ચટ્ટોગ્રામ (બાંગ્લાદેશ):બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ હાલમાં ઘરઆંગણે દક્ષિણ આફ્રિકા સામે 2 મેચની ટેસ્ટ શ્રેણી રમી રહી છે. પ્રથમ મેચમાં તેને જોરદાર હારનો સામનો કરવો પડ્યો હતો. ચટ્ટોગ્રામના મેદાન પર રમાઈ રહેલી આ શ્રેણીની બીજી મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમની સ્થિતિ ઘણી મજબૂત દેખાઈ રહી છે. પરંતુ બીજા દિવસની રમતમાં બાંગ્લાદેશની ટીમ જ્યારે પ્રથમ દાવમાં બેટિંગ કરવા આવી ત્યારે તેનો સ્કોર એક બોલ બાદ 10 રન હતો. જોકે, બંને બેટ્સમેનોના ખાતા ખૂલ્યા નહોતા. ઘણા પ્રશંસકો ચોક્કસપણે આશ્ચર્ય પામશે કે આવા સંજોગોમાં તે કેવી રીતે થયું.
એક બોલમાં 10 રન કેવી રીતે બનાવ્યાઃ
ચટ્ટોગ્રામ ટેસ્ટ મેચમાં પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાની ટીમે 6 વિકેટે પ્રથમ દાવ ડિકલેર કર્યો હતો. જેમાં તેના ત્રણ બેટ્સમેનોએ સદી ફટકારી હતી અને આ સિવાય બે ખેલાડીઓએ પણ અડધી સદી ફટકારી હતી. આમાં એક નામ આફ્રિકન ટીમના ખેલાડી સેનુરામ મુથુસામીનું છે, જેણે અણનમ 68 રન બનાવ્યા હતા. જો કે, તેણે બેટિંગ કરતી વખતે એક મોટી ભૂલ કરી, જેના કારણે આફ્રિકન ટીમને 5 રનની પેનલ્ટી સહન કરવી પડી. વાસ્તવમાં, જ્યારે મુથુસામી બેટિંગ કરી રહ્યો હતો, ત્યારે તે રન બનાવવાના પ્રયાસમાં પિચની વચ્ચે દોડી ગયો હતો, તેથી અમ્પાયરોએ 5 રનની પેનલ્ટી આપવાનો નિર્ણય લીધો હતો.