ગુજરાત

gujarat

ETV Bharat / politics

Navsari Lok Sabha Seat: નવસારી લોકસભા બેઠક પર શું ફક્ત વિજયી માર્જિનનો મુદ્દો જ બની રહેશે ?

નવસારી લોકસભા બેઠક દેશભરમાં 2019માં ચર્ચામાં આવી હતી, જ્યારે વર્તમાન સાંસદ અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ 6,89,688ની જંગી લીડથી વિજેતા થયા હતા. નવા સીમાંકન બાદ નવસારી બેઠક પર ભાજપનો આરંભથી જ દબદબો રહ્યો છે. 2024ની લોકસભા ચૂંટણીમાં લોકોની નજર તેના વિજયી માર્જિન પર રહેશે ત્યારે નવસારી લોકસભા બેઠકનું શું છે રાજકીય ગણિત જાણીએ...

Navsari Lok Sabha Seat
Navsari Lok Sabha Seat

By ETV Bharat Gujarati Team

Published : Mar 9, 2024, 7:01 AM IST

અમદાવાદ:નવસારીને દેશમાં દાંડી અને મીઠા સત્યાગ્રહના નામે ઓળખે છે. ગાંધીજીની અમદાવાદથી આરંભાયેલી દાંડીયાત્રાનો અંતિમ મૂકામ દાંડીનો દરિયા કિનારો હતો. નવસારી લોકસભા મતક્ષેત્રમાં દાંડી તીર્થનો સમાવેશ થાય છે. 1977માં દેશના પ્રથમ બિન-કોંગ્રેસી વડાપ્રધાન અને જનતા પક્ષના અગ્રણી મોરારજી દેસાઇ સુરત બેઠકથી સાંસદ બન્યા હતા. આરંભમાં કોંગ્રેસ અને છેલ્લાં 35 વર્ષોથી ભાજપનો મૂળ સુરત અને નવ-રચિત નવસારી બેઠક પર 2009થી દબદબો રહ્યો છે. 2008માં નવા સીમાંકન બાદ રચાયેલી નવસારી લોકસભા બેઠક પર 2009, 2014 અને 2019ની સળંગ ત્રણ ચૂંટણી મૂળ મરાઠી અને ભૂતપુર્વ પોલીસકર્મી ચંદ્રકાંત રઘુનાથ પાટીલે હાંસલ કરી છે.

2009માં યોજાયેલી પહેલી ચૂંટણીમાં જ ભાજપના સી. આર. પાટીલે કોંગ્રેસના ધનસુખ રાજપૂતને 1,32,634 મતે હરાવ્યા હતા. તો 2014માં મોદીવેવમાં સી. આર. પાટીલનો કોંગ્રેસના મકસુદ મીર્ઝા સામે 5,58,116 મતે વિજય થયો હતો. 2019માં સી. આર. પાટીલે કોંગ્રેસના ધર્મેશ પટેલને વિક્રમી મત તફાવતથી હરાવીને સમગ્ર દેશનું ઘ્યાન ખેંચ્યું હતુ. 2019માં સી. આર. પાટીલનું વિજય માર્જન 6,89,688 રહ્યું હતુ. આમ 2008માં નવ-રચિત નવસારી લોકસભા બેઠક પર સતત ત્રણ ચૂંટણીમાં ભાજપ પક્ષ તરીકે તો સી. આર પાટીલે ઉમેદવાર તરીકે વિક્રમી વિજય પ્રાપ્ત કરીનો રાજકીય દબદબો જાળવી રાખ્યો છે.

