રાજકોટ: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની T20 શ્રેણી રમાઈ રહી છે. અત્યાર સુધી રમાયેલી બે મેચમાં ભારતે બંને મેચ જીતી છે. ત્રીજી મેચ 28 જાન્યુઆરીએ રાજકોટના નીરંજન શાહ સ્ટેડિયમમાં રમાશે. ગઇકાલ રાત્રે બંને ટીમ રાજકોટ પહોંચી ગઈ છે, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. દર વખતની જેમ આ વખતે પણ ઇંગ્લેન્ડે મેચના એક દિવસ પહેલા જ પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી દીધી છે.
ઇંગ્લેન્ડ પહેલી જીતની શોધમાં
ઈંગ્લેન્ડ કોઈ પણ ભોગે ત્રીજી ટી20 મેચ જીતવા માંગશે. કારણ કે શ્રેણી જીતવા માટે, તેણે બાકીની ત્રણેય મેચ જીતવી પડશે. જોકે, અત્યાર સુધી રમાયેલી બે મેચમાં ઇંગ્લેન્ડ ટીમનું પ્રદર્શન સારું રહ્યું નથી. જોસ બટલર સિવાય, કોઈ પણ અંગ્રેજી બેટ્સમેન ખાસ પ્રભાવિત કરી શક્યો નથી. આ ઉપરાંત, આ ટીમનો બોલિંગ વિભાગ પણ ચિંતાનો વિષય છે. કારણ કે જોફ્રા આર્ચર અને માર્ક વુડ જેવા ઘાતક બોલરો બીજી મેચમાં ચેન્નાઈના મેદાન પર ખાસ અસર કરી શક્યા નહીં.
તિલક વર્માએ એકલા હાથે મેચ જીતાડી:
ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી બીજી T20 મેચમાં ભારતીય ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડને 2 વિકેટે હરાવ્યું છે. આ મેચમાં ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 165 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ દ્વારા આપવામાં આવેલા 166 રનના ટાર્ગેટને 19.2 ઓવરમાં 4 બોલ બાકી રહેતા 8 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો અને મેચ 2 વિકેટથી જીતી લીધી. આ જીત સાથે, ભારતે શ્રેણીમાં 2-0ની લીડ મેળવી લીધી છે.