ખેડા:લોકસભા ચૂંટણી 2024 માટે કોંગ્રેસે વધુ એક ઉમેદવારોની યાદી જાહેર કરી છે. કોંગ્રેસે 57 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં ગુજરાતના 11 ઉમેદવારો પણ સામેલ છે. ગુજરાતમાં આ પહેલા કોંગ્રેસના સાત ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. એટલે કે કોંગ્રેસે 26 માંથી કુલ 18 ઉમેદવારોના નામ સામે આવ્યા છે.
કોણ છે કાળુસિંહ ડાભી ?
ખેડા બેઠક પરથી 66 વર્ષીય કાળુસિંહ ડાભી લોકસભાની ચૂંટણી લડશે. વર્ષ 2017માં કપડવંજ વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચુંટાઈ આવ્યા હતા. 2022માં રાજેશ ઝાલા સામે તેમનો પરાજય થયો હતો. સરપંચથી શરૂયાત કર્યા બાદ વિધાનસભા સુધી કાળુસિંહ ડાભીએ સફર કરી છે. હવે ખેડા લોકસભામાં સાંસદ સભ્ય માટે કોંગ્રેસમાંથી ચૂંટણી લડશે. કઠલાલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે પણ કાળુસિંહ ડાભીએ જવાબદારી નિભાવી છે. વર્ષ 1985થી ગ્રામ પંચાયતના સભ્યથી માંડીને એ બાદ સરપંચ એ પછી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ત્યારબાદ બે વખત કપડવંજ વિધાનસભા બેઠક પરથી ચુંટણી લડ્યા છે.જેમાં એક વખત જીત મળી તો એક વખત હાર મળી હતી.
એક જમાનામાં ખેડા કોંગ્રેસનો ગઢ હતી
ખેડા લોકસભા બેઠક શરૂઆતથી કોંગ્રેસનો ગઢ રહી છે. અહીં સતત કોંગ્રેસના ઉમેદવારો જીતતા આવ્યા છે. વર્ષ 2014 થી અહીં ચૂંટણી ચિત્ર બદલાયું છે અને છેલ્લી બે ટર્મથી સતત ભાજપ જીતી રહી છે. 2014માં પરિવર્તન આવતા અહીં સતત પાંચ ટર્મથી જીતતા આવતા કોંગ્રેસના દિગ્ગજ દિનશા પટેલ દેવુસિંહ ચૌહાણ સામે પરાજિત થયા હતા. તે બાદ 2019માં પણ ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ જીત્યા હતા. જેમાં તેમની સરસાઈ પણ વધી હતી. ત્યારે અહીં હવે ભાજપનો કબજો જોવા મળી રહ્યો છે. 2019માં પણ કાળું સિંહને ટિકિટ ન મળતા તેઓ કોંગ્રેસથી નારાજ થયા હતા. ત્યારે કોંગ્રેસે બિમલ શાહને ખેડાથી ટિકિટ આપી હતી. કાળુસિંહ ડાભી અને તેમના સમર્થકોએ નારાજ થઈને રાજીનામાં આપ્યા હતા. આ વખતે તેમની સંસદ જવાની મનોકામના પૂર્ણ થશે કે નહીં તે ચૂંટણી પરિણામ આવ્યા બાદ જ જાણવા મળશે.
બેરોજગારી સહિતના પ્રશ્નોના નિકાલ માટે કામ કરીશ: કાળુસિંહ ડાભી