Navsari Lok Sabha Seat

નવસારી લોકસભા મતક્ષેત્ર વિસ્તારની ખાસ છે વિશેષતા

નવસારી લોકસભા મતક્ષેત્ર સુરત શહેરની ચાર વિધાનસભા બેઠક અને નવસારી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકમા સમન્વયથી સર્જાઈ છે. સુરત શહેરની લિંબાયત, ઉધના, મજુરા અને ચોર્યાસી વિધાનસભા બેઠકનો સમાવેશ નવસારી લોકસભા મતક્ષેત્રમાં થાય છે. તો નવસારી જિલ્લાની જલાલપોર અને નવસારી વિધાનસભાની સામાન્ય બેઠકો તો અનુસૂચિત જનજાતિ માટે અનામત એવી ગણદેવી વિધાનસભા બેઠકનો સમાવેશ નવસારી લોકસભા બેઠક મતક્ષેત્રમાં થાય છે. નવસારી લોકસભા બેઠક કુલ મતદારો પૈકી 65 ટકા મતદારો સુરતના શહેરી મતદારો છે. જેના કારણે ભાજપને સતત વધુ ને વધુ સમર્થન મળતુ રહ્યું છે. નવસારી બેઠક પર મતદારોનો ઝુકાવ હંમેશાથી વિધાનસભા અને લોકસભા ચૂંટણીમાં રહ્યો છે. જેના કારણે 2017 અને 2022ની વિધાનસભા ચૂંટણીમાં નવસારી લોકસભા મતક્ષેત્રની સાતેય વિધાનસભા બેઠકો ભાજપે સરળતાથી હાંસલ કરી હતી.

Navsari Lok Sabha Seat

નવસારી લોકસભા મતક્ષેત્ર વિસ્તારમાં ગુજરાતી સાથે મરાઠી મતદારો મોટી સંખ્યામાં છે. મતક્ષેત્રમાં ઉધના અને લિંબાયત વિસ્તારમાં ટેક્ષ્ટાઇલનો ઉદ્યોગ ધમધમે છે, જેના કારણે મોટી સંખ્યામાં ઉત્તર ભારતીય શ્રમિકો આવી વસ્યા છે. સુરત શહેર સિવાય નવસારીના ગ્રામીણ વિસ્તારમાં કોળી પટેલ મતદારોની મોટી સંખ્યા છે. સુરત-નવસારીમાં શેરડીની ખેતી અને સહકારી ખાંડ ઉદ્યોગના કારણે ખેડૂતો બે પાંદડે છે, શ્રમિકોને પુરતી રોજી મળે છે, વેપારીઓના ધંધા-રોજગાર સારા ચાલે છે, જેના કારણે મતદારો રાજકીય સ્થિરતા જાળવવા 2009થી લોકસભામાં અને છેલ્લી બે વિધાનસભા ચૂંટણીમાં એક પક્ષ અને એક વિતારસરણીને અનુસરી મતદાન કરે છે, જેના થકી ભાજપ વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં અજય રહ્યો છે.

Navsari Lok Sabha Seat

ઐતિહાસિક નવસારી બેઠકનો રોચક છે ઈતિહાસ

નવસારી બેઠક પર હાલ ભાજપ અને સી. આર. પાટીલનો દબદબો છે, જેનું કારણ 1990ના દાયકામાં ભાજપના દિગ્ગજ નેતા કાશીરામ રાણા છે. 1951માં આ બેઠક સુરત લોકસભા બેઠક હતી. જેમાં 1951 થી 1971 સુધી કોંગ્રેસનો દબદબો રહ્યો હતો. 1977માં આ બેઠકે દેશને સૌ પ્રથમ બિન-કોંગ્રેસી વડાપ્રધાન મોરારજી દેસાઇ આપ્યા હતા. એક સમયે સુરત બેઠક તરીકે અસ્તિત્વમાં હતી ત્યારે કોંગ્રેસના સી.ડીય પટેલ 1980 અને 1984ની સળંગ બે લોકસભા ચૂંટણી જીત્યા હતા. 1989 બાદ આજ સુધી એટલે કે છેલ્લાં 35 વર્ષોમાં કોંગ્રેસ સુરત બેઠક અને ત્યાર બાદ નવ-રચિત નવસારી બેઠક પર વિજય હાંસલ કર્યો નથી. 1989 થી 2004 સુધીની સળંગ છ ચૂંટણી મૂળ સુરતી એવા કાશીરામ રાણાએ એકધારી રીતે જીતીને ન માત્ર સુરત પણ દક્ષિણ ગુજરાતમાં ભાજપનો પાયો નાખી, સુરત અને દક્ષિણ ગુજરાતમાં ભાજપને સશક્ત બનાવ્યું છે.

Navsari Lok Sabha Seat

નવાઇની વાત તો એ છે કે, આ બેઠક પર 17 લોકસભા ચૂંટણીમાં ફક્ત પાંચ સાંસદો ચૂંટાયા છે. મતદારો પોતાના સાંસદને સતત રિપિટ કરી સમર્થન આપતા રહ્યાં છે.હાલની સુરત બેઠક પર 2009 થી 2019 સુધી સ્થાનિક અને મૂળ સુરતી દર્શના જરદોશ જીતતા આવ્યાં છે, તો 2008ના સીમાંકન બાદ અમલમાં આવેલી નવસારી લોકસભા બેઠક પર 2009 બાદની સળંગ ત્રણ ચૂંટણીઓ ભાજપના સી. આર. પાટીલ ભારે બહુમતીથી જીતતા આવ્યા છે.

