસિંગ મુઝારાબાની 2-2 વિકેટ લીધી હતી.