નવી દિલ્હી: લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે બાકી બેઠક પરના ચાર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જે અંતર્ગત અમદાવાદ પૂર્વથી હિંમતસિંહને ઉમેદવાર બનાવ્યા છે. આ ઉપરાંત રાજકોટ બેઠક પર કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા સામે પરેશ ધાનાણીને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે મહેસાણામાં રામજી ઠાકોરના નામ પર મહોર મારવામાં આવી છે. જ્યારે નવસારી બેઠક પર નૈષધ દેસાઈના નામ પર મહોર મારવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે, કોંગ્રેસ વિધાનસભાની ખાલી પડેલી બેઠક પર પેટાચૂંટણીને પણ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.
કોંગ્રેસ બાકીના નામોની યાદી જાહેર કરી કોંગ્રેસે વધુ 4 ઉમેદવારોના નામની કરી જાહેરાત
- અમદાવાદ પૂર્વ હિંમતસિંહ
- રાજકોટથી પરેશ ધાનાણી
- નવસારીથી નૈષધ દેસાઈ
- મહેસાણાથી રામજી ઠાકોર
5 વિધાનસભાના ઉમેદવારોના નામ પણ જાહેર
- વિજાપુરથી દિનેશ પટેલ
- પોરબંદરથી રાજૂ ઓડેદરા
- ખંભાતથી મહેન્દ્રસિંહ પરમાર
- માણાવદરથી હરીભાઈ કણસાગરા
- વાઘોડિયાથી કનુભાઈ ગોહિલ
-આ ઉપરાંત કોંગ્રેસ વિધાનસભાની ખાલી પડેલી 5 બેઠકો પર યોજાનારી પેટાચૂંટણીને લઈને પણ પોતાના ઉમેદાવારોના નામની જાહેરાત કરી છે. જે અંતર્ગત વિજાપુરથી દિનેશ પટેલને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે પોરબંદર બેઠક પર ભાજપના કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા સામે યુવા ચહેરા રાજૂ ઓડેદરાને ટિકિટ આપી છે. આ ઉપરાંત ખંભાત બેઠક પર મહેન્દ્રસિંહ પરમારના નામની જાહેરાત કરી છે. જ્યારે માણાવદર બેઠક પર હરીભાઈ કણસાગરા અને વાઘોડિયાથી કનુભાઈ ગોહિલને ઉમેદવાર બનાવ્યાં છે.
હિંમતસિંહ પટેલ: હિંમતસિંહ પટેલ હાલ અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખના પદે છે. તેઓ કાર્યકારી પ્રમુખ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પણ રહી ચુક્યા છે. આ ઉપરાંત ઓલ ઇન્ડિયા મેયર કાઉન્સિલનાં વાઇસ ચેરમેન, યુથ કોંગ્રેસ પ્રમુખ અને ચાર ટર્મ કાઉન્સિલર પણ રહી ચુક્યા છે. તેમની રાજકીય કારકિર્દી ખુબ પ્રભાવશાળી રહી છે. વર્ષ ૨૦૦૦-૦૩માં અમદાવાદના મેયર રહી ચુક્યા છે, આ ઉપરાંત તેઓ બાપુનગર વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય પણ રહી ચુક્યા છે. ૬૨ વર્ષીય હિંમતસિંહ પટેલ એસ.એસ.સીનો અભ્યાસ ધરાવે છે.
પરેશ ધાનાણી:રાજકોટ વિધાનસભા બેઠક પર કોંગ્રેસે ભાજપના પરષોત્તમ રૂપાલાને ટક્કર આપવા માટે પાટીદાર જ ચહેરાને મેદાનમાં ઉતાર્યો છે. અમરેલી યુવક કોંગ્રેસ પ્રમુખથી રાજકીય કારકિર્દી શરૂ કરનાર ધાનાણી યુવા વયે ધારાસભ્ય બન્યા અને ત્યાર બાદ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પદે પણ રહ્યા. આ ઉપરાંત વર્ષ 2018માં તેઓ વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે પણ ફરજ બજાવી ચુક્યા છે. મહત્વપૂર્ણ છે કે, 2004-2007માં વિધાનસભામાં ઉપદંડકની પણ તેઓ ભૂમિકા ભજવી ચુક્યા છે. 48 વર્ષીય પરેશ ધાનાણી બીકોમ સુધીનો અભ્યાસ ઘરાવે છે અને તેમની રાજકીય કારકિર્દી ખુબ મહત્વપૂર્ણ રહી છે.