2009થી 2019ની લોકસભા ચૂંટણીમાં બેઠક પર કેવો હતો માહોલ

2008માં સીમાંકન બાદ નવી રચાયેલી નવસારી બેઠક પર 2009માં પ્રથમ લોકસભાની ચૂંટણી યોજઈ હતી. UPA કાળમાં યોજાયેલી પ્રથમ લોકસભા ચૂંટણીમાં ભાજપે સી. આર. પાટીલને ઉતાર્યા તો, કોંગ્રેસ તરફથી ઉમેદવાર ધનસુખ રાજપુત હતા. 2009ની પ્રથમ ચૂંટણીમાં મતદાન નીરસ રહ્યું હતુ. ફક્ત 46.66 ટકા મતદાનમાં ભાજપના સી. આર. પાટીલને 4,23,413 મતો મળ્યા, અને કોંગી ધનસુખ રાજપુતને 1,32,643 મતે હરાવ્યા હતા.

Navsari Lok Sabha Seat

2014ની મોદી વેવમાં ભાજપના સી. આર. પાટીલનો મુકાબલો કોંગ્રેસના મકસુદ મિર્ઝાને 5,58,116 મતની જંગી લીડથી હરાવી દેશમાં સૌનું ધ્યાન ખેંચ્યું હતુ. 2014માં 65.82 ટકા મતદાન થયું હતુ, જે 2009ની સરખામણીએ 19.16 ટકા વધુ હતુ. આ વધેલુ 19.16 ટકા મતદાન પૂર્ણ રીતે સી. આર. પાટીલની તરફેણમાં થયું હતુ. સી. આર. પાટીલને 2009 કરતાં 2014માં 14.83 ટકા મતો વધુ પ્રાપ્ત થયા હતા. જ્યારે કોંગ્રેસના મકસુદ મિર્ઝાને 2,62,715 મત થયા હતા. 2009ની સરખામણીએ કોંગ્રેસને 2014માં 15.75 ટકા મત ઓછા પ્રાપ્ત થતાં સી. આર. પાટીલનું વિજયી માર્જિન વધ્યું હતુ. 2019માં સી. આર. પાટીલે કોંગ્રેસના ધર્મેશ પટેલને 6,89,688ની વિક્રમી લીડથી પરાજીત કર્યા હતા. 2019ની પોતાની હેટ્રીક જીતમાં સી. આર. પાટીલને 66.40 કુલ મતદાન પૈકી 74.37 ટકા મત પ્રાપ્ત થયા હતા. સી. આર. પાટીલને કુલ 9,72,739 મતો મળ્યા હતા, જેની સામે કોંગ્રેસના ધર્મેશ પટેલને 2,83,071 મતો પ્રાપ્ત થયા હતા. વિજેતા સી. આર. પાટીલ અને પરાજિત ધર્મેશ પટેલ વચ્ચે 52.73 ટકાનો તફાવત હતો. દેશમાં આ કોંગ્રેસની હાર સૌથી મોટી હાર તરીકે ગણાય છે.

