પાટણ:લોકસભા 2024ની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાંથી ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો માટેની સેન્સ પ્રક્રિયા તબક્કા વાર હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ આજે પાર્લામેન્ટ્રી બોર્ડ દ્વારા લોકસભા બેઠકો માટે સૌપ્રથમ 15 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં બક્ષીપંચ સમાજના પ્રભુત્વવાળી પાટણ લોકસભા બેઠક ઉપર વર્તમાન સાંસદ ભરતસિંહ ડાભીને ટિકિટ આપી રિપીટ કર્યા છે.
કાર્યકરોમાં ખુશી છવાઈ:ભરતસિંહ ડાભીને ટિકિટ મળ્યાના સમાચાર સાંભળતા તેમના સમર્થકો ભાજપના આગેવાનો કાર્યકરોમાં અનેરી ખુશી જોવા મળી રહી છે. કાર્યકરોએ શહેરના બગવાડા દરવાજા ખાતે ફટાકડા ફોડી એકબીજાના મોં મીઠા કરાવી એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી. ભાજપના આગેવાનોએ આ બેઠક જંગી બહુમતથી જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
લોકસભા 2019માં મેળવી હતી જીત:2019ની લોકસભાની બેઠક જીતવા માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા જગદીશ ઠાકોરને ટિકિટ આપી હતી. જ્યારે આ બેઠક જાળવી રાખવા માટે ભાજપે ભરતસિંહ ડાભીને ટિકિટ આપી મેદાનમાં ઉતાર્યા હતા. ચૂંટણીના પરિણામો જાહેર થતાં ભરતસિંહ ડાભીને 6,33368 મત મળ્યા હતા. જ્યારે હરીફ ઉમેદવાર જગદીશ ઠાકોરને 4,39,489 મત મળતા ભાજપના ભરતસિંહ ડાભીનો 1,93,879 મતે ભવ્ય વિજય થયો હતો અને ભાજપ એ આ બેઠક જાળવી રાખી હતી. હવે 2024ની લોકસભાની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક જાળવી રાખવા માટે ભરતસિંહ ડાભીને ટિકિટ આપી છે. ત્યારે મતદારો કોને મત આપી વિજેતા બનાવે છે તે તો ચૂંટણી પરિણામો બાદ જ ખબર પડશે.
અનેક લોક કલ્યાણના કામો કર્યા:વર્ષ 2019-20 થી 2023-24 દરમિયાન ડાભીએ 1437.22કરોડની ગ્રાન્ટમાંથી 398 વિકાસ કાર્યો કર્યા છે. સાંસદે કાનોસણ ગામ દત્તક લીધેલ. જેમાં કાનોસણ મોરપાને જોડતા તેમજ કાનોસણ ગણેશપુરાને જોડતા ચાર કરોડના રોડનું કામ તેમજ પૂર્વપરામાં જવા માટે 1.5 કરોડના ખર્ચે પુલ બનાવ્યો છે. આ ઉપરાંત 20 લાખ રૂપિયાના ખર્ચે હાઇસ્કુલમાં ચાર રૂમો બનાવવાની કામગીરી ચાલુ છે તો ગામના ચોકમાં પાંચ લાખના ખર્ચે બ્લોક પેવિંગની કામગીરી કરાઈ છે.
- Porbandar Lok Sabha Seat: રમેશ ધડુકનું પત્તુ કપાયું, પોરબંદર લોકસભા બેઠક પરથી મનસુખ માંડવીયાના નામની જાહેરાત
- Jamnagar Lok Sabha Seat: રિવાબા પૂનમ માડમને ગળે મળ્યાં, જામનગર લોકસભા બેઠક પર બે ટર્મના સાંસદ પૂનમ માડમ ફરી રિપીટ