નૈષદભાઈ દેસાઈ:નવસારી લોકસભા બેઠક પર કોંગ્રેસે નૈષધભાઈ દેસાઈ પર દાવ લગાવ્યો છે. સ્વતંત્રતા સેનાની પરિવારમાંથી આવતા નૈષધભાઈ દેસાઈ શ્રમિકો માટે સતત લડતા વ્યક્તિ, ઇનટુક પ્રેસિડેન્ટ તરીકે વર્ષો સુધી સેવારત હતા.તેઓ વરિષ્ઠ પ્રવકતાની સાથે-સાથે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પણ રહી ચુકયા છે, 68 વર્ષીય નૈષધ દેસાઈ એમ.એ, એલ,એલ,બી (વકીલ)નો અભ્યાસ કર્યો છે, એટલે તેઓ કાયદાકીય બાબતોના પણ ઉંડા જાણકાર છે.
રામજી ઠાકોર:મહેસાણાથી કોંગ્રેસે રામજીભાઈ ઠાકોરને ઉમેદાવાર બનાવ્યા છે. ભાજપની સાથે પાટીદારોનું પ્રભુત્વ ધરાવતી મહેસાણા લોકસભા બેઠક પર કોંગ્રેસ ઠાકોર સમાજનો યુવાન ચેહરાને મેદાનમાં ઉતાર્યો છે. તેઓ મહેસાણા જિલ્લા કોંગ્રેસનાં વરિષ્ઠ આગેવાનની સાથે ક્ષત્રિય સેનાનાં પ્રમુખ રહી ચૂક્યા છે તેમજ ખેરાલુ વિધાનસભા ચૂંટણી લડી ચુક્યા છે.
રાજુભાઇ ઓડેદરા: પોરબંદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીને લઈને કોંગ્રેસ ભાજપના અર્જુન મોઢવાડિયા સામે યુવા નેતા અને મહેર સમાજમાંથી આવતા રાજુ ઓડેદરાને ટિકિટ આપી છે. રાજુ ઓડેદરા મહેર સમાજમાંથી આવે છે. રાજુ ઓડેદરાએ કોંગ્રેસ પક્ષમાં વિધાર્થી નેતાથી રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી અને તેઓ પોરબંદર તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ પણ રહી ચુક્યા છે. તેઓ ઉચ્ચ શિક્ષણ ધરાવે છે.
હરિભાઈ ગોવિંદભાઇ કણસાગરા: માણાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીને લઈને કોંગ્રેસે હરિભાઈ ગોવિંદભાઇ કણસાગરાને મેદાનમાં ઉતાર્યા છે. તેઓ કોંગ્રેસ પક્ષનાં ૪૦ વર્ષથી વધુ સમયથી જોડાયેલાં પાયાના આગેવાન રહ્યાં છે. આ ઉપરાંત પાટીદાર સમાજની ધાર્મિક- સામાજિક સંસ્થાઓ સાથે સક્રિય સંકળાયેલ અને સ્થાનિક સક્રિય નેતા છે.
કનુભાઈ ગોહિલ:વાઘોડિયા વિધાનસભા બેઠકની પેટાચૂંટણીને લઈને કોંગ્રેસે કનુભાઈ ગોહિલને ઉમેદવાર બનાવ્યા છે. તેઓ જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ, જિલ્લા કોંગ્રેસનાં વરિષ્ઠ આગેવાન રહ્યા છે. તેમજ ક્ષત્રિય સમાજનાં સક્રિય આગેવાન તરીકે પણ દમદાર ભૂમિકા ભજવી છે તેઓ સહકારી શ્રેત્રનાં પણ આગેવાન રહ્યા છે.