પોરબંદર :દેશભરમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે. ગુજરાતમાં લોકસભા ચૂંટણી વચ્ચે મોટાભાગના લોકોની નજર ગુજરાતની મહત્વની ગણાતી બેઠકો પર છે. જેમાં પોરબંદર લોકસભા બેઠક પણ મહત્વનું સ્થાન ધરાવે છે. આ લોકસભા વિસ્તારમાં ગોંડલ, જેતપુર, ધોરાજી, પોરબંદર, કુતિયાણા, માણાવદર અને કેશોદ એમ કુલ સાત વિધાનસભા સમાયેલી છે.
ખેડૂત અને માછીમારોની ભૂમી : પોરબંદર લોકસભા બેઠક પર મોટાભાગે પાટીદાર સમાજનું પ્રભુત્વ રહ્યું છે. આ વિસ્તારમાં મોટાભાગે લોકો ખેતી અને પશુપાલન સહિત માછીમારી પર નિર્ભર છે. તો જેતપુરમાં સાડી ઉદ્યોગ પણ ધમધમી રહ્યો છે. આવો જાણીએ પોરબંદર લોકસભા બેઠકનો ઈતિહાસ, વિશેષતા અને 2024 લોકસભા ચૂંટણીના પરિણામને અસર કરતા મુખ્ય પરિબળો અને રાજકીય સમીકરણ
ગુજરાતનું મુખ્ય પર્યટન સ્થળ : ગુજરાતના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સાગર કાંઠામાંથી ભારતનો પ્રવેશદ્વાર ગણાતું પોરબંદર મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ તરીકે વિશ્વભરમાં ઓળખાય છે. પોરબંદર કૃષ્ણ સખા સુદામાની પણ કર્મભૂમિ છે. જ્યાં માધવરાય અને રૂકમણીના વિવાહ યોજાય છે, એવું સ્થળ માધવપુર પણ અહીં આવેલું છે. દ્વારકા અને સોમનાથ વચ્ચે આવેલું પોરબંદર તીર્થસ્થાન તરીકે જાણીતું છે. રમણિય ચોપાટી શહેરની શાન છે, તો સાંદીપની આશ્રમ પણ શોભા વધારી રહ્યો છે. બરડા ડુંગરની ગીરીમાળાઓ પાસે જાંબુવંતની ગુફા પણ છે.
- સામાજિક અને જ્ઞાતિનું ગણિત
પોરબંદરમાં જ્ઞાતિ-જાતિનું સમીકરણ જોઈએ તો પોરબંદર લોકસભા બેઠક પર મુખ્યત્વે અલગ અલગ વિધાનસભા વિસ્તારમાં પાટીદાર, મહેર સમાજ અને દરિયાપટ્ટી પર ખારવા સમાજના લોકો વસે છે. તો કોળી સમાજના મત પણ પરિણામમાં નિર્ણાયક સાબિત થઈ શકે છે. પોરબંદર જિલ્લાનો સાક્ષરતા દર 76.63 % છે.
પોરબંદર લોકસભા બેઠકના મતદારો - પોરબંદર લોકસભા બેઠકના મતદારો
11 પોરબંદર લોકસભા વિસ્તારમાં કુલ 17,62,602 મતદારો છે. જેમાં પુરુષ મતદારોની સંખ્યા 9,09,529, સ્ત્રી મતદારોની સંખ્યા 8,53,050 અને 23 થર્ડ જેન્ડર મતદારો છે.
સાત વિધાનસભા વિસ્તાર ધરાવતી પોરબંદર લોકસભા બેઠકના ગોંડલમાં 2,29,579 મતદાર, જેતપુરમાં 2,77,247 મતદાર, ધોરાજીમાં 2,68,247 મતદાર, પોરબંદરમાં 2,62,704 મતદાર, કુતિયાણામાં 2,27,439 મતદાર, માણાવદરમાં 2,49,141 મતદાર અને કેશોદમાં 2,48,245 મતદાર છે.
પોરબંદર લોકસભા બેઠકનો રાજકીય ઈતિહાસ - પોરબંદર લોકસભા બેઠકનો રાજકીય ઈતિહાસ
પ્રથમ સાંસદ :પોરબંદર લોકસભા બેઠક વર્ષ 1977 થી અસ્તિત્વમાં આવી છે. એ સમયે ધરમશી ડાયાભાઈ પટેલ ભારતીય લોકદળમાંથી 1,43,252 મત મેળવી વિજેતા બન્યા હતા.
કોંગ્રેસનો દબદબો :વર્ષ 1980 માં કોંગ્રેસમાંથી ઓડેદરા માલદેવજી 1,62,721 મત મેળવી સાંસદ બન્યા હતા. વર્ષ 1981 માં માલદેવજીના અવસાન બાદ 1984 માં આ સીટ પર તેમના પુત્ર ભરત માલદેવજી ઓડેદરા કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા અને 2,05,262 મતથી વિજેતા થયા હતા.
સાત ટર્મ ભાજપનું વર્ચસ્વ :1889 બાદ પોરબંદર લોકસભા બેઠક પર ભાજપ અને જનતા દળનું વર્ચસ્વ રહ્યું છે. જેમાં ફક્ત 2009 માં કોંગ્રેસના વિઠ્ઠલ રાદડિયાની જીત થઈ હતી. વર્ષ 1989 માં જનતા દળના બળવંત મણવર 1,98,058 મત મેળવીને વિજેતા થયા હતા. વર્ષ 1991માં પટેલ હરિલાલ માધવજી 1,92,869 મત મેળવી ભાજપમાંથી વિજેતા બન્યા હતા.
ગોરધન જાવિયાની હેટ્રીક :પોરબંદર લોકસભા બેઠક પર સતત ત્રણ વખત સાંસદ રહેવાનો વિક્રમ ભાજપના ગોરધન જાવિયાના નામે છે. જેમાં ગોરધન જાવિયાએ વર્ષ 1996, 1998 અને 1999 માં અનુક્રમે 1,75,410 મત, 2,57,516 મત અને 2,10,627 મત મેળવ્યા અને ભાજપના સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. વર્ષ 2004માં હરિલાલ પટેલ ભાજપમાંથી 2,29,113 મત મેળવી વિજેતા બન્યા હતા.
લડાયક નેતા વિઠ્ઠલ રાદડિયા :2009 માં લડાયક ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ હંસરાજભાઈ રાદડિયા કોંગ્રેસમાંથી 3,29,436 મત મેળવી વિજેતા બન્યા હતા. 2009 માં કોંગ્રેસમાંથી જીત્યા બાદ વિઠ્ઠલ રાદડિયાએ પક્ષ બદલ્યો અને કેસરિયા કર્યા હતા. ભાજપમાં આવ્યા બાદ 2014 માં અબકી બાર મોદી સરકારનો નારો અપનાવી વિઠ્ઠલ રાદડિયા NCP ઉમેદવાર કાંધલ જાડેજા સામે ચૂંટણી લડ્યા અને 5,08,437 મત મેળવી વિજેતા બન્યા હતા.
2019 લોકસભા ચૂંટણી :વર્ષ 2019 માં મોદી હે તો મુમકીન હે ના નારા સાથે રમેશ ધડુકે ભાજપ પક્ષમાંથી ઉમેદવારી કરી અને કોંગ્રેસના લલિત વસોયા સામે 5,63,881 મત મેળવી જીત મેળવી હતી. જેમાં રમેશ ધડુકે 2,29,823 મતની મજબૂત લીડ મેળવી હતી. કોંગ્રેસના લલિત વસોયાને કુલ 3,34,058 મત મળ્યા હતા.
- પોરબંદર લોકસભા બેઠકના ભાવિ સાંસદ
ભાજપ ઉમેદવાર મનસુખ માંડવિયા :ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાની છબી સારી છે, પરંતુ રાષ્ટ્રીય સ્તરે કામ કરતાં હોવાથી લોકલ ટચ નથી, ત્યારે જનતાના પ્રશ્નો તે કેવી રીતે સોલ્વ કરશે તે હાલ મોટો પ્રશ્ન બની રહ્યો છે. ધોરાજી અને જેતપુરમાં થયેલા પોસ્ટર વોર મનસુખ માંડવીયાને આયાતી ઉમેદવાર ગણાવી વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. વર્ષ 2002ની વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતના સૌથી યુવા ધારાસભ્ય તરીકે ચૂંટણી જીતવામાં સફળ રહ્યા છે.
કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયા :લલિત વસોયાની ખેડૂત નેતા છે અને કોંગ્રેસમાં વર્ષોથી અર્જુન મોઢવાડિયા સાથે ખભે ખભો મિલાવી કામ કર્યું છે. રાજનીતિમાં પાવધરો અનુભવ ધરાવતા લલિત વસોયા અનેક ચૂંટણી લડ્યા છે. ગત લોકસભા ચૂંટણીમાં હારનો સ્વાદ પણ ચાખ્યો છે, તેમ છતાં તેઓ વર્ષોથી કોંગ્રેસને વફાદાર છે. મનસુખ માંડવીયા કરતા લલિત વસોયાનો પોરબંદર લોકસભા વિસ્તારમાં લોકલ ટચ વધુ છે અને આ તેમનો પ્લસ પોઇન્ટ છે. લલિત વસોયા એક લડાયક નેતા તરીકે જાણીતા છે અને લોકોના પ્રશ્નો, સમસ્યાઓ અને જરૂરીયાતો માટે કાયમી પોતાનો અવાજ ઉઠાવતા હોવાની બાબતથી સૌ કોઈ જાણકાર છે.
અપક્ષ ઉમેદવાર નાથા ઓડેદરા :પોરબંદરના નાથા ઓડેદરા કોંગ્રેસમાં જિલ્લા પ્રમુખ અને આમ આદમી પાર્ટીમાં ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ પણ રહી ચૂક્યા છે. નાથા ઓડેદરાએ અર્જુન મોઢવાડિયા સાથે રાજનીતિના પાઠ શીખ્યા છે અને તાજેતરમાં પોરબંદરમાં ગુંડાગીરી અને ભ્રષ્ટાચારના વિરોધમાં સક્રિય ભૂમિકા ભજવી છે તથા સામાન્ય લોકોના ન્યાય માટે પ્રશ્નો ઉઠાવતા રહ્યા છે. પોરબંદર જિલ્લામાં મહેર જ્ઞાતિ વર્ચસ્વ અને રાજકીય પ્રભુત્વ ધરાવે છે. નાથા ઓડેદરા સ્થાનિક લોકોના સતત સંપર્કમાં રહે છે તથા પોતે મહેર જ્ઞાતિના હોવાથી મોટી સંખ્યામાં સમર્થકો તેમની સાથે છે.
- 2024 ત્રિપાંખીયો ચૂંટણી જંગ
પોરબંદર લોકસભા બેઠક પર પાટીદાર સમાજનું પ્રભુત્વ રહ્યું છે. આથી ભાજપમાંથી મનસુખ માંડવીયા અને કોંગ્રેસ પક્ષમાંથી લલિત વસોયાને ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે. જોકે પોરબંદર જિલ્લામાં મહેર જ્ઞાતિ વર્ચસ્વ અને રાજકીય પ્રભુત્વ ધરાવે છે. જોકે અપક્ષમાંથી ઉમેદવારી કરી રહેલા નાથા ઓડેદરાની ભૂમિકા નિર્ણાયક સાબિત થઈ શકે છે. ત્યારે 2024 લોકસભા ચૂંટણીના ત્રિપાંખીયા ચૂંટણી જંગમાં પોરબંદર લોકસભા વિસ્તારની જનતા ત્રણેય નેતાઓમાંથી કોને પસંદ કરે તે જોવાનું રહ્યું.
- Porbandar Lok Sabha Seat: રમેશ ધડુકનું પત્તુ કપાયું, પોરબંદર લોકસભા બેઠક પરથી મનસુખ માંડવીયાના નામની જાહેરાત
- Porbandar Lok Sabha Seat: પોરબંદર લોકસભા બેઠક પર માંડવિયા અને લલિત વસોયા વચ્ચે જામશે જંગ