કુઆલાલંપુર: મહિલા અંડર-19 T20 ક્રિકેટ વર્લ્ડ કપ હાલમાં મલેશિયામાં ચાલી રહ્યો છે. જેમાં ભારતીય મહિલા ટીમ અને ઇંગ્લેન્ડની મહિલા ટીમ વચ્ચે સેમિફાઇનલ મેચ રમાઈ હતી. ભારતીય મહિલા ટીમે આ મેચ 9 વિકેટથી જીતી હતી. ભારતની જીત સાથે, ટુર્નામેન્ટમાં ઇંગ્લેન્ડની સફરનો અંત આવ્યો અને ટીમ ઇન્ડિયાએ ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. મહિલા અંડર-19 ટી20 વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં ટીમ ઇન્ડિયા દક્ષિણ આફ્રિકા સામે રમશે. આ સાથે, ભારતીય મહિલા ટીમ સતત બીજી વખત સ્પર્ધાના ફાઇનલમાં પહોંચી છે.
મેચ કેવી રહી:
આ મેચની વાત કરીએ તો, આ મેચમાં ઇંગ્લેન્ડની ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ પછી, તેની ટીમ બેટિંગ કરવા આવી પરંતુ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવ્યા બાદ માત્ર 113 રન જ બનાવી શકી. આ વખતે ટીમ ઈન્ડિયાના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું. ભારત તરફથી વૈષ્ણવી શર્મા અને પરુણિકા સિસોદિયાએ ત્રણ-ત્રણ વિકેટ લીધી. આયુષી શુક્લાએ બે વિકેટ લીધી. ઈંગ્લેન્ડ તરફથી ફક્ત ડેવિના પેરિન અને એબી નોર્ગ્રોવે સારું પ્રદર્શન કર્યું. ડેવિના પેરિને 45 અને એબી નોર્ગ્રોવે 30 રન બનાવ્યા.