અલ અમેરાત: ACC મેન્સ T20 ઇમર્જિંગ એશિયા કપ 2024 ની બીજી સેમિફાઇનલ મેચ આજે એટલે કે શુક્રવારે (25 ઓક્ટોબર) ભારત A અને અફઘાનિસ્તાન A વચ્ચે ઓમાનના અલ અમેરાત ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ હતી. આ મેચમાં અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અફઘાનિસ્તાનના બેટ્સમેનોએ ભારતીય બોલરોને પછાડીને 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 206 રન બનાવ્યા હતા. આ સાથે ભારતીય ટીમને જીતવા માટે 207 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી તિલક વર્માની ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને માત્ર 186 રન જ બનાવી શકી અને 20 રનથી મેચ હારી ગઈ.
આ હાર સાથે ભારત A ટીમની સફર ઇમર્જિંગ એશિયા કપમાંથી સમાપ્ત થઈ ગઈ છે. હવે અફઘાનિસ્તાન A ટીમ ઇમર્જિંગ એશિયા કપની ફાઇનલ મેચમાં શ્રીલંકા A સામે ટકરાશે. આ ટુર્નામેન્ટની પ્રથમ સેમિફાઇનલમાં શ્રીલંકા A એ પાકિસ્તાન A ને હરાવી ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું હતું.
ભારત A ટીમ 186 સુધી મર્યાદિત:
આ મેચમાં ભારત તરફથી પ્રભસિમરન સિંહ અને અભિષેક શર્મા ઇનિંગની શરૂઆત કરવા આવ્યા હતા. બંનેએ પ્રથમ વિકેટ માટે માત્ર 25 રન જોડ્યા હતા. ભારતને પહેલો ઝટકો અભિષેક શર્માના રૂપમાં લાગ્યો હતો. ઇનિંગ્સની ત્રીજી ઓવરના ત્રીજા બોલ પર અલ્લાહ ગઝનફર 7 રનના અંગત સ્કોર પર અબ્દુલ રહેમાનના હાથે કેચ આઉટ થયો હતો. ભારતને બીજો ફટકો પ્રભસિમરન સિંહ (17)ના રૂપમાં લાગ્યો હતો. આ પછી કેપ્ટન તિલક વર્મા પણ (16) રન બનાવીને અબ્દુલ રહેમાનની છઠ્ઠી ઓવરના ચોથા બોલ પર શરાફુદ્દીન અશરફના હાથે કેચ આઉટ થયો હતો. આ પછી નેહલ વાઢેરા પણ કંઈ ખાસ કરી શક્યો નહોતો અને માત્ર 20 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.