કેનેડા : હજારો કેનેડિયન હિંદુઓએ સોમવારની સાંજે કેનેડાના શહેર બ્રામ્પટનમાં દેશમાં હિંદુ મંદિરો પર વારંવાર થતા હુમલાના વિરોધમાં એકતા રેલી કાઢી હતી. આ સમય દરમિયાન લોકોએ કેનેડિયન રાજકારણીઓ અને કાયદા અમલીકરણ એજન્સીઓ પર ખાલિસ્તાનીઓને વધુ સમર્થન ન આપવા દબાણ કર્યું હતું. તમને જણાવી દઈએ કે, રવિવારના રોજ ખાલિસ્તાની ઉગ્રવાદીઓએ મંદિર પર હુમલો કર્યો હતો.
કેનેડામાં હિન્દુ એકતા રેલી :આ વિગતો કોએલિશન ઓફ હિંદુઝ ઓફ નોર્થ અમેરિકા (CoHNA) દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરવામાં આવી હતી. COHNA એ દિવાળી વીકએન્ડ દરમિયાન સમગ્ર કેનેડામાં હિંદુ મંદિરો પર થયેલા બહુવિધ હુમલાઓને પ્રકાશિત કર્યા અને દેશમાં 'હિંદુફોબિયા'ને રોકવા માટે હાકલ કરી. આ પોસ્ટમાં લખ્યું હતું કે, 'હિંદુ મંદિરો પર વધી રહેલા હુમલાનો વિરોધ કરવા માટે એક હજારથી વધુ કેનેડિયન હિંદુઓ બ્રેમ્પટનમાં એકઠા થયા હતા.'
હિંદુ મંદિરો પર હુમલાનો વિરોધ :આ પોસ્ટમાં વધુમાં લખ્યું કે, 'પવિત્ર દિવાળી સપ્તાહના અંતે કેનેડામાં હિન્દુ મંદિરો પર હુમલો કરવામાં આવ્યો હતો. અમે કેનેડાને વિનંતી કરીએ છીએ કે આ હિંદુફોબિયા તાત્કાલિક બંધ કરો. રવિવારે ટોરોન્ટો નજીક બ્રામ્પટનમાં હિન્દુ સભા મંદિર ખાતે ભારતીય કોન્સ્યુલેટ કેમ્પમાં 'હિંસક વિક્ષેપ' જોવા મળ્યો હતો. આ હુમલાઓ અંગે કેનેડામાં હિન્દુ સમુદાયના હિતમાં કામ કરતી સંસ્થા હિન્દુ કેનેડિયન ફાઉન્ડેશને આ સંદર્ભમાં એક વીડિયો શેર કર્યો અને કહ્યું કે, ખાલિસ્તાની આતંકવાદીઓએ બાળકો અને મહિલાઓ પર હુમલો કર્યો હતો.
પીએમ મોદીએ હુમલાની નિંદા કરી :વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇરાદાપૂર્વક થયેલા હુમલાની સખત નિંદા કરતા કહ્યું હતું કે, ભારતીય રાજદ્વારીઓને ડરાવવાના આ કાયરતાપૂર્ણ પ્રયાસો ભયાનક છે. ભારતને આશા છે કે કેનેડિયન સત્તાવાળાઓ ન્યાય સુનિશ્ચિત કરશે અને કાયદાનું શાસન જાળવી રાખશે.
ભારતીય હાઈ કમિશન :કેનેડામાં ભારતીય હાઈ કમિશને કોન્સ્યુલર કેમ્પની બહાર ભારત વિરોધી તત્વો દ્વારા હિંસક વિક્ષેપની નિંદા કરી. હાઈ કમિશને એમ પણ કહ્યું હતું કે સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા કરવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થાના આધારે આગળ કોઈ પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. તાજેતરના વર્ષોમાં સંખ્યાબંધ ઘટનાઓ નોંધવામાં આવી છે જે કેનેડામાં ધાર્મિક અસહિષ્ણુતાના ચિંતાજનક વલણને દર્શાવે છે.
- કેનેડા હિન્દુ મંદિર પર હુમલો: BJP-VHP નેતાઓએ કરી નિંદા
- કેનેડામાં મંદિર પર હુમલો, ઘટનાસ્થળે ખાલિસ્તાની ઝંડા દેખાયા