Navsari Lok Sabha Seat

નવસારી લોકસભા બેઠક પર રાજકારણ ગરમ, પ્રજાના પ્રશ્નો યથાવત રહ્યા છે

નવસારી બેઠક ભાજપનો ગઢ રહ્યો છે. પહેલા સુરત અને હાલ નવસારી બેઠકથી કોંગ્રેસ, જનતા પક્ષ અને ભાજપના દિગ્ગજ ઉમેદવારો જીતતા આવ્યા છે. છતાં નવસારી લોકસભા મતક્ષેત્રમાં અનેક વણઉકલ્યા પ્રશ્નો યથાવત રહ્યાં છે નવસારી મતક્ષેત્ર હેઠળઆવતા વિસ્તારોમાં ઐદ્યોગિક પ્રદૂષણ અને શ્રમિકોના કામના સ્થળે વાતાવરણ, અસ્થાયી આવાસોનો પ્રશ્ન મહત્વનો બની રહ્યો છે. દેશને રોજગારી આપતા મતક્ષેત્રથી 50 જેટલી કંપનીઓએ અન્ય જગ્યાએ સ્થળાંતર કરી છે. તો સ્થાનિક લોકોને રોજગારીના પ્રશ્નો સાથે, શહેરી વિસ્તારોમાં સુવિધા પરના ભારણની સમસ્યા વકરતી જાય છે. જમીનમાં વધતી ખારાશ અને ઐદ્યોગિક પ્રદૂષણથી પાણીની ગુણવત્તાના પ્રશ્નો વધતા જાય છે. સુરત શહેરનો વિસ્તાર નવસારી બેઠકમાં આવતો હોવાથી સ્થાનિક મતદારોને સાંસદને રજૂઆત કરવા માટે નવસારી સુધી જવું પડે છે. વિશ્વ પ્રસિદ્ધ દાંડીધામ હજી પણ માળખાકીય સુવિધા માંગે છે. તો દાંડીને હજી પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં સફળતા પ્રાપ્ત થઈ નથી. સુરત અને નવસારીના દરિયાઈ વિસ્તારોમાં ધોવાણનો મોટો પ્રશ્ન છે, તો રેલ્વે સંબંધિત અનેક પ્રશ્નો યથાવત રહ્યા છે.

Navsari Lok Sabha Seat

2024માં સૌથી મોટો પ્રશ્ન, વિજય કરતાં લીડનો ચર્ચાય છે

2024ની લોકસભા ચૂંટણી માટે ભાજપે જે 195 ઉમેદવારોની પ્રથમ યાદી પ્રસિદ્ધ કરી છે એમાં નવસારીના ત્રણ ટર્મથી જીતતા આવતા સાંસદ સી. આર. પાટીલને ચોથી વારના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. નવસારી બેઠકના વર્તમાન સાંસદ સી. આર. પાટીલની પ્રદેશ પ્રમુખ તરીકેની ટર્મ પણ પુરી થશે ત્યારે 2024ની ચૂંટણીમાં વિજેતા થયા બાદ સી. આર. પાટીલને રાજ્યથી કેન્દ્ર ખાતે મંત્રી બનાવીને લઈ જવાય એવી પણ લોકચર્ચાઓ જામી છે. પક્ષમાં આંતરિક જૂથવાદને ડામી ન શકવાની ફરીયાદ પ્રદેશ પ્રમુખ તરીકે સી. આર. પાટીલની કેન્દ્રીય મોવડી મંડળ સુધી પહોંચી છે. આ સંજોગોમાં પણ સી. આર. પાટીલના પ્રદેશ પ્રમુખ તરીકેના કાર્યકાળમાં ભાજપે 2022માં 156 બેઠકો હાંસલ કરી અને અનેક કોંગ્રેસ-આપના નેતાઓને ભાજપમા સમાવિષ્ઠ કરાવીને ભાજપને પહેલા કરતા વધુ સશક્ત બનાયો છે. 2009ની પહેલી લોકસભા ચૂંટણીમાં સી.આર. પાટીલની 1,32,643 મતોની લીડ, 2014માં 5,58,116 મતો સુધી પહોંચી. 2019માં તો સી. આર. પાટીલની વિજયી લીડ 6,89,688ના વિક્રમે પહોંચી હતી. સાંસદ તરીકે હાઇટેક સુવિધાના ઉપભોક્તા અને સી. આર. પાટીલની અદ્યતન ટેકનોલોજીથી સંપન્ન ઓફિસ દેશમાં મોખરામાં સ્થાન પામે છે. 2024માં એવું મનાય છે કે સી. આર. પાટીલની જીત તો નિશ્ચિંત છે, પણ સવાલ માત્ર કેટલાં મતોની લીડનો છે એ રહેવાનો છે.

  1. Patan Lok Sabha Seat: 2024માં પાટણની પ્રભુતા પર કોનું રહેશે પ્રભુત્વ? ઉમેદવારનો ચહેરો કે રાષ્ટ્રીય મુદ્દો રહેશે હાવી ?
  2. Dahod Lok Sabha Seat: દાહોદ બેઠક પર 2024ના ચૂંટણી પરિણામને અપક્ષો કરી શકે છે પ્રભાવિત
  3. Sabarkantha Lok Sabha Seat: સાબરકાંઠા બેઠક પર OBC કાર્ડ ચાલશે કે આદિવાસી ?

ABOUT THE AUTHOR

...view details