અલ અમેરાત (ઓમાન): અફઘાનિસ્તાન A એ ACC ઇમર્જિંગ ટીમ એશિયા કપ 2024નું ટાઇટલ જીતીને ઇતિહાસ રચ્યો છે. અફઘાનિસ્તાને ફાઇનલમાં શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યું હતું. આ પહેલા અફઘાનિસ્તાન A એ સેમી ફાઇનલમાં ભારત A ને હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો. હવે અફઘાનિસ્તાને ફાઇનલમાં શ્રીલંકાને હરાવીને પ્રથમ વખત ટાઇટલ જીત્યું છે.
શ્રીલંકાએ અફઘાનિસ્તાનને જીતવા માટે 134 રનનો ટાર્ગેટ આપ્યો હતો. અફઘાન ટીમે 18.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. અફઘાનિસ્તાન તરફથી ઓપનર સિદીકુલ્લાહ અટલે સૌથી વધુ 55 બોલમાં અણનમ 55 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 3 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. જ્યારે કરીમ જન્નતે 27 બોલમાં 33 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 3 સિક્સર ફટકારી હતી. દરવેશ રસૂલીએ 20 બોલમાં 24 રનનું યોગદાન આપ્યું હતું.
આ સિવાય મોહમ્મદ ઈશાક 6 બોલમાં 16 રન બનાવીને અણનમ રહ્યો હતો. જો કે આ પહેલા અફઘાનિસ્તાનની શરૂઆત સારી રહી ન હતી. અફઘાનિસ્તાનના ઓપનર ઝુબેદ અકબરી ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયન પરત ફર્યા હતા, પરંતુ ત્યારપછીના બેટ્સમેનોએ દાવને સંભાળી લીધો હતો. જુનિયર કે સિનિયર (ઇન્ટરનેશનલ) ક્રિકેટમાં આ પહેલીવાર બન્યું છે કે, અફઘાનિસ્તને આટલું મોટું ટાઇટલ જીત્યું